સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
ગત ૨૪મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ આધુનિક ભારતના સ્થાપત્યના ક્ષેત્રમાં એક સીમાચિહ્ન સમાન શિક્ષણ-વિદ્ સ્થપતિએ આપણી વચ્ચેથી ચિરવિદાય લીધી. આ ખોટ દુ:ખ અને ચિંતા, એ બંને ભાવ ઉપજાવે છે. જો વ્યવસાયે હું સ્થપતિ ન હોય અને મને ભારતના અર્વાચીન સ્થાપત્યની થોડી ઘણી પણ સમજ હોત તો પણ હું કહી શકત કે પ્રોફેસર દોશી સાહેબની વિદાય ભારતના સ્થાપત્ય ક્ષેત્ર માટે ન પૂરી શકાય તેવી ખોટ છે. હું તો તેમની સ્થાપેલી આર્કિટેકચરની કૉલેજનો વિદ્યાર્થી છું અને તેમની શાળામાં ભણવા ઉપરાંત તેમના હાથ નીચે કામ કરવાનો પણ મને લહાવો મળેલો. મારા અભ્યાસ દરમિયાન રજાઓમાં હું તેમની ઑફિસ વાસ્તુશિલ્પમાં અનુભવ તથા વાર્તાલાપ માટે જતો. તેથી દોશી
સાહેબની મહત્તા, સંવેદનશીલતા તથા સર્જનાત્મકતાથી હું કદાચ થોડો વધારે વાકેફ હોવું તે સ્વાભાવિક છે.
આમ તો દોશી સાહેબના વ્યક્તિત્વ તથા તેમના કામો પર પુસ્તકોને પુસ્તકો લખાયા છે, જ્યારે અહીં મારે તેમના વિશે મર્યાદિત શબ્દોમાં વાત કરવાની છે. તેથી બની શકે કે અમુક વાતો સભાનતાપૂર્વક મારે બાકાત રાખવી પડે. આ માટે સુજ્ઞ વાચકવર્ગની માફી માગી લઉં છું.
૨૬મી ઑગસ્ટ ૧૯૨૭ના રોજ જન્મેલ દોશી સાહેબે તેમની ૯૫ વરસ જેટલી જિંદગીની સફરમાં ઘણી સિદ્ધિઓ મેળવી હતી. ૧૯૭૬માં પદ્મશ્રી બાદ પદ્મભૂષણ અને અંતે ૨૦૨૩માં પદ્મ વિભૂષણ મેળવનાર ભારતના તે એકમાત્ર સ્થપતિ છે. સ્થાપત્યના ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝ જેવી જેની ગણના થાય છે તે પ્રીત્ઝર એવૉર્ડ તેમને ૨૦૧૮માં પ્રદાન કરાયેલ. આ એવૉર્ડ વિશ્ર્વભરના સ્થપતિઓમાં નોંધપાત્ર કામ કરનાર સ્થપતિને આપવામાં આવે છે. વ્યક્તિગત રીતે મને એની ખુશી છે કે ભારતમાંથી જે એકમાત્ર સ્થપતિને આ એવૉર્ડ મળેલો છે તે મારા ગુરુ છે. તે ઉપરાંત તેના ઈન્દોરના ‘અરણ્ય’ પ્રોજેક્ટ માટે તેમને સન ૧૯૯૬માં આગાખાન એવૉર્ડ, સન ૨૦૧૭માં ધીરૂભાઈ ઠાકર સત્યસાચી સારસ્વત એવૉર્ડ, સન ૨૦૧૧માં ફ્રાંસનો પ્રખ્યાત ઑફિસર ઑફ ધ ઓડર ઑફ આર્ટ એન્ડ લેટર એવૉર્ડ, સન ૨૦૨૨માં રોયલ ઈન્સ્ટિટયૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટનો સુવર્ણ ચંદ્રક તથા સન ૨૦૦૭માં ગ્લોબલ એવૉર્ડ ફોર સસ્ટેઈનેબલ આર્કિટેક્ચરના એવૉર્ડથી નવાજવામાં આવેલા. આ તો કેટલાય મુખ્ય એવૉર્ડની જ સૂચિ છે. આમ તો તેમની જિંદગી જ એક એવૉર્ડ સમાન છે.
‘આનંદ કરો’ની ભાવના સાથે તેમની સમગ્ર જિંદગી એક ઉત્સવ સમાન હતી. તેમણે સ્થાપત્યના અભ્યાસ માટે સન ૧૯૪૭માં મુંબઈની જે જે. સ્કૂલમાં દાખલો લીધો હતો, પણ અભ્યાસ પૂરો કર્યા પહેલાં જ તેઓ સન ૧૯૫૦માં લંડન તથા પેરિસમાં ગયા અને ત્યાં ચાર વર્ષ જેટલા સમયગાળા માટે ફ્રાંસના વિખ્યાત સ્થપતિ લી કાર્બુઝિયર સાથે કામ કરેલું. આ સ્થપતિને દોશી સાહેબ પોતાના ગુરુ માનતા. આ એ સ્થપતિ હતાં કે જેમણે સ્વતંત્ર ભારતના પહેલા આયોજિત નવ નગર ચંદીગઢની રચના કરી છે. લી કાર્બુઝિયર પાસેથી સ્થાપત્યને લગતી સંવેદનશીલતા તેમણે કેળવી હશે જે પાછળથી તેમના દરેક પ્રોજેક્ટમાં વ્યક્ત થતી આવી છે. તે વખતે લી. કાર્બુઝિયર અમદાવાદમાં પણ ઝીલ ઓનર્સ એસોસિયેસનની ઑફિસ, શોધન વિલા તથા સારાભાઈનું આવાસ ડિઝાઈન કરતાં હતા. તેમના આ પ્રોજેક્ટસના ઉપક્રમે દોશી સાહેબ અમદાવાદમાં આવ્યા અને પછી શહેર જ તેમનું કાર્યક્ષેત્ર બની રહ્યું.
અમદાવાદમાં સન ૧૯૫૬માં તેમણે વાસ્તુશિલા નામે પોતાની ઑફિસ ભદ્ર વિસ્તારમાં શરૂ કરી જે સન ૧૯૮૦માં ડ્રાઈવ ઈન પાસે સંગાથના પોતાના મકાનમાં સ્થળાંતરિત કરી. તેમની લગભગ સાત દાયકાની વ્યવસાયિક જિંદગીમાં ૧૦૦ કરતાં વધારે પ્રોજેક્ટસ્ કર્યા છે. લેખની લંબાઈને મર્યાદિત રાખવા આ સૂચિને ટુંકાવવી મારી માટે અઘરી પ્રક્રિયા હતી. છતાં પણ જો મુખ્ય મુખ્ય મકાનોની સૂચિ બનાવવામાં આવે તો તેમાં આ મકાનોનો હું સમાવેશ કરું છું.
અમદાવાદની આર્કિટેકચરની સેપ્ટ કૉલેજ (હવે યુનિવર્સિટી), જબલપુરનું શક્તિભવન, અમદાવાદની તેમની ઑફિસ સંગાથ તથા તેવી જ રચનાવાળું ગાંધી લેબર ઈન્સ્ટિટયૂટ મકાન, બેંગલોરની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદનો પ્રેમાભાઈ તથા ટોગોર હોલ, અમદાવાદની ગુફા, દિલ્હીની નીફટ્, ઈન્દોરનું અરણ્ય આવાસ યોજના જેમના માટે તેમને આગાખાન એવૉર્ડ મળેલો, અમદાવાદની ઈન્ડોલોજી સંસ્થા ઈ.સી.આઈ.એલ. સેલ હૈદરાબાદની મુખ્ય ઑફિસ, કલોલમાં આવેલ ઈફકોની ટાઉનશીપ, વારાણસીની જ્ઞાન-પ્રવાહ સંસ્થા, પૂનામાં સવાઈ ગાંધર્વ તથા અમદાવાદની જીવન વીમા યોજનાના આવાસ અને જયપુરના વિદ્યાધર નગરનો સમાવેશ આ સૂચિમાં કરવો જ પડે.
દોશી સાહેબના સ્થાપત્યને ‘પોસ્ટ કોલોનીયલ મોર્ડન ભારતીય સ્થાપત્ય’ની શૈલીમાં ગણવામાં આવે છે. અહીં ક્યાંક ભારતીયતા શોધવાના અને તેને મકાનની રચનામાં આલેખવાનો પ્રયત્ન કરાયો છે. લી કાર્બુઝિયર ઉપરાંત અમદાવાદની આઈ.આઈ.એમ.ના અમેરિકન સ્થપતિ લુઈ કહાન સાથે પણ દોશી સાહેબે કામ કર્યું હોવાથી તેમની વિચારસરણી પણ દોશી સાહેબના કામમાં જોવા મળે છે. આમ તો દોશી સાહેબના કામોમાં કોઈ એક શૈલી હાવી નથી થતી, પણ સાથે સાથે એક પ્રકારની સાતત્યતા પણ દેખાય છે. આ સાતત્યની મુખ્ય બાબતો લોકોની જીવનશૈલી પ્રત્યેનો હકારાત્મક અભિગમ, ભારતીય સ્થાપત્યની પરંપરાગત સૂક્ષ્મ બાબતોનું યથાર્થરૂપે નિરૂપણ, આબોહવા તથા પર્યાવરણ માટેની સર્જનાત્મક સંવેદનશીલતા, ઉપયોગકર્તાને ચોક્કસ પ્રકારની સ્વતંત્રતાની અનુભૂતિ કરાવવા ‘અનિર્ધારિત સ્થાનોનું વ્યૂહાત્મક આયોજન, બાંધકામની સામગ્રીનો દૃશ્ય અનુભૂતિ સર્જવા માટે સંવેદનશીલ ઉપયોગ, પ્રકાશ-છાયાથી સર્જવામાં આવતી નાટકીયતા અને આ બધા સાથે વણાતું સ્થાપત્યનું તત્ત્વજ્ઞાન રહી છે.
દોશી સાહેબની આત્મકથા સન ૨૦૧૧માં ‘પાથ અનચાર્ટેડ’ નામે પ્રકાશિત થઈ છે. તે ઉપરાંત સન ૨૦૧૯માં ‘બાલકૃષ્ણ દોશી: રાઈટિંગ ઑન આર્કિટેક્ચર એન્ડ આઈડેન્ટિટી,’ સન ૨૦૧૯માં જ ‘બાલકૃષ્ણ દોશી: આર્કિટેકચર ફોર પીપલ’ અને સન ૨૦૧૪માં ‘બાલકૃષ્ણ દોશી: એન આર્કિટેક્ટ ફ્રોમ ઈન્ડિયા’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે.
દોશી સાહેબે એક રીતે જોતાં કાર્બુઝિયર અને કહાનથી પ્રેરાઈને જાણે સ્વતંત્ર ભારતના સ્થપાત્યને નવી ઓળખ આપવાનો સફ્ળ પ્રયત્ન કરેલો છે. પણ મારી દૃષ્ટિએ સ્થાપત્યના ક્ષેત્રમાં તેમનો વધુ અસરકારક ફાળો અમદાવાદમાં સ્થાપત્યની શાળા (કૉલેજ) સ્થાપવામાં છે. સન ૧૯૬૪-૬૬માં સ્થપાયેલ
આ શાળાઓ ભારતમાં સ્થાપત્યના શિક્ષણનું જાણે માળખું જ બદલી નાખ્યું. ભણવાની-ભણાવવાની ચીલાચાલુ ઢબ સામે આ કૉલેજ સ્થાપત્યમાં નવી જ ક્ષિતિજો ‘એક્સ્પોર’ કરવાની અહીં તક અપાતી થઈ. અહીં ક્લાસ શરૂ
થયે કે પૂરો થયે બેલ ન વાગતો અને સમગ્ર મકાનને દરવાજા ન હોવા જેવી ‘સૂચક’ બાબતો શિક્ષણમાં મોકળાશની પ્રતીતિ કરાવતી. અહીં વિદ્યાર્થીઓની પોતાની ક્ષમતા તપાસવાની છૂટ અપાતી અને આ ક્ષમતાનો વિસ્તાર કરી ધીમે ધીમે વિદ્યાર્થી પોતાની ક્ષિતિજો વિકસાવતો ગયો. અહીં જ્યુરી પણ બંધબારણે ન લેવાની જે તે સમયની અન્ય કૉલેજની પદ્ધતિ હતી. આ શાળામાં મુક્તતાની સાથે જવાબદારીનું ભાન કરાવાતું; ‘તમારા નિર્ણયો માટે તમે જ જવાબદાર છો અને તેના સારા-ખોટા ફળ તમારે સ્વીકારવા જ રહ્યાં’ – આ બાબત જાણે સહજ બની ગઈ. આ શાળામાં એક ‘સાંપ્રત’ વિચારધારા પણ વિકસી. સૂચિ તો લાંબી છે. ટૂંકમાં અહીંના વિદ્યાર્થીઓ સ્થાપત્યના ક્ષેત્રમાં આગવું પ્રદાન કરી શકે અને પોતાની વિચારસરણી પ્રમાણે ઉત્કૃષ્ટ સર્જન કરી શકે તેવો માહોલ તેની માટે આ શાળામાં સર્જાયો. ભારતના સ્થાપત્ય ક્ષેત્રમાં દોશી સાહેબનું આ એક બહુ મોટું પ્રદાન છે. આ પ્રકારની શાળા સ્થાપવા અને તેને કાર્યરત રાખવા મારા જેવાં તે શાળાની વિદ્યાર્થીઓ દોશી સાહેબના સદૈવ ઋણી રહેશે.
બહુ સહજતાથી જિંદગી જીવી જનાર દોશી સાહેબ દરેક વ્યક્તિને સહજતાથી મળતા અને તેમને માર્ગદર્શન આપતા. તેમનું માર્ગદર્શન મોટેભાગે પ્રાસંગિક નહીં પણ સૈદ્ધાંતિક રહેતું. તે બધા સાથે ભળી જતા. મેં ક્યારેક તેમને ‘અભિમાનયુક્ત’ નથી જોયા. સ્થાપત્યના ક્ષેત્રમાં ઉચ્ચતાને પ્રાપ્ત કર્યા પછી પણ તેમાંનો ચિત્રકાર, શિલ્પકાર તથા સામાન્ય માનવી જીવંત રહ્યો. આવા દોશી સાહેબને ગુમાવવાથી ભારતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.