Homeમેટિનીબહુત હેરા ફેરી દેવા રે દેવા, હૈ રે બાબા!

બહુત હેરા ફેરી દેવા રે દેવા, હૈ રે બાબા!

કાસ્ટ અને ડિરેક્ટર્સની ‘હેરા ફેરી ૩’ માટેની હેરા ફેરી

શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા

તમને ખબર છે, સાત વર્ષ પહેલાં ‘હેરા ફેરી ૩’ અડધી બની પણ ચૂકી હતી? ને એ પણ અક્ષય કુમાર વગર? નથી ખબર? ચાલો કહું, પણ એ પહેલાં જરા તાજી વાતો પર નજર કરી લઈએ!
ક્લાસિક ફિલ્મ ફ્રેન્ચાઈઝ બની ગયેલી ‘હેરા ફેરી’ ફરીથી ચર્ચામાં છે. એમ તો ટીવી ટેલિકાસ્ટસ અને સોશ્યલ મીડિયા મિમ્સને કારણે ‘હેરા ફેરી’ સિને રસિકોના હાસ્યનું કારણ વર્ષોથી બનતી જ રહેલી છે, પણ આ હિટ ફિલ્મ ફ્રેન્ચાઈઝના ત્રીજા ભાગના આયોજનના સમાચાર તેના ચાહકો માટે ખુશી અને દુ:ખ બંને લઈને આવ્યા છે. ખુશી તો સ્વાભાવિક રીતે તેમની ફેવરિટ ફિલ્મનો આટલા વર્ષે નવો ભાગ આવવાનો છે તેની, પણ દુ:ખનું કારણ છે રાજુનું આઈકોનિક કેરેક્ટર ભજવનાર અક્ષય કુમારની ગેરહાજરી. પરેશ રાવલની એક ટ્વિટ એમ કહે છે કે ફિલ્મમાં અક્ષયની જગ્યાએ કાર્તિક આર્યન હશે. જોકે તે રાજુ નહીં કોઈ નવા જ પાત્રમાં દેખાશે.
આટલું જ નહીં, આ ફિલ્મની કાસ્ટ ને ડિરેક્ટર્સમાં તો આ અગાઉ પણ બહુ જ હેરાફેરી થઈ છે. જાણવું છે? લેટ્સ રીવાઈન્ડ ટાઈમ! થોડા શુરુ સે શુરુ કરતે હૈ. ૨૦૦૦માં રિલીઝ થયેલી ‘હેરા ફેરી’ ડિરેક્ટ કરી હતી કોમેડી ફિલ્મ્સના મહારથી પ્રિયદર્શને, અને લખી હતી એક્ટર-રાઈટર-ડિરેક્ટર નીરજ વોરાએ. તેની સફળતા પછી નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ તેનો બીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું. ૨૦૦૬માં તેણે બનાવેલી ‘ફિર હેરા ફેરી’નું દિગ્દર્શન પ્રિયદર્શન નહીં, નીરજ વોરાએ કર્યું. એ વખતે બીજી ફિલ્મનો ભાગ પ્રિયદર્શન કેમ ન બન્યા તેના કારણમાં પ્રિયદર્શનની વ્યસ્તતા જણાતી હતી. કેમ કે ૨૦૦૬માં જ પ્રિયદર્શનની ત્રણ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે ઑગસ્ટ ૨૦૨૧માં ફિરોઝ નડિયાદવાલાએ પ્રિયદર્શને ‘હેરા ફેરી’ જ અડધી મૂકી દીધેલી એવો ઘટસ્ફોટ કર્યો. એની વાતમાં તથ્ય કેટલું એ તો તેને જ ખબર, પણ ૨૦૦૬ની એ સિક્વલ પ્રિયદર્શને કેમ ડિરેક્ટ ન કરી તેનું કારણ તેમના બગડેલા સંબંધ ગણી શકાય.
એ પછી ફ્રેન્ચાઈઝના ત્રીજા ભાગની વાતો વચ્ચે-વચ્ચે આવતી રહેતી હતી, પણ આખરે ૨૦૧૫માં ત્રીજા ભાગનું મુહૂર્ત નીકળ્યું. આ વખતે પણ ફિરોઝ નડિયાદવાલાએ દિગ્દર્શનની ધૂરા તેના પ્રિય નીરજ વોરાને જ સોંપી. પણ ફિલ્મની કાસ્ટમાં થયો મોટો ફેરફાર. અત્યારે જેમ અક્ષય કુમારના નામ પર પ્રશ્ર્નાર્થચિહ્ન છે એમ ત્યારે પણ હતું.
પરેશ રાવલ બાબુરાવ આપ્ટે અને સુનિલ શેટ્ટી તો ઘનશ્યામના પાત્રમાં ફરીથી લેવાયા, પણ કોઈ કારણસર અક્ષય કુમારનું નામ કાસ્ટમાં નહોતું. તેના બદલે ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને અભિષેક બચ્ચનની એન્ટ્રી થઈ હતી. એ બંનેના પાત્રનું નામ પણ પાછું એક જ હતું- રાજુ ખબરી. અને અભિનેત્રી નેહા શર્માનું કાસ્ટિંગ પણ થયું હતું.
મે ૨૦૧૫માં ફિરોઝ નડિયાદવાલાની કંપનીની ૬૦મી એનિવર્સરીની ઈવેન્ટમાં ફિલ્મ ‘હેરા ફેરી ૩’નું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. ફિરોઝે કહ્યું હતું કે ‘આ ફિલ્મ ઓરિજનલ કરતાં પણ વધુ મોટી અને ફની હશે.’ એ ઈવેન્ટમાં પરેશ રાવલ, સુનિલ શેટ્ટી, અભિષેક બચ્ચન અને જ્હોન અબ્રાહમે ફિલ્મ વિષે વાતો કરી હતી. ડિરેક્ટર નીરજ વોરાએ પણ ઉમેર્યું હતું કે ‘નવી સ્ટાર કાસ્ટ અને ઓરિજનલ સ્ક્રીપ્ટ સાથે અમને વિશ્ર્વાસ છે કે આ ફિલ્મ ક્લાસ અને માસ બંનેને પસંદ પડશે જ.’ સાથે ફિલ્મ લાસ વેગસ, દુબઈ, અબુ ધાબી અને મકાઉમાં શૂટ થવાની એ જાહેરાત પણ કરવામાં આવી હતી. એ પછી ફિલ્મનું શૂટિંગ શરૂ તો થયું પણ પૂરું ન થઈ શક્યું. આર્થિક કારણોસર ફિલ્મ અટકી એવા પ્રાથમિક સમાચાર આવ્યા એ પછી ડિરેક્ટર સાથે ક્રિએટિવ બાબતે મતભેદ થતા ફિલ્મમાંથી અભિષેક અને જ્હોને પણ વિદાય લઈ લીધી. ૨૦૧૬માં અભિષેકે જાહેરમાં કહ્યું હતું કે પોતે ફિલ્મનો હિસ્સો નથી.
‘હેરા ફેરી ૩’ને એ પછી વધુ એક વિઘ્ન નડ્યું. ઑક્ટોબર ૨૦૧૬માં દિગ્દર્શક નીરજ વોરાને બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને પછી તેઓ કોમામાં સરી પડ્યા. દોસ્તીના નાતે ફિરોઝ નડિયાદવાલાએ નીરજ વોરાની સારવારમાં ખૂબ રસ લીધો. ત્યાં સુધી કે જુહુના પોતાના ઘરે જ નીરજ વોરાને કોમાની હાલતમાં શિફ્ટ કરીને એક રૂમ જ આખો મેઈક-શિફ્ટ આઈ.સી.યુ.માં તબદીલ કરી દીધો. ઓગસ્ટ ૨૦૧૭માં ઓડિયો થેરાપી પર પ્રતિક્રિયા આપતા તેમના સાજા થવાના અણસાર દેખાયા હતા, પણ દુર્ભાગ્યે આખરે ડિસેમ્બર ૨૦૧૭માં તેઓ મૃત્યુ પામ્યા. એ પછી ‘હેરા ફેરી ૩’ ફરી પાછી હાંસિયામાં ધકેલાઈ ગઈ.
૨૦૧૮માં ફરી ‘હેરા ફેરી ૩’ની જાહેરાત કરવામાં આવી ઓરિજીનલ કાસ્ટ (અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ) સાથે અને ડિરેક્ટર તરીકે નવું નામ જોડાયું- ઈન્દ્ર કુમાર. ફિલ્મની સ્ટોરી પણ બીજા ભાગના ક્લાઇમેક્સથી આગળ વધશે એવું કહેવામાં આવ્યું. પણ
ફિલ્મ જાહેરાતથી આગળ વધે એ પહેલા જ ૨૦૧૯માં ઈન્દ્ર કુમાર ફિલ્મમાંથી નીકળી ગયા અને સાથે-સાથે અક્ષય કુમારે પણ પ્રોફિટ શેરીંગમાં વધુ હિસ્સો અને ડિરેક્ટર તરીકે રાજ શાંડિલ્યની માગણી કર્યાની ખબર આવી. રાજે પણ પાછળથી આ ખબરને સમર્થન આપતા કહ્યું હતું કે ‘હા, હેરા ફેરી ૩ માટે મારી સાથે વાત થયેલી, પણ હું ડેટ્સના અભાવને કારણે હા ન પડી શક્યો.’
એ પછી આખરે ઓરિજનલ દિગ્દર્શક પ્રિયદર્શને કહ્યું કે તેઓ ફિલ્મ ડિરેક્ટ કરવાના છે ત્યારે દર્શકો ફરી રાજી થયા. પણ એ પછી બે વર્ષ જેટલો સમય નીકળી ગયો ને પ્રિયદર્શને ‘ંગામા ૨’ બનાવી પણ ‘હેરા ફેરી ૩’ બનવાના કોઈ જ ગુડ ન્યૂઝ આવ્યા નહીં. અને એ પછી ઉપર કહ્યું એમ ફરીથી ફિલ્મ હમણાં ચર્ચામાં આવી. અક્ષય કુમારના કાસ્ટિંગની અટકળો વચ્ચે ફરી સમાચાર વહેતા થયા છે કે અક્ષય કુમાર અને ફિરોઝ નડિયાદવાલાએ ફરી મીટિંગ્સનો દોર શરૂ કર્યો છે અને પ્રોફિટ શેરિંગ અને ક્રિએટિવ બાબતોને લઈને જે કંઈ સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. એક તો અક્ષય કુમાર વગરની ‘હેરા ફેરી’ માટે દર્શકો તૈયાર નથી તેવી નારાજગી તેઓ સોશ્યલ મીડિયા પર સખત રીતે જાહેર કરી ચૂક્યા છે. અને સામે પક્ષે અક્ષય કુમારની ફિલ્મ્સ પણ એક પછી એક ધડાધડ નિષ્ફ્ળ જઈ રહી છે. એટલે તેઓ બંને ઈચ્છે છે અને સમજે છે કે અક્ષયનું આ ફિલ્મમાં હોવું કેટલું જરૂરી છે. પણ આખરે ફિલ્મ સાચે બનશે કે કેમ અને બનશે ત્યારે કાસ્ટમાં કોણ હશે ને ફિલ્મ કોણ ડિરેક્ટ કરશે એ તો સમય જ કહેશે!
લાસ્ટ શોટ
‘ફિર હેરા ફેરી’ નીરજ વોરા પહેલા સતીશ કૌશિક ડિરેક્ટ કરવાના હતા, પણ તારીખો ક્લેશ થતી હોવાથી એ સંભવ ન બન્યું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular