પોતાના વેપાર અને વિવાદોને કારણે વારંવાર ચર્ચામાં રહેતા સુપ્રસિદ્ધ યોગ ગુરુ બાબા રામદેવ તાજેતરમાં મહિલાઓ વિશે તેમણે કરેલી અપમાનજનક ટિપ્પણીને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને તેમને લોકોની ટીકાઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. મહારાષ્ટ્રના મહિલા આયોગે બાબા રામદેવને નોટીસ જારી કરી છે.
તાજેતરમાં થાણે ખાતે એક કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અને સીએમના પુત્ર તથા સાંસદ શ્રીકાંત શિંદેની હાજરીમાં બાબા રામદેવે મહિલાઓના પરિધાન અંગે વિવાદિત વિધાન કર્યું હતું જેના પગલે વિવાદનો વંટોળ જાગ્યો છે અને મહારાષ્ટ્રના મહિલા આયોગે બાબા રામદેવ પાસે મહિલાઓ પર તેમણે કરેલી ટિપ્પણી અંગે સ્પષ્ટતા માંગી છે તેમ જ તેમને જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે.
શુક્રવારે થાણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બાબા રામદેવે કહ્યું હતું કે મહિલાઓ સાડી પહેરે છે તો સારી લાગે છે સલવાર સૂટ પહેરે છે તો ય સારી લાગે છે અને મારી નજરે કંઈ પણ ના પહેરે તો પણ સારી લાગે છે. તેમના આ નિવેદન બદલ રાજ્યના મહિલા આયોગે નોટીસ ફટકારી છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદના ડેપ્યુટી ચેરમેન અને શિવસેનાના નેતા નીલમ ગોરહેએ આ વિવાદાસ્પદ નિવેદન બદલ બાબા રામદેવની સખત શબ્દોમાં ટીકા કરી છે અને જણાવ્યું છે કે તેમના આ વિધાનમાં મહિલાઓ તરફની તેમની વિકૃત માનસિકતા દેખાઈ આવે છે.
દરમિયાન એનસીપીએ પણ બાબા રામદેવના આ વિધાનનો વિરોધ કર્યો હતો અને એનસીપીની મહિલા કાર્યકર્તાઓએ બાબા રામદેવની તસ્વીર પર ચપ્પલોની માળા ચઢાવી હતી.