ગુજરાતી ચલચિત્રના ઈતિહાસમાં સ્વાતંત્ર્ય લડતની ઘોર ઉપેક્ષા થઈ છે, પણ લલિતચંદ્ર મહેતાએ મહાત્માના મેસેજ તરીકે રજૂ થયેલી ફિલ્મ ‘આઝાદી કી રાહ પર’ ૧૯૪૭માં બનાવી હતી

હેન્રી શાસ્ત્રી

આપણી ભૂમિ પરથી બ્રિટનને તગેડી મૂકી ગુલામીની બેડીમાંથી મુક્ત થઈ ભારત દેશના નાગરિકોએ એક અરસા પછી સ્વતંત્રતાની મુક્ત હવા શ્ર્વાસમાં લીધી એ અદ્ભુત – ઐતિહાસિક બદલાવને સોમવારે ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે. સ્વાતંત્ર્ય લડતના ઇતિહાસના અનેક પહેલુ ઉજજવળ છે. જોકે, કેટલીક બાબતે સખેદ નોંધ લેવી પડે એવું પણ છે. ફિલ્મનો ઇતિહાસ ઉખેળતી વખતે સખેદ નોંધવું પડે છે કે ગુજરાતી ફિલ્મોમાં આઝાદીની લડતની ઘોર ઉપેક્ષા થઈ છે. ૧૯૪૦ના દાયકાની હિન્દી ફિલ્મોમાં દેશભક્તિ – દેશદાઝ, સ્વાતંત્ર્ય લડત વગેરે ધબકતા હતા જ્યારે એ દાયકામાં જ નહીં એ પહેલા અને એ પછી પણ આઝાદીની ચળવળ કેન્દ્રમાં રાખીને સમ ખાવા પૂરતી એક ફિલ્મ પણ નથી બની. જોકે, એક વાત હરખ સાથે કહી શકીએ છીએ કે ૧૯૪૭માં સાકાર થઈ ૧૯૪૮માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ એક ગુજરાતી દિગ્દર્શકે બનાવી હતી. વાત છે ૧૯૪૮ના પ્રારંભમાં રિલીઝ થયેલી ‘હિન્દુસ્તાન કલા મંદિર’ પ્રસ્તુત ફિલ્મ ’આઝાદી કી રાહ પર’ની. પૃથ્વીરાજ કપૂર, વનમાલા, પી. જયરાજ ફિલ્મના મુખ્ય કલાકાર હતા અને તેનું દિગ્દર્શન કર્યું હતું ગુજરાતી દિગ્દર્શક લલિતચંદ્ર મહેતાએ.
મહાત્માના મેસેજ તરીકે આ ફિલ્મનો પ્રચાર થયો હતો અને ‘ગાંધી યુગ દરમિયાન આઝાદી માટેની ભવ્ય લડતની રોમાંચક કથા’ એમ ફિલ્મના પોસ્ટર પર લખવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તા દેશદાઝથી થનગનતી જનતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન ફરતે આકાર લે છે. આ બધા અલગ અલગ સ્થાનેથી આવ્યા હોય છે, પણ બધાનો ઉદ્દેશ એક જ છે નિર્દયી બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્ત થઈ દેશને આઝાદી અપાવવી. એને માટે જોખમી રસ્તે ચાલવું પડે કે લીધેલા જોખમોને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તોય વાંધો નહીં. સ્વાતંત્ર્ય મેળવવા ઝંખતા સેનાની અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવી અનેક લોકોના હૃદયમાં બિરાજી તેમની અનુકંપા મેળવવામાં સફળ થાય છે જે ભારતને આઝાદી અપાવવામાં પોતાનો ફાળો નોંધાવે છે.
એક મહત્ત્વની વાત એ છે કે ફિલ્મના પોસ્ટર પર ‘થીમ ઓફ ધ સ્ટોરી’ (કથાબીજ) લેખક તરીકે ડો. પટ્ટાભી સીતારામૈયાનું નામ છે. સ્વાતંત્ર્ય લડત અને કૉંગ્રેસના કારભાર વિશે જાણતા લોકો ડૉ. પટ્ટાભી સીતારામૈયાના નામથી વાકેફ હશે. ગાંધીજીની અત્યંત નિકટ અને તેમના વિશ્ર્વાસુ સીતારામૈયા ૧૯૩૯માં કૉંગે્રસના પ્રમુખપદની ચૂંટણીમાં સુભાષચંદ્ર બોઝ સામે હારી ગયા હતા. મેડિસીનનો અભ્યાસ કરી સીતારામૈયાએ ડૉક્ટરની ડિગ્રી મેળવી હતી. જોકે, સ્વાતંત્ર્ય લડત માટેના આકર્ષણને પગલે તેમણે ધીકતી પ્રેક્ટિસ છોડી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. ૧૯૪૮ – ૪૯ એમ બે વર્ષ કૉંગ્રેસ પ્રમુખ પદે રહેલા ડૉ. પટ્ટાભી સીતારામૈયાએ લેખનકાર્ય પણ કર્યું છે જેમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઈતિહાસ વિશે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. આ ફિલ્મની કથા એના પર આધારિત હશે એવું અનુમાન કરી શકાય.
લલિતચંદ્ર મહેતાએ સ્વતંત્ર દિગ્દર્શક તરીકે ઓછી ફિલ્મો કરી છે. નોંધપાત્ર વાત એ છે કે તેમણે ચીમનકાંત ગાંધી સાથે બે ડિરેક્ટરવાળી કેટલીક ફિલ્મો બનાવી છે. જોકે, ૧૯૪૮ પછી તેમની કામગીરી વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. મેહબૂબ ખાનની ફિલ્મોમાં ગુજરાતીઓનું યોગદાન પ્રભાવી રહ્યું છે. તેમના યુનિટમાં અનેક ગુજરાતી કસબીઓએ અલગ અલગ વિભાગમાં કામ કર્યું હોવાની નોંધ છે. લલિત મહેતા એક સમયે મેહબૂબ ખાનના સાગર મુવિટોન અને નેશનલ સ્ટુડિયો માટે પ્રોડક્શન કંટ્રોલરની ફરજ પણ બજાવી છે. ફિલ્મની ક્રેડિટમાં ફોટોગ્રાફર તરીકે યુસુફ મૂળજીનું નામ છે. ૧૯૩૦ – ૪૦ના દાયકાના સફળ સિનેમેટોગ્રાફર યુસુફભાઇ ન્યુ થિયેટર્સની ‘દેવદાસ’ના ચાર છબીકારમાંના એક હતા. અન્ય ત્રણ હતા પાછળથી ટોચના ફિલ્મમેકર તરીકે પંકાયેલા બિમલ રોય, સુધીન મજુમદાર અને દિલીપ ગુપ્તા.
એક ખાસ વાત નોંધવા જેવી એ છે કે હિન્દી ફિલ્મ ઈતિહાસમાં ગુણી ગીતકાર તરીકે પંકાયેલા સાહિર લુધિયાનવીની ગીતકાર તરીકે ‘આઝાદી કી રાહ પર’ પ્રથમ ફિલ્મ માનવામાં આવે છે. ફિલ્મના સંગીતકાર હતા જી. ડી. કપૂર. સંગીતકાર સરદાર મલિકે ભૂતકાળમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એમ જણાવવામાં આવ્યું છે કે સાહિરે ફિલ્મો માટે સૌથી પહેલું ગીત તેમના સંગીત નિર્દેશનવાળી ફિલ્મ ’ખેત’ માટે લખ્યું હતું. હકીકત એ છે કે સાહિરસાબે અગાઉ લખેલી ‘તંગ આ ચુકે હૈં કશ્મકશ -એ – જિંદગી સે હમ’ ગઝલને મીના કપૂરના અવાજમાં સ્વરબદ્ધ કરવામાં આવી હતી. થયું એવું કે કોઈ કારણસર એ ફિલ્મ રિલીઝ થઈ નહીં અને એટલે સાહિરસાબે એ ગઝલ ગુરુ દત્તની અમરત્વ પ્રાપ્ત કરનાર ‘પ્યાસા’ માટે આપી. એ ગીત ‘પ્યાસા’માં મોહમ્મદ રફી સંગીત વિના તરન્નુમમાં રજૂ કરે છે. ફિલ્મમાં પડદા પર ગુરુ દત્ત આ ગઝલ રજૂ કરે છે, પણ શરૂઆતમાં એચએમવીએ આ ગઝલને રેકોર્ડમાં સામેલ નહોતી કરી. અલબત્ત કેટલાક વર્ષો પછી આ ગીત એલ પી – લોન્ગ પ્લેઈંગ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું. મજાની વાત એ છે કે સ્વતંત્ર રૂપે આ ગઝલ ફિલ્મ ‘લાઈટ હાઉસ’ (૧૯૫૮ – અશોક કુમાર , નૂતન)માં રજૂ થઈ અને રેકોર્ડમાં પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું. એન. દત્તાના સ્વરાંકનમાં આ ગીત આશા ભોસલેએ ગાયું હતું. ‘પ્યાસા’ની ગઝલનો પહેલો શેર અને બીજો એક શેર ‘લાઈટ હાઉસ’ના ગીતમાં વપરાયા અને બીજા બે નવા શેર સાહિરે આ ફિલ્મ માટે લખી આપ્યા હતા. મૂળ વાત પર પાછા ફરીએ તો ‘આઝાદી કી રાહ પર’ માટે ગીત લખી સાહિરસાબે ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મમાં કુલ છ ગીત હતા જેમાંથી ચાર ગીત સાહિરના હતા અને એક ગીત રામપ્રસાદ બિસ્મિલ અને એક ગીત શ્યામલાલ ગુપ્તએ લખ્યું હતું. સાહિરસાબે લખેલા ગીતો હતા ‘જાગ ઉઠા હૈ હિન્દુસ્તાન’ (કોરસ), ‘મેરે ચરખે મેં જીવન કા રાગ સખી’ (કવિતા), ભારત જનની તેરી જય હો, વિજય હો’ (બી એસ નાનજી, ગાંધારી) અને ‘બદલ રહી હૈ જિંદગી’ (બી એસ નાનજી). પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની રામપ્રસાદ બિસ્મિલએ લખેલું ‘દિલ ફિદા કરતે હૈં, કુરબાન જીગર કરતે હૈં, પાસ જો કુછ ભી હૈ માતા કી નજર કરતે હૈ’ અને શ્યામલાલ ગુપ્ત લિખિત ‘ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્ર્વ તિરંગા પ્યારા’ જેવા દેશપ્રેમના અમર ગીત ફિલ્મની વિશેષતા હતા. એ સમયની દેશની લાગણીઓનો એમાં પડઘો પડતો હતો. રામપ્રસાદ બિસ્મિલ વિશે એક રસપ્રદ વાત એ છે કે તેમના પર ચાલી રહેલા એક ખટલા દરમિયાન અદાલતમાં અન્ય સાથી સાથે ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ -એ – કાતિલ મેં હૈ’ કોરસમાં ગાઈને લોકપ્રિય બનાવી હતી. આ અમર રચના બિસ્મિલ અઝીમાબાદી નામના બિહારના ઉર્દૂ કવિએ લખી હતી. એ સમયે લડત અને મુક્તિના અરમાન ચારેકોર વાતાવરણમાં ભળી ગયા હતા.

Google search engine