નીરોગી જીવન માટે પૌષ્ટિકતાનો ભંડાર ગણાતા બાંબુના છે અનેક લાભ

ઇન્ટરવલ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

ફિલ્મોમાં જંગલમાં તમે અનેક વખત બાંબુના વૃક્ષ પર પાંડાને ચઢેલા જોયા હશે. ત્યારે એક વખત તો વિચાર આવી જ ગયો હશે કે શરીરે વજનદાર પાંડા બાંબુના વૃક્ષ પર શા માટે ચઢી જતા હશે ? તો તેનો જવાબ છે બાંબુ પાંડાનો પ્રિય ખોરાક છે.
બાંબુના વિવિધ ઉપયોગ કરવામાં આવતા હોય છે. વળી એક પરિપક્વ બાંબુમાંથી અનેક બાંબુનો જન્મ ઝડપથી થવા લાગે છે, આથી જ વિશ્ર્વના અનેક દેશો બાંબુની ખેતી કરવાનું પસંદ કરે છે. બાંબુ ગ્રામીણ જીવનનો એક હિસ્સો પણ ગણાય છે, આથી જ વિકાસશીલ દેશમાં બાંબુનો ઉપયોગ વિવિધ રીતે મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. બાંબુને ‘ગરીબ માણસનું લાકડું’ તરીકે ઓળખવામાં આવે છે. આમ જીવનમાં બાંબુનું એટલું બધું મહત્ત્વ છે કે તેનો ઉપયોગ દુષ્કાળ હોય કે પૂરની પરિસ્થિતિનો સામનો કરી શકવા સમર્થ માનવામાં આવે છે. બાંબુની વિવિધતાને કારણે ભારત બાંબુની ખેતીમાં બીજા નંબરે આવે છે. પ્રથમ ક્રમાંક ચીનનો છે. વિશ્ર્વભરમાં બાંબુની લગભગ ૫૮ જાતિ જોવા મળે છે. પ્રતિવર્ષ ૧૮ સપ્ટેમ્બરના રોજ બાંબુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં બાંબુની ખેતી લગભગ ૧૦ લાખ હેક્ટરમાં કરવામાં આવે છે. એવી પણ માહિતી મળે છે કે એક વનક્ષેત્રમાં સરેરાશ ૧૩ ટકા ક્ષેત્રમાં બાંબુ ઊગેલા જોવા મળે છે. વર્ષભરની વાત કરીએ તો બાંબુનું ઉત્પાદન ૫ાંચ લાખ ટનની આસપાસ થાય છે. બાંબુની ખેતી દ્વારા સરેરાશ ૮.૬ લાખ લોકોને રોજી મળે છે.
ભારતમાં બાંબુનું સૌથી વધુ ઉત્પાદન મધ્ય પ્રદેશમાં થાય છે. પૂર્વોત્તર ભારતમાં પણ બાંબુની ખેતી પ્રત્યે જાગરૂકતા વધતી જોવા મળે છે. કાચા બાંબુની અંદર પકાવેલા ચોખાની ખાસ માગ જોવા મળે છે. પૂર્વોત્તર ભારતમાં તો પ્રજાના જીવનનો એક અવિભાજ્ય ભાગ બાંબુ સાથે સંકળાયેલો છે. ઘર બાંધવા માટે, ખેતીનાં ઉપકરણો બનાવવા માટે કરવામાં આવે છે. બાંબુની ખેતીને કારણે નાના જમીનધારકોને પણ જમીનની ઘનતા વધારવામાં મદદ મળે છે. વળી જળ સંવર્ધન માટે પણ બાંબુની ખેતી લાભકારક ગણાય છે. વર્ષ ૨૦૦૭માં ભારતમાં નેશનલ બાંબુ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ફાયદો ખેડૂતોને આજે ભરપૂર પ્રમાણમાં મળી રહ્યો છે. સાધારણ વૃક્ષોની સરખામણીમાં બાંબુની ખેતી દ્વારા ૩૫ ટકા વધુ ઑક્સિજન મળે છે. વળી બાંબુ અત્યંત ઝડપી ગતિથી વૃદ્ધિ પામતી વનસ્પતિ ગણાય છે. એવી જાણકારી મળે છે કે એક બાંબુ પ્રતિ હૅક્ટરદીઠ ૧૨ ટન કાર્બન ડાયોક્સાઈડ પર નિયંત્રણ રાખે છે. ભેજવાળા વાતાવરણમાં બાંબુ પ્રતિદિન ૧ ફૂટ જેટલો વધે છે, આથી જ બાંબુને આપણા જીવન તથા સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ ગણવામાં આવે છે.
બાંબુનો ઉપયોગ ધાર્મિક સમારંભ, કલા તથા સંગીતનાં સાધનો બનાવવામાં પણ કરવામાં આવે છે. મકાન બાંધકામ, ફર્નિચર, કાગળ બનાવવામાં, ઘરગથ્થુ કાપડ એક અલગ જ પ્રકારની ખાદ્ય સંસ્કૃત્તિ વિશે આપ જાણકારી મેળવી શકો છો. બાંબુના સ્વાસ્થ્યવર્ધક લાભ વિશે હજી લોકોમાં બહોળા પ્રમાણમાં જાણકારી જોવા મળતી નથી. બાંબુના કૂણા ભાગનો ઉપયોગ કરીને અથાણાં, સૂપ, સલાડ, સ્પ્રિંગ રોલ, બાંબુ કરી તથા બાંબુનું શાક પણ બનાવવામાં આવે છે. બાંબુનો લોટ પણ બજારમાં ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરીને બિસ્કિટ, પાસ્તા, નૂડલ્સ, કૅક, જામ, કૅન્ડી તથા આઈસક્રીમ પણ બનાવવામાં આવે છે. દેશ-વિદેશમાં શ્રીમંતો બાંબુના લાભ જાણ્યા બાદ તેનો આહારમાં ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે. વિશ્ર્વના વિવિધ દેશોમાં જાપાન બાંબુનો આહારમાં ઉપયોગ કરવામાં પ્રથમ ક્રમાંક ધરાવે છે. બાંબુની ખરીદીમાં પણ જાપાન અવ્વલ નંબરે આવે છે. ચીન બાંબુની નિકાસમાં અગે્રસર ગણાય છે.
—————
બાંબુનો ઉપયોગ કઈ રીતે કરવો?
બાંબુને બાફીને તેનો ઉપયોગ વિવિધ વાનગીમાં કરી શકાય છે. બાફેલા બાંબુને માખણ તથા સોયા સોસ સાથે પણ પીરસી શકાય છે. બાંબુને પકાવતાં પહેલાં ખાસ જરૂરી છે તેને પાણીમાં ૫-૬ કલાક પલાળી રાખવું. બાંબુને બરાબર બાફીને જ આહારમાં ઉપયોગમાં લેવા જોઈએ. કાચા બાંબુનો ઉપયોગ કરવાથી શરીરમાં ઝેરી તત્ત્વો પ્રવેશી શકે છે.
————
બાંબુનો મુરબ્બો
સામગ્રી: ૧૨-૧૫ બાંબુનાં ગોળ પતીકાં, ૭૫૦ ગ્રામ ખાંડ, ૧ લિટર પાણી, એલચી-જાયફળનો પાઉડર, કેસરના ૫-૬ તાંતણા.
બનાવવાની રીત: નાના કૂણા બાંબુને લેવા. ઉપરનો ભાગ કાઢીને સાફ કરી લેવો. પાણીથી બરાબર સાફ કરી લેવું. એકસરખાં ગોળ પાતળાં પતીકાં કરી લેવાં. વચ્ચેનો ભાગ કાઢી લેવો. ચપ્પુથી પતીકાંની અંદર થોડાં કાણાં કરી લેવાં. ૧ લિટર પાણીમાં તેને ઉકાળવાં. બરાબર બફાઈ જાય એટલે ચારણીમાં કાઢી લેવું. ૧ લિટર પાણીમાં ૭૫૦ ગ્રામ ખાંડ લેવી. ચાસણી બનાવવા મૂકવી. ધીમી આંચ પર તેમાં બાંબુના ટુકડા ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. ચાસણી દોઢ તારની કરવી. તેમાં સ્વાદ માટે એલચી-જાયફળનો પાઉડર, કેસરના ૫-૬ તાંતણા પણ ઉકાળતી વખતે નાખવા. આ સ્વાદિષ્ટ મુરબ્બો સ્વાસ્થ્યવર્ધક છે.
——————
બાંબુના સ્વાસ્થ્યવર્ધક ગુણો
બાંબુનાં મૂળિયાં, પાન, બીજનો ઉપયોગ આરોગ્યવર્ધક ગણાય છે. પ્રતિ વર્ષ વરસાદની મોસમમાં જમીનમાંથી નવા બાંબુના છોડ ઊગી નીકળતા હોય છે. ક્ષારથી ભરપૂર વનસ્પતિ હોવાથી તેમાં મોટા પ્રમાણમાં ન્યુટ્રિઅન્ટ્સ, વિટામિન, મિનરલ્સ, ફાઈબર, ઍન્ટિઑક્સિડન્ટના ગુણો સમાયેલા છે. બાંબુમાં ચરબી તથા કૅલરીઝની માત્રા અત્યંત અલ્પ પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે.
વજન નિયંત્રણમાં રાખવામાં ગુણકારી
હાલમાં વિશ્ર્વના પ્રત્યેક દેશોમાં મોટાપો એક સમસ્યા બની ગઈ છે. મોટાપાથી દૂર રહેવાના વિવિધ ઉપાયો આપણે કરતા જ રહેતા હોઈએ છીએ.
સાયન્ટિફિક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે બાંબુનો આહારમાં ઉપયોગ મોટાપાની સમસ્યાને દૂર કરવામાં ગુણકારી ગણાય છે. સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ઝડપથી મોટાપાની સમસ્યાથી છુટકારો મેળવવામાં બાંબુમાં સમાયેલું ફાઈબર અત્યંત ગુણકારી છે. વળી બાંબુના ઉપયોગથી ચયાપચયની પ્રક્રિયા પણ મજબૂત બને છે.
હૃદયને સ્વસ્થ રાખવામાં ઉપયોગી
એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે બાંબુમાં સમાયેલ ફાઈટોસ્ટ્રેરોલ્સ, ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ શરીર માટે નુકસાનકારક એલડીએલ કૉલેસ્ટરોલને પિગાળવામાં મદદ કરે છે, જેથી નસોમાં લોહી ગંઠાઈ જતું અટકે છે. સંપૂર્ણ શરીરમાં લોહીનું પરિભ્રમણ સુચારુ રીતે થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
બાંબુમાં સમાયેલાં વિટામિન તથા મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વળી ઍન્ટિઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં હોવાથી શરીરની આંતરિક સિસ્ટમને મજબૂત બનાવવામાં ઉપયોગી ગણાય છે.
કબજિયાતથી છુટકારો
જીવનમાં સતત ભાગદોડ, અતિવ્યસ્તતા, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીને કારણે મોટા ભાગની વ્યક્તિને કબજિયાતની તકલીફ જોવા મળે છે. બાંબુમાં ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે તેનો આહારમાં ઉપયોગ કબજિયાતને દૂર કરે છે.
શરીરને ટૉનિક પૂરું પાડે છે
પ્રાચીન ચીની ઔષધિનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે તો જાણવા મળે છે કે બાંબુનો ઉપયોગ આહારમાં સપ્રમાણ માત્રામાં કરવાથી શરીર શક્તિવર્ધક-બળવર્ધક બને છે. સગર્ભાવસ્થામાં પણ બાંબુમાંથી બનેલી વાનગીનો ઉપયોગ ટૉનિક સમાન છે.
બ્લડ પ્રેશરની સમસ્યાથી બચાવે છે
બાંબુમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.