ગુજરાતી ભાષા: ઘરગથ્થુ, સાર્વજનિક અને પ્રસારમાધ્યમો
પ્રાસંગિક-ડૉ. ધર્મેશ ભટ્ટ
છેલ્લા કેટલાક દાયકાથી પ્રાંતીય લહેકો ધરાવતી ભાષામાં સાહિત્યિક લખાણ ઓછું વાંચવા મળે છે. જોસેફ મેકવાન અને બીજા કેટલાંક નામને બાદ કરીએ તો આ તળભૂમિ સાથેનો સંબંધ જ્વલ્લે જ જોવા મળે.
કેટલાક લેખકો શિષ્ટ સાહિત્યમાં આવી ભાષાને
ઉચિત ગણતા નથી. વર્ણન મુખ્ય ભાષામાં અને સંવાદો
તળપદી ભાષામાં હોય એવું ઠીક ઠીક લખાય છે. પણ તેમાંયે ઘણા લેખકો સ્થળકાળને વફાદાર રહીને ભાષા સાતત્ય
જાળવી શકતા નથી. મુંબઈમાં વસતા નવા લેખકોની આ મોટી મુશ્કેલી છે.
દક્ષિણ ગુજરાતના કોઈ ગામની વાત કવિ અને સંવાદમાં વચ્ચે વચ્ચે ક્યાંક સૌરાષ્ટ્રના ઉચ્ચારો આપે. ગુજરાતી ફિલ્મોમાં પણ એવું થાય છે. ગુજરાતનું કોઈ એક ગામડું હોય અને કોમેડિયન રમેશ મહેતા હોય તો કાઠિયાવાડી કોમેડી આવે અને સાથે હીરો નરેશ કનોડિયા હોય તો ઉત્તર ગુજરાતના ઉચ્ચારો આવે. ફિલ્મ રિલીઝ થયા પછી પણ દિગ્દર્શકને પૂછો કે કથામાં ગામ ક્યાંનું હતું? તો એ પોતે ન કહી શકે.
નવી પેઢીના ગુજરાતીઓની આ વિમાસણ છે. હું મુંબઈમાં તથા અન્યત્ર વસતા ગુજરાતીઓની વાત કરું છું. તેઓ તેમના વતનની ભાષાનું ખરું રૂપ જાણતા નથી. કોઈ એક ગામ અથવા તાલુકા શહેરમાંથી આવતા કોઈ શિક્ષિત અને જાગૃત યુવક કે યુવતી તેના પોતાના ગામમાં અને દસ કિલોમીટર દૂરના ગામમાં બોલાતી ભાષાની વાતો કરે એ બહુ રસપ્રદ લાગે, પરંતુ આજે એ બધાં જ ચિત્રો ધૂંધળા લાગે છે.
એક વખતના મુંબઈ શહેરના દક્ષિણ ભાગમાં કાલબાદેવી-ભૂલેશ્ર્વર વિસ્તારમાં (સુધરાઈના ‘સી’ વોર્ડમાં) બોલાતું ગુજરાતી કદાચ ગુજરાતના કોઈપણ શહેરમાં બોલાતા ગુજરાતી કરતાં વધુ શુદ્ધ ગણાતું હતું, પરંતુ આજે ત્યાંથી પણ એ ચોક્કસરૂપ ભૂંસાતું જાય છે.
આજે કઈરુ, મઈરુ, બોઈલું… વગેરે ઉચ્ચારોમાં ક્યાંય શુદ્ધ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જોવા ન મળે. મુંબઈગરા કોઈપણ વતનના હોય, તેમના ૨૫-૩૫ વર્ષની ઉંમરના સંતાનો માટે ગ્રામીણ ભાષા (દેશની ભાષા) એટલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની મિશ્રિત એવી કોઈ ભાષા. તેમને દક્ષિણ ગુજરાત એટલે ડાંગ, વલસાડ, સુરત અને ભરૂચ એવી ખબર નથી. તેમને સૌરાષ્ટ્રના સાત જિલ્લાની ખબર નથી. તેમને માટે બનાસકાંઠા અને સાબરકાંઠા એક જ છે.
ઈડરીયા ગઢની વાર્તા કે ડભોઈની હીરા ભાગોળની વાતની તેમને ખબર નથી. પ્રવાસમાં કોઈ માજી દીપે અરુણું પ્રભાત ગાતા હોય તો નર્મદનું એ ગીત સાંભળીને સુરતમાં અનાવિલ યુવાનોના કાન સરવા ન થાય.
ડાયરા વગેરેમાં ધંધાદારી માણસો સૌરાષ્ટ્રના લોકગીતોને નામે ક્યારેક ભેળપુરી સંભળાવી જાય. જોડકણાં કહીને તાળીઓ પડાવનાર મુશાયરાબાજોને જ કવિ – શાયર તરીકે બિરદાવે, પાકશાસ્ત્ર, ધર્મ અને દીકરા-દીકરીના વેવિશાળ, લગ્ન પછી દામ્પત્ય અને જવાબદારી જેવા સામાજિક વિષયો પર અને ધંધાદારી નવલકથાઓનાં પુસ્તકો વેચીને સમૃદ્ધ થયેલા પ્રકાશકો જાહેરમાં એમ કહે છે કે અમે સાહિત્યની સેવા કરીએ છીએ. મુંબઈ અખબારોમાં નવી તાજ્જી પેઢીના સંવાદદાતાઓની ભાષા ચિંતા પ્રેરક છે.
એક જૂના અખબારમાં નગરસેવિકાના પતિની આત્મહત્યાના સમાચારના શબ્દો ‘ટેલિફોન પર, ટેબલ પર અને દીવાલ પર લોહીના ખાબોચિયાં હતાં’ – ખાબોચિયાં શબ્દનો અર્થ ન સમજાય એવી વ્યક્તિઓની પત્રકારત્વના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા કેટલી હોઈ શકે? આજે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણતા બાળકો ‘હું સોચું છું ’, ‘તારી વજહથી આમ થયું’ – એવું બોલે છે.
અમેરિકામાં એક દાદીમા દોહિત્રીને જમવા માટે સમજાવતાં કહે છે ’’EAT બેટા, ‘EAT ત્યારે બાળકી કહે, ‘બા, ઈટું છું ને! મને સોંગ લિસન કરવા દે.’ ગુજરાતી પ્રચાર માધ્યમોમાં વધુ એક વિકૃત પ્રયોગ છે ‘અંજામ આવ્યો’
વેપારીઓ સહિત બીજા મોટા ભાગના ગુજરાતીઓ
ખરી જોડણી વિષે ક્યારેય જાગૃત નહોતા. હ્વસ્વઈની જગ્યાએ દીર્ઘ ઈ લખવામાં તેમને કોઈ ફેર પડ્યો નથી. સૌરાષ્ટ્રમાં ટ્રક ‘આવ્યો’ બોલાય – લખાય અને ગુજરાતમાં ટ્રક ‘આવી’ બોલાય – લખાય છે, પણ તેમાંથી એક સર્વમાન્ય ઉચ્ચાર ક્યારે ય નક્કી થયો નથી.
આવા વાતાવરણમાં ભાષા માટે ક્યા સ્તરે અને કેવા પ્રકારનું કામ કરવાની જરૂર છે? જોડણીના નિયમો સુધારવાની જરૂર છે કે પછી રીતસર ORIENTATION માટે પ્રયાસો કરવાની
જરૂર છે? જોડણી માટેના કાર્યમાં તથ્ય હોવા વિષે ચર્ચા
નથી, પરંતુ આપણા સમાજમાં બોલાતી – લખાતી ભાષાની વાસ્તવિકતા સાથે આ પ્રયાસો કેટલા પ્રસ્તુત બને છે? બીજી બાજુ પેલા ‘ખાબોચિયા’ વાળા અહમકેન્દ્રી ઉપતંત્રીઓ ઉપરીઓ કે અન્ય કોઈનું સાંભળવા માગતા નથી અને નવું કંઈ શીખવા માગતા નથી.