આઝાદની કૉંગ્રેસમાંથી વિદાય ભાજપને ફાયદો કરાવશે

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર-ભરત ભારદ્વાજ

કૉંગ્રેસ છોડવા માટે ક્યારના થનગન્યા કરતા ગુલામ નબી આઝાદે અંતે કોંગ્રેસને રામ રામ કરી દીધા. આઝાદને પાંચેક દિવસ પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં કૉંગ્રેસની રાજકીય બાબતોની સમિતિના પ્રમુખ બનાવાયેલા પણ આઝાદને પોતાના કદ કરતાં પદ નાનું લાગ્યું તેમાં રાજીનામું ધરી દીધેલું. આઝાદે એ વખતે જે બળાપો કાઢેલો તેના પરથી એ કંઈક નવાજૂની કરશે એવું લાગતું જ હતું.
શુક્રવારે તેમણે નવાજૂની કરીને કૉંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપવાનો ધડાકો કરી નાખ્યો. છેલ્લા પાંચ દાયકાથી કૉંગ્રેસ સાથે જોડાયેલા આઝાદે કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે ને જમ્મુ અને કાશ્મીરમાં પોતાની નવી પાર્ટી બનાવવાની જાહેરાત પણ કરી નાખી છે. આઝાદના સમર્થનમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કૉંગ્રેસમાંથી ધડાધડ રાજીનામાં પડી રહ્યાં છે એ જોતાં આઝાદ માટે નવી પાર્ટીની રચના અઘરી નથી. બલકે લાંબા સમયથી તેમણે તખ્તો ઘડી રાખ્યો હશે એવું લાગે છે.
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે લડાશે એ ખબર નથી પણ આઝાદે કૉંગ્રેસ છોડીને નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું તેના પરથી લાગે છે કે, બહુ જલદી વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ જશે. જમ્મુ અને કાશ્મીરમાં નવા સીમાંકનનો તખ્તો તૈયાર છે ને હવે ભાજપને અનુકૂળ આવે એવાં રાજકીય સમીકરણો પણ ગોઠવાઈ ગયાં છે એ જોતાં કાશ્મીરમાં પણ ગુજરાત અને હિમાચલ પ્રદેશની સાથે જ ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે એવું લાગે છે.
આઝાદે પોતાનાં રાજીનામાના પાંચ પાનાના પત્રમાં રાહુલ ગાંધી સામે બહુ બખાળા કાઢ્યા છે. આઝાદે એવી છાપ ઊભી કરવા પ્રયત્ન કર્યો છે કે, પોતે રાહુલ ગાંધીન કારણે થયેલી પાર્ટીની અવદશાથી દુ:ખી થઈને કૉંગ્રેસ છોડી રહ્યા છે પણ વાસ્તવમાં તેમણે પોતાના રાજકીય સ્વાર્થને ખાતર કૉંગ્રેસ છોડી છે. કૉંગ્રેસમાં તેમનું બોર્ડ પતી જ ગયેલું હતું ને ગમે તેટલા ઉધામા કરે તો પણ સોનિયા ગાંધી અને રાહુલની નજરમાં હીરો બનવાના નહોતા તેથી છેવટે તેમણે પારકી આશ પર બેસી રહીને સદા નિરાશ થવાના બદલે પોતાની રીતે જ ફરી બેઠા થવાનો નિર્ણય લઈ લીધો.
અલબત્ત, આઝાદે આઝાદ બનીને આ નિર્ણય લીધો હોવાની શક્યતા ઓછી છે. બલકે ભાજપની પ્રેરણાથી તેમણે આ નિર્ણય લીધો હોવાની શક્યતા વધારે છે. જમ્મુ અને કાશ્મીરનાં રાજકીય સમીકરણો જોઈએ તો આઝાદે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની પહેલી સરકાર રચવાનો તખ્તો તૈયાર કરી દીધો છે. આ વાત કોઈને કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી લાગશે પણ આ વાસ્તવિકતા છે.
આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પણ એ એટલા મોટા નેતા નથી કે પોતાની તાકાત પર આખા કાશ્મીરમાં જીત મેળવી શકે, પોતાની નવી પાર્ટીને સત્તામાં લાવી શકે. પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે તેમણે કોઈનો સહારો તો લેવો જ પડશે ને એ સહારો ભાજપનો હોવાની પૂરી શક્યતા છે. બલકે, આઝાદ એ ગણતરીથી જ બહાર નીકળ્યા હોવાની શક્યતા વધારે છે.
આ વાતને સમજવા જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનાં સમીકરણો સમજવા પડે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની કુલ સભ્યસંખ્યા ૧૧૧ ધારાસભ્યોની હતી. આ પૈકી ૨૪ બેઠકો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ની ગણીને ખાલી રખાય છે. એ વિસ્તાર પણ ભારતનો જ છે તેથી એ બરાબર પણ છે. બાકી રહેલી ૮૭ બેઠકોમાંથી જેને બહુમતી મળે તેની સરકાર રચાય એવી વ્યવસ્થા હતી. લદ્દાખમાંથી વિધાનસભાની ચાર બેઠકો હતી જ્યારે કાશ્મીર ખીણમાંથી ૪૬ અને જમ્મુમાં ૩૭ બેઠકો હતી. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો એટલે તેની ૪ બેઠકો ઓછી થતાં ૧૦૭ બેઠકો બચી હતી.
જમ્મુ અને કાશ્મીરના વિભાજનના ખરડા પ્રમાણે તેમાં ૭ બેઠકોનો વધારો થયો છે. ચૂંટણીપંચ નવું સીમાંકન કર્યું છે. તેના આધારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની નવી ૧૧૪ બેઠકો બની છે. આ પૈકી કાશ્મીર ખીણમાં ૪૭ અને જમ્મુમાં ૪૩ બેઠકો છે જ્યારે પીઓકેની ૨૪ બેઠકો ખાલી રખાઈ છે.
નવા સીમાંકન પછી સ્થિતિ બદલાશે ને જમ્મુ વિસ્તારની બેઠકો કાશ્મીર ખીણની બેઠકોની લગોલગ થઈ જશે છતાં ખીણમાં ચાર બેઠકો વધારે છે. કાશ્મીર ખીણમાં મુસ્લિમોની બહુમતી છે. બે-ચાર ટકા વસતીને બાદ કરતાં બાકીની વસતી મુસ્લિમોની જ છે. આ વિસ્તારમાં કાશ્મીરી પંડિતોની સારી એવી વસતી હતી પણ તેમને ભગાડી દેવાયા પછી હવે ત્યાં મુસ્લિમો જ બચ્યા છે. આ કારણે ભાજપ કાશ્મીર ખીણમાં વિધાનસભાની બેઠક જીતી શકતો નહોતો ને ખાતું પણ નહોતો ખોલાવી શકતો.
નવા સીમાંકન પછી પણ એ સ્થિતિ નહીં બદલાય તેથી કાશ્મીર ખીણમાં તેનો એક પણ ઉમેદવાર જીતશે કે કેમ તેમાં શંકા જ છે. આ સંજોગોમાં ભાજપ માટે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચવું અઘરું છે કેમ કે બાકીના પક્ષો તો ગુપકર એલાયન્સના નામે ભાજપ સામે એક થઈને બેસી ગયા છે. આ સ્થિતિમાં ભાજપને ગુલામ નબી આઝાદ કામ આવશે.
જમ્મુ ડિવિઝનમાં હિંદુ-શીખોની બહુમતી હોવાથી ભાજપ છવાયેલો છે. ભાજપ લોકસભા ને વિધાનસભા બંનેની ચૂંટણીમાં આ વિસ્તારમાં સપાટો બોલાવીને દીધેલો. કલમ ૩૭૦ની નાબૂદી સહિતના નિર્ણયોના કારણે જમ્મુમાં બીજા પક્ષો ખાતું ખોલાવી શકશે કે કેમ તેમાં પણ શંકા છે. જમ્મુમાં સંપૂર્ણ પ્રભુત્વ હોવા છતાં કાશ્મીર ખીણમાં પગપેસારો ના હોય તો ભાજપ સરળતાથી પોતાની સરકાર બનાવી શકે નહીં. હવે આઝાદની પાર્ટી કાશ્મીર ખીણમાંથી પાંચ-સાત બેઠકો લઈ આવે તો તેના ટેકાથી ભાજપ સરકાર બનાવી શકે એ જોતાં આઝાદની કૉંગ્રેસમાંથી વિદાય ભાજપને ફળી શકે.
એક વાત એવી ચાલે છે કે, ભાજપના કહેવાથી જ આઝાદે કૉંગ્રેસ છોડી છે. આઝાદને રાજ્યસભામાંથી વિદાય આપતી વખતે મોદી રડી પડ્યા ત્યારે જ તખ્તો ઘડાઈ ગયેલો. યોગ્ય મોકાની રાહ જોવાતી હતી ને હવે એ મોકો આવી ગયો છે. ખેર, આ વાત સાચી હોય તો તેમાં કશું ખોટું નથી. ભાજપ સત્તામાં આવવા આઝાદનો ઉપયોગ કરે તો એ વ્યૂહરચના કહેવાય, તેમાં કોઈ અનૈતિકતા નથી.

2 thoughts on “આઝાદની કૉંગ્રેસમાંથી વિદાય ભાજપને ફાયદો કરાવશે

  1. Azad’s quitting Congress is going to benefit India. The fossilized Congress has blatantly degenerated into a fiefdom. Let new parties spring up which are free from this curse. The Congress old timers believe in ’till death do us part’. They do not mentor or promote younger, competent candidates. Just like in a family company if the patriarch does not groom and promote his successor, his company folds when he dies.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.