એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અમેરિકા અને ચીન વચ્ચે જાસૂસી બલૂનના મુદ્દે બરાબર જામી છે. અમેરિકાની સરહદમાં ઘૂસેલા ચીનની કંપનીના બલૂનને અમેરિકાએ તોડી પાડ્યું તેના કારણે ચીન ભડક્યું છે. ચીનનો દાવો છે કે, આ નાગરિક બલૂન હતું ને હવામાનની માહિતી મેળવવા આવેલું. અમેરિકાનો દાવો છે કે, આ જાસૂસી બલૂન હતું ને અમેરિકાના પરમાણુ મથકોની આસપાસ ફરતું હતું તેથી તેનો ઈરાદો સારો નહોતો.
ચીન અને અમેરિકાની આ જીભાજોડી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે કે, ચીને આવું બલૂન ભારતની સરહદમાં પણ ઘૂસાડેલું. ગયા વરસે આંદામાન-નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર પર આવું બલૂન દેખાયેલું. સ્થાનિક મીડિયામાં તેની નોંધ પણ લેવાયેલી પણ કેન્દ્ર સરકારે કશું ના કર્યું. અમેરિકાએ તો બલૂનને તોડી પાડ્યું પણ આપણ સરકારે બલૂન દેખાયું એ અંગે સત્તાવાર નિવેદન પણ નહોતું આપ્યું. હવે સમાચાર આવ્યા છે કે, આ રીતે ચીને પહેલાં પણ ભારત સહિતના બીજા દેશોમાં બલૂન મોકલીને જાસૂસીના કરતૂત કર્યાં છે.
આ અહેવાલ ચિંતાજનક છે ને આપણને ફરી એ વાતનો અહેસાસ કરાવી રહ્યા છે કે ચીન સુધરવાનું નથી ને તેની સાથેની લડાઈ કદી ખતમ થવાની નથી. ભારત ચીન સાથેના સંબંધો સુધારવા ગમે તેટલું મથે પણ ચીન તેની હલકટાઈઓ છોડી શકે તેમ નથી તેથી ચીન સાથેનો સંઘર્ષ કદી પૂરો જ નહીં થાય.
ચીનનો ડોળો ભારતના વિસ્તારો પર છે. ચીન ભારતના બીજા ઘણા વિસ્તારો પોતાના હોવાના દાવા કર્યા છે. અત્યારે ચીન અરુણાચલ પ્રદેશ અને લેહ લદાખ ઉપરાંત ઉત્તરાખંડ, સિક્કિમ સહિતનાં ભારતનાં રાજ્યોના ૮ વિસ્તારો પર દાવો કરે છે. ભારત-ચીનનો સરહદી વિસ્તાર ત્રણ સેક્ટરમાં વહેંચાયેલો છે. ઈસ્ટર્ન, મિડલ અને વેસ્ટર્ન એમ ત્રણ સેક્ટરમાં આવેલા ભારતના ૮ વિસ્તારોને ચીન પોતાના ગણાવી પોતાને સોંપી દેવા ભારતને કહ્યા કરે છે.
આ સંજોગોમાં ભારતે ચીનને નાથવા શું કરવું એ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. ચીનને કાયમ માટે શાંત કરવાનો ઉપાય શો એ દિશામાં ભારતે વિચારવાની જરૂર છે. એક સમયે પાકિસ્તાન પણ આપણને કનડ્યા કરતું હતું પણ પાકિસ્તાન પતી ગયું છે. પાકિસ્તાનની હાલત શિંદરી બળી ગઈ પણ વળ ના ગયા જેવી છે તેથી ફાંકા માર્યા કરે છે પણ તેનું હવે ભારત સામે ટકરાવાનું તેનું ગજું નથી.
ભારતે પાકિસ્તાનને ચાર યુદ્ધોમાં હરાવીને ખોખરું કરી નાંખ્યું પછી પાકિસ્તાનની ભારત સામે ફરી ટકરાવાની તાકાત જ નથી પણ ચીન પાકિસ્તાન નથી તેથી એ પાકિસ્તાનની જેમ હારીને બેસી જાય એ વાતમાં માલ નથી. ચીન વિશ્ર્વમાં સૌથી મોટી લશ્કરી તાકાતમાંથી એક છે ને અમેરિકાને ટક્કર આપી શકે એટલું તાકતવર બની ગયું છે. અત્યારે ચીનની લશ્કરી તાકાત અમાપ છે તેથી લશ્કરી રીતે ચીન સામે આપણે ભિડાઈ ના શકીએ. આ રીતે ભિડાઈ જવાનો મતલબ નથી કેમ કે તેમાં નુકસાન ભારે છે.
આપણું લશ્કર તાકાતવર છે ને આપણે ચીનને હરાવી ના શકીએ એવું નથી પણ આ બે બળિયાનો મુકાબલો છે. તેના કારણે આપણે ચીનને નુકસાન કરીએ એટલું જ નુકસાન ચીન આપણને પણ કરી જ શકે તેથી લશ્કરી રીતે ચીન સામે ભિડાઈ જવામાં શાણપણ નથી. મોદી સરકાર આ વાત સમજે જ છે તેથી ચીનની અવળચંડાઈઓ છતાં મોદી સરકાર ઉશ્કેરાઈને કોઈ લશ્કરી પગલું નથી ભરતી એ યોગ્ય છે. ચીન સળી કરે ત્યારે ભારતીય જવાનો તેને જડબાતોડ જવાબ આપી જ દે છે તેથી લશ્કરી ઉપાય વિકલ્પ નથી. તેના બદલે ભારતે ચીનની ઠંડું પાડી દેવા બીજા વિકલ્પ વિચારવા પડે.
આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોના મતે, ભારત ચીનને આર્થિકરીતે ફટકો મારીને બે રીતે ભિડાવી શકે છે. સૌથી પહેલું કામ ચીનનાં આર્થિક હિતોને ફટકો મારવાનું કામ કરવું પડે અને બીજું કામ દુનિયાભરમાં વિસ્તરેલાં ચીનનાં હિતોને નુકસાન કરવાનું કામ કરવું પડે. આ વિકલ્પ અજમાવવો જોઈએ કેમ કે સીધી લશ્કરી લડાઈ લડવાના બદલે ચીન સામે પરોક્ષ યુદ્ધ જ શ્રેષ્ઠ ઉપાય છે.
ચીન બધા મોરચે આપણ કરતાં અનેક ગણું મોટું થઈ ગયું છે. ચીન આર્થિક રીતે બહુ મોટી તાકાત બની ગયું છે અને આ તાકાત એટલી છે કે, અમેરિકાને પણ હંફાવે છે. આ સંજોગોમાં ચીનની આર્થિક તાકાત ઓછી કરાય તો જ તેને નાથી શકાય. ચીન પાસે બહુ જબરદસ્ત મેનપાવર છે, ટૅકનોલૉજી છે. તેના કારણે ચીન દુનિયાની ફેક્ટરી બની ગયું છે. મેન પાવર અને ટૅકનોલૉજીનો ઉપયોગ કરીને ચીન આખી દુનિયાને સસ્તો માલ પધરાવે છે. ભારતમાં તો મોટા પ્રમાણમાં ચીનનો માલ ઠલવાય જ છે પણ અમેરિકા અને યુરોપના દેશો પણ ચીન પર નિર્ભર છે.
ચીનને નબળું પાડવું હોય તો ભારતે એ સ્થાન લેવું પડે અને થોકબંધ ઉત્પાદન કરવું પડે. ચીનની જેમ ભારત પણ દુનિયાના દેશોને સસ્તો માલ આપીને આર્થિક સંબંધો મજબૂત કરે તો અમેરિકા, બ્રિટન સહિતના તમામ દેશો ચીનથી દૂર થાય કેમ કે તેમને પણ ચીન ગમતું તો નથી જ. ચીનને આર્થિક ફટકો તો પડે જ પણ દુનિયાના બીજા તાકાતવર દેશોની તેના પરની નિર્ભરતા ઘટે તો એ દેશો આપણી તરફેણમાં ખુલ્લેઆમ ઊભા રહે.
આ સિવાય ચીન જે નવી ધરી બનાવી રહ્યું છે તેને તોડવી પડે. ચીન દુનિયાભરમાં પોતાનો પગપેસારો કરી રહ્યું છે ને નાના નાના સંખ્યાબંધ દેશો ચીનના ખોળામાં જ બેસી ગયા છે. ભારતના તો મોટાભાગના પાડોશી દેશો ચીન સાથે છે. આ દેશોમાં ચીન મોટામોટા પ્રોજેક્ટ કરી રહ્યું છે ને પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. ભારત તેને ફટકો મારે તો ચીન નબળું પડે. આ ફટકો મારવા માટે અલગ અલગ વ્યૂહરચનાઓ અપનાવવી પડે. ક્યાંક બળથી તો ક્યાંક કળથી કામ લેવું પડે. ક્યાંક દામ કામ આવે તો ક્યાંક ભેદ કામ આવે. તેના માટે ભારતે જોરદાર મહેનત કરવી પડે ને આ રસ્તે ભારત ચીનને ચોક્કસ પછાડી શકે.