નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

મુંબઈ નામ અને મુંબઈમાં મહિષ્કાવતી નામની રાજધાની સ્થાપનાર ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ અને દેવગિરિના યાદવ રાજા બિંબદેવ વિશે ઇતિહાસમાં ભેળસેળ થવા પામી છે. તે સમયે તવારીખનવેશો પોતાના શાસકની જ પ્રશંસા ઇતિહાસના નામે રજૂ કરતા હતા અને તેમાં કલ્પના ઝાઝી અને વાસ્તવિકતા અલ્પ રહેતી હતી. મુંબઈના મૂળ આદિવાસી લોકો રાજસ્થાન, પંચમહાલ, ડાંગના માર્ગે થઈ તે અહીં સાત ટાપુઓ પર સ્થાયી થયા હતા. ત્યાર પછી મહારાષ્ટ્રમાં ફેલાતા ગયા હતા. દક્ષિણ ગુજરાતની ગામઠી ભાષામાં એક શબ્દ છે ‘પોરી’. પોરીનો અર્થ થાય છે છોકરી અને મરાઠીમાં એ શબ્દને શુદ્ધ મરાઠી શબ્દ માનવામાં આવે છે. આ રીતે મુંબઈ ઉપર ગુજરાતના શબ્દો અને સંસ્કારોની છાપ અંકિત થઈ ચૂકી છે.
ઈ.સ. ૧૦૨૪માં મહમદ ગઝની જબરદસ્ત લશ્કર લઈને રાજસ્થાનનું રણ ઓળંગીને રાજપૂતાનાના નાના-મોટા રાજાઓને હરાવતા આગળ વધ્યો અને અણહિલવાડ પાટણમાંથી ભીમદેવ સોલંકીને પલાયન થવાની ફરજ પાડી. ઈ.સ. ૧૦૨૫માં એ સોમનાથ પાટણ પહોંચી ગયો. ભીમદેવ સોલંકીએ અને બીજા નાના રાજાઓએ સામનો કર્યો પણ પરાજય પામ્યા અને સોમનાથના દિવ્ય મનાતા મંદિરનો મહમદ ગઝનીએ ધ્વંશ કર્યો. ભીમદેવ સોલંકી પહેલાંનો સમય ઈ.સ. ૧૦૨૨-૧૦૬૪ છે.
એક એવી માન્યતા છે કે ભીમદેવ કચ્છ ભણી ભાગી ગયો હતો. પણ એ માન્યતા આધારભૂત નથી. મહમદ ગઝની કચ્છના માર્ગે જ સોમનાથ વિજય પછી આગળ વધ્યો હતો. જો ભીમદેવ સોલંકી એ રસ્તે ગયા હોત તો ધાર્યા પ્રમાણેના એમણે ગોધરા-પંચમહાલ ડાંગના માર્ગે મુંબઈના ટાપુઓ ઉપર આવીને આશ્રય લીધો હોત. ભીમદેવે મુંબઈ આવ્યો ત્યારે રાષ્ટ્રકુટોનું ત્યાં રાજ્ય હતું અને તેમણે નાસિક પાસે આવેલા મયૂરખંડીના કિલ્લામાં રહીને મુંબઈ પર શાસન કર્યું હતું. ત્યાર પછી ૮૧૦માં રાષ્ટ્રકુટોએ શિલાહર નામના વંશને મુંબઈ અને કોંકણની સૂબાગીરી સોંપી હતી; પરંતુ તેઓ અહીં રહેતા નહોતા. આથી ભીમદેવે ઈ.સ. ૧૦૨૫માં માહિમનો પ્રદેશ જીતી નાની રાજધાની સ્થાપી હતી. ગુજરાતના સોલંકી રાજાઓને નગરીને નામને છેડે ‘વતી’ લગાડવાનો વિશેષ મોહ છે. અમળવ નજીક ‘કર્ણાવતી’ નગરી એમણે સ્થાપી હતી.
મહમદ ગઝની સિંધ ચાલી જતાં ભીમદેવ સોલંકીએ ફરી ગુજરાત ઉપર કબજો જમાવ્યો અને આ તરફ શિલાહર સૂબા ફરી આવી ગયા. ગુજરાતના આદિવાસીઓમાં એટલા લોકપ્રિય નીવડયા હતા કે આજે પણ લોકો તેમની પ્રતિમા સ્થાપી ‘ભીમદેવ’ તરીકે પૂજા કરે છે.
સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાલ ગુજરાતની ગાદીએ આવ્યો ત્યારે ઈ.સ. ૧૧૬૧માં કુમારપાલે મલ્લિકાર્જુનનો વધ કરી મુંબઈ ઉપર ફરીથી સામ્રાજ્ય જમાવ્યું હતું.
ઈ.સ. ૧૨૬૫માં દેવગિરીના યાદવ રાજાએ શિલાહર રાજા સોમેશ્ર્વર ઉપર આક્રમણ કર્યું, પરંતુ તે માહિમથી દરિયા માર્ગે વાંદરા તરફ પલાયન થઈ જવાના પ્રયાસમાં ડૂબી મર્યો અને શિલાહરવંશનો અંત આવ્યો.
શિલાહરને હરાવીને દેવગિરીના યાદવે થાણા ખાતે એક બ્રાહ્મણને મુંબઈનો સૂબો બનાવ્યો. ઈ.સ. ૧૨૯૭ સુધી આ બ્રાહ્મણ સૂબાએ કારોબાર ચલાવ્યો. ત્યાર પછી યોગ્ય તક જોઈને બિંબ અથવા બિંબદેવ નામના બ્રાહ્મણ સૂબાએ માહિમ ખાતે પોતાની રાજધાની બનાવી અને મુંબઈ ઉપર સ્વતંત્ર રીતે રાજ્ય કરવા માંડયું. ૧૨૯૯માં આ બિંબદેવે પોતાના ગુરુ પુરુષોત્તમ કાવળેને તામ્રપત્ર આપ્યું હતું.
કરણ વાઘેલાના સમયમાં ગુજરાતનો વહીવટ કથળવા પામ્યો અને એ તકનો લાભ લઈને દેવગીરીના યાદવોએ ફરી મુંબઈ ઉપર કબજો જમાવી લીધો. કરણ વાઘેલા રાજા હોવા છતાં પોતાના એક પ્રધાન માધવની પત્ની પર મોહિત થઈને તેનું અપહરણ કર્યું અને માધવની પત્ની પદ્મિની ગણાતી હોવાથી પોતાના રાણીવાસમાં મોકલી આપી. માધવના ભાઈ કેશવની હત્યા કરવામાં આવી. આ વેરનો બદલો લેવા માટે માધવ દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી પાસે પહોંચી ગયો. અલ્લાઉદ્દીને ઈ.સ. ૧૨૯૭’-૯૮માં ગુજરાત ઉપર આક્રમણ કરીને અણહિલવાડ પાટણ, સૌરાષ્ટ્ર, ખંભાત વગેરે પ્રદેશ કબજે કર્યો અને એનો એક સરદાર છેક મુંબઈ સુધી પહોંચી ગયો અને ત્યાંના દેવગીરીના યાદવ રાજા રામદેવને હરાવી કબજો જમાવ્યો. દેવગીરીના યાદવ રાજાને મુંબઈથી નવસારી સુધીના પ્રદેશનો સૂબો બનાવવામાં આવ્યો. મુંબઈમાં ત્યારથી ગુજરાતના સુલતાન બહાદુરશાહે ઈ.સ. ૧૫૩૪માં પોર્ટુગીઝ સાથે વસઈની સંધિ કરી. મુંબઈ પ્રદેશ પોર્ટુગીઝોને સોંપી દીધો. ત્યાર પછી બાજીરાવ પેશ્ર્વા પહેલાના વખતમાં તેમના ભાઈ ચીમાજી અપ્પાએ ૧૭૩૯ના મે મહિનાની ૧૬મી તારીખે વસઈ પર કબજો જમાવ્યો, પરંતુ અંગ્રેજોએ ચાલબાજી કરીને છેલ્લે ૧૮૦૨માં વસઈની સંધિ મારફતે વસઈનો પ્રદેશ પોતાને હસ્તક લઈ લીધો અને ઈ.સ. ૧૮૧૮માં મુંબઈ ઈલાકા સાથે જોડી દીધો.
ભીમદેવ સોલંકી અને બિંબદેવ વિશે પ્રવર્તતી આશંકાનો આ હકીકતથી અંત આવશે એવી અપેક્ષા.
ૄૄૄ
આ આશંકા એવી રીતે ઉપસ્થિત થવા પામી હતી કે મુંબઈના ઇન્ડિયા બુક હાઉસ પ્રા. લિ. તરફથી બાળકો માટે એક મેગેઝિન ‘ટિન્કલ’ પ્રગટ થાય છે અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દક્ષિણના રાજા ભીમદેવ યા બિંબદેવે માહિમ નગરી સ્થાપી હતી. ગયા મંગળવારે તા. ૧૮મી ફેબ્રુઆરી ૧૯૯૨ના ‘મુંબઈ સમાચાર’ના અંકમાં આ બંને ભીમદેવો વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. મુંબઈ, ગોવા, વસઈ અને દમણના પ્રાચીન ઇતિહાસના વિદ્વાન લેખક પોતાના પુસ્તક ‘ઓરિજિન ઑફ બોમ્બે’માં જણાવે છે કે સોમનાથના પરાજય પછી માહિમ ખાતે ભાગી આવ્યા હતા અને નાનકડી રાજધાની સ્થાપી હતી. ઘણા વિદ્વાનોએ એ હકીકતનું સમર્થન કર્યું છે.
મુંબઈનું સાચું મહત્ત્વ પારખનાર તો પાર્ટુગીઝ અને અંગ્રેજ છે. અંગ્રેજોએ એને મહાનગર બનાવ્યું. આ પહેલાં મહત્ત્વ ધારાપુરી, કલ્યાણ અને સોપારાને હતું. બાઈબલ સમયમાં વિશ્ર્વવિખ્યાત રાજા સોલોમન માટે હાથીદાંત, રત્નો, મસાલા, મોરપીંછ સોપારા બંદરેથી વહાણમાં ચઢાવવામાં આવ્યાં હતાં.
ઈ.સ. ૬૨૧-૬૨૭ના સમયગાળામાં કીર્તિવર્મન પહેલાના પુત્ર આલુપસે ગોવાનો પ્રદેશ જીતી લઈને ધારાપુરી (એલિફન્ટા) ટાપુ ઉપર કબજો કરીને ગુજરાત અને માળવા તરફ આગળ વધ્યો હતો, પરંતુ મુંબઈના વગડાઉ ટાપુઓ વિશે ખાસ ધ્યાન આપ્યું નહિ હતું.
ભીમદેવ સોલંકી પહેલો ઈ.સ. ૧૦૨૪ના પ્રારંભમાં અણહિલવાડ પાટણની ગાદીએ આવ્યો હતો અને મહમદ ગઝનીએ ૧૦૨૫ના ઓકટોબરના ૧૮મી તારીખે ગઝનીથી સોમનાથ પાટણ સર કરવા મોટા લશ્કર સાથે પ્રયાણ કર્યું હતું. એના લશ્કરમાં ૩૦ હજાર ઊંટો પર પાણી અને અનાજ લાદવામાં આવ્યું હતું. તો બીજા ૨૦,૦૦૦ ઊંટ ઉપર પુરવઠો લાદવામાં આવ્યો હતો. રસ્તે લૂંટફાટ, મારધાડ કરીને એમાં ઉમેરો કરવામાં આવતો હતો. આ ઉપરથી ખ્યાલ આવી શકે છે કે મહમદ ગઝની કેવડું જંગી લશ્કર લઈને આક્રમણ લઈ આવ્યો હતો. એ મોઢેરા, જેસલમેર થઈને અણહિલવાડ પાટણ ભણી વળ્યો હતો. કોઈ એનો સામનો કરી શક્યું નહોતું. અણહિલવાડ પાટણ ત્યારે સપાટ જગ્યાએ ઊભેલું એક શહેર હતું અને સરસ્વતી નદીના પાણી ઊંડાં નહોતાં. આથી મહમદ ગઝનીએ અણહિલવાડનો કબજો લીધો ત્યારે ભીમદેવ સોલંકી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ભીમદેવે જંગલમાં છુપાઈને મહમદના લશ્કર ઉપર પાછળથી આક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ નીવડયો હતો. જેઓ વહાણમાં બેસીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો તેઓ મહમદે દરિયાકિનારે ગોઠવેલા સૈનિકોના હાથે માર્યા ગયા હતા. ભીમદેવે પોતાને બદલે મંગુ નામના એક કદાવર અને બહાદુર સરદારને લડવા મોકલ્યો અને તે મહમદ ગઝનીના હાથે માર્યો ગયો હતો. ભીમદેવ આ તકનો લાભ લઈને મુંબઈ ટાપુ આવી વસ્યો હતો.
દક્ષિણના બિંબદેવ કે ભીમદેવ મુંબઈ ખાતે મહાઅંબા દેવી લઈ આવ્યા નહોતા. ભીમદેવ સાથે આબુ, નહરવાલના રાજપૂતો આવ્યા હતા અને આબુ પર્વતસ્થિત અંબાજી માતાની સ્થાપના બોરીબંદર સ્ટેશન નજીક કરી હતી. તેઓ અંબાદેવીને ‘હે મહા અંબાદેવી મા’ એમ સંબોધી પૂજા કરતા હતા. સ્થાનિક આદિવાસીઓએ ‘મા અંબા મા’નું ‘મહા અંબા આઈ’ કર્યું અને મા અંબા આઈ ઉપરથી મુંબઈ બન્યું.
મહમદ થોડા દિવસોમાં જ કચ્છ સિંધના માર્ગે ગઝની રવાના થયો હતો. રાજપૂત રાજાઓને અને લોકોને એવી જબરી અંધશ્રદ્ધા હતી કે સોમનાથ મહાદેવને મ્લેચ્છ કશું કરી શકશે નહિ. પરંતુ એ વિશાળ શિવલિંગને ઉખેડીને ટુકડેટુકડા કરી ઊંટો ઉપર લાદીને ઉપાડી લઈ ગયો ત્યારે તેઓના ડોળા પહોળા થઈ ગયા. લોકોમાં એટલો ભય વ્યાપી ગયો હતો કે ગઝની પાછો ફરશે, એટલે લાંબા સમય પછી તક નિહાળીને ભીમદેવ સોલંકી માહિમથી અણહિલવાડ પાટણ પાછો ફર્યો હતો. એમની સાથે આવેલા કેટલાક બ્રાહ્મણો પાટણના પ્રભુઓ વગેરે અહીં જ રહી ગયા હતા.
પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસમાં વિજેતાની પ્રશસ્તિ જ વધુ ધ્યાનમાં રખાતી હોવાથી હકીકત-ક્રોનોલોજીમાં અનેક ક્ષતિઓ રહેવા પામી છે. અંગ્રેજોએ તૈયાર કરેલા ગેઝેટિયરોમાં પણ દંતકથા, સાંભળેલી વાતો પ્રવેશવા પામી છે. ગુજરાતથી કોંકણ સુધી ગુજરાતના મૈત્રકો વલ્લભીથી પાંચમીથી આઠમી સદી સુધી રાજ્ય કરી ગયા હતા અને ત્યારથી ગુજરાતમાં મુસલમાન સુલતાન બહાદુરશાહના સમય સુધી કોંકણ સુધી ગુજરાત ઉપર ગુજરાતનો કબજો રહ્યો હતો અને એ ગુજરાતનો ઇતિહાસ સ્વતંત્ર દૃષ્ટિએ સ્પષ્ટીકરણ સાથે ફરીથી લખાવો જોઈએ. મુંબઈને ઘડનારા ગુજરાતીઓ છે.
મુંબઈના પ્રથમ ભારતીય ગવર્નરોમાં સર હોમી મોદી અને શ્રી મંગળદાસ પકવાસા હતા.
મુંબઈ રાજ્યની વિધાનસભાના પ્રથમ સ્પીકર શ્રી કલ્યાણજીભાઈ મહેતા હતા.
એક નવાઈની વાત. મુંબઈ પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ દેસાઈ દક્ષિણ ગુજરાતના વતની હતા અને સતત શુદ્ધ ગુજરાતી બોલી શકતા નહિ, પણ મરાઠી ભાષા ઉપર એવું પ્રભુત્વ હતું કે પ્રદેશ કૉંગ્રેસ સમિતિની બેઠકોમાં જવાબ અને પ્રવચન શુદ્ધ પુણેરી મરાઠીમાં આપતા હતા. (ક્રમશ:)

Google search engine