તમે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને વારંવાર જવાબ આપતા સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય તેમને ગીત ગાતા સાંભળ્યા કે જોયા છે? રાજકીય વર્તુળોમાં લોકપ્રિય હોવા ઉપરાંત હવે તેમની એક અન્ય આવડત લોકો સામે આવી છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે તાજેતરમાં ઔરંગાબાદ જિલ્લાના દેવ ખાતે ત્રણ દિવસીય કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેજસ્વી યાદવે ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા અધિકારીઓ પણ હાજર હતા. બોલીવૂડના લોકપ્રિય ગાયક અભિજીત ભટ્ટાચાર્ય પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અભિજીતે પોતાનું ગીત રજૂ કર્યું અને તેજસ્વી યાદવને માઈક સોંપ્યું અને તેમને ગાવાની વિનંતી કરી હતી, જેને તેજસ્વી યાદવે સ્વીકારી લીધી હતી. બિહારના નાયબ મુખ્ય પ્રધાને અભિજીત ભટ્ટાચાર્યના સૂર સાથે સૂર મેળવી ગીત ગાતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.
તેજસ્વી યાદવે બોલીવૂડ ફિલ્મ અંજામનું ગીત ‘બડી મુશ્કિલ હૈ… ખોયા મેરા દિલ હૈ…’ ગાયું હતું. તેની સ્ટાઈલ જોઈને ત્યાં બેઠેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તેમને આ આખુ ગીત યાદ હતું. આ ઘટનાનો વીડિયો તેજસ્વી યાદવે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું- ‘ઔરંગાબાદ જિલ્લાના દેવ ખાતે આયોજિત સૂર્ય મહોત્સવ, 2023ના ઉદ્ઘાટન પ્રસંગે, હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક અભિજિત ભટ્ટાચાર્યએ આખરે સૂર મેચ કરવા મજબૂર કરી દીધા.’
औरंगाबाद जिले के देव में आयोजित सूर्य महोत्सव, 2023 के उद्घाटन के अवसर पर हिन्दी फिल्मों के सुप्रसिद्ध गायक अभिजीत भट्टाचार्य जी ने आखिरकार सुर में सुर मिलाने पर मजबूर कर ही दिया। pic.twitter.com/XzqWLzX0S8
— Tejashwi Yadav (@yadavtejashwi) January 28, 2023
ઉલ્લેખનીય છે કે તેજસ્વી યાદવે બીજી વખત બિહારનું ઉપમુખ્ય પ્રધાનપદ સંભાળ્યું છે. તેઓ રાજકારણમાં સંપૂર્ણ રીતે સક્રિય છે અને સમાચારોમાં ચમકતા રહે છે. તેજસ્વી યાદવે વર્ષ 2021માં તેની મિત્ર રશેલ યાદવ સાથે લગ્ન કર્યા હતા.