ઉડવા માટે ખરાબ દિવસ: એક દિવસમાં 3 ફ્લાઇટ દુર્ઘટના. શું થયું તે જાણો…

દેશ વિદેશ

સામાન્ય રીતે હવાઇ પ્રવાસ સૌથી સલામત અને ઝડપી ગણાય છે, પણ ગઇ કાલે એક પછી એક એવી ત્રણ દુર્ઘટના ઘટી કે હવાઇ યાત્રીઓના જીવ ઊંચા થઇ ગયા હતા.
રવિવારે પક્ષીઓને કારણે બે વિમાનોને પાછા ફરવાની ફરજ પડી હતી, ત્યારે ત્રીજા વિમાનમાં કેબિનમાં ખામી સર્જાઈ હતી.
રવિવારે જુદા જુદા રાજ્યોમાંથી ત્રણ ફ્લાઈટની દુર્ઘટનાઓ નોંધાઈ હતી.
પહેલી દુર્ઘટનામાં સ્પાઇસજેટની ફ્લાઇટની ડાબી પાંખમાં આગ લાગવાથી સ્પાઇસજેટ એરક્રાફ્ટને પટનાના બિહતા એરફોર્સ સ્ટેશન પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. તમામ 185 મુસાફરો સુરક્ષિત છે. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફ્લાઈટ બોઈંગ 727 હતી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પુષ્ટિ કરી છે કે પટના-દિલ્હી સ્પાઈસજેટ એરક્રાફ્ટમાં એક પક્ષી અથડાવાને કારણે એન્જિન 1 નિષ્ફળ ગયું હતું. તમામ 185 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
કોકપિટ ક્રૂને શંકા ગઇ હતી કે એક પક્ષી એંજીન 1 સાથે અથડાયું છે. પણ ક્રૂએ કોઈ અસાધારણતા જોઈ ન હતી, તેથી વિમાને વધુ ચઢવાનું ચાલુ રાખ્યું. જ્યારે કેબિન ક્રૂએ એન્જીન 1 માંથી તણખા નીકળતા જોયા, ત્યારે તેઓએ પાઇલટ-ઇન-કમાન્ડને જાણ કરી હતી, જેમણે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી હતી.

અન્ય એક ઘટનામાં, જબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ રવિવારે 6,000 ફૂટની ઊંચાઈ હાંસલ કર્યા પછી પણ કેબિન પ્રેશર ડિફરન્સિયલ પાછી મેળવવામાં નિષ્ફળ જતાં દિલ્હી એરપોર્ટ પર પાછી લેન્ડ થઈ હતી.
સ્પાઈસજેટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, Q400 એરક્રાફ્ટ SG-2962 પરના ક્રૂએ જોયું કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે કેબિનની ઊંચાઈમાં વધારો થવા સાથે કેબિન પ્રેશર ડિફરન્સિયલ નથી બની રહ્યું. પ્લેન 6,000 ફીટ પર ઉતરી ગયું હતું, પરંતુ દબાણ પાછું મેળવી શકાયું ન હતું. અધિકારીએ ઉમેર્યું હતું કે, કમાન્ડના પાઇલટે પછી દિલ્હી પરત ફરવાનું નક્કી કર્યું હતું અને વિમાન સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.
ત્રીજા બનાવમાં, ગુવાહાટીથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E 6394) ટેકઓફ પછી પક્ષી અથડાવાને કારણે ગુવાહાટી એરપોર્ટ પર પાછી ફરી હતી. તમામ મુસાફરોને દિલ્હી જતી બીજી ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા. એરક્રાફ્ટની તપાસ કરવામાં આવી રહી છે, એમ ઈન્ડિગોના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.