અયોધ્યામાં બની રહેલાં રામ મંદિરનું નિર્માણ એ દરેક ભારતીય અને તેમાં પણ ખાસ કરીને હિંદુઓ માટે આનંદના સમાચાર છે. ડિસેમ્બર, 2023 સુધીમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થઈ જાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હવે આજે અહીં પાછા રામ મંદિરના નિર્માણની વાત કરવાનું કારણ એટલું જ કે આ મંદિરના નિર્માણ માટે વાપરવામાં આવી રહેલી ઈંટ… હવે તમને થશે કે આ ઈંટમાં વળી શું ખાસ છે? તો તમારા આ સવાલનો જવાબ તમને આ લેખના અંત સુધીમાં મળી જશે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરને મજબૂત બનાવવા માટે રામ નામની ઈંટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે આ વાત તો આપણે બધાએ જ ક્યારેકને ક્યારેક સાંભળી જ હશે કે રામ કરતા રામનું નામ મોટું છે અને હવે રામ મંદિરના નિર્માણમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.
રામલલ્લાના મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું ટાર્ગેટ સેટ કરવામાં આવ્યું છે અથવા તો એવું પણ કહી શકાય તે આ વર્ષના અંત સુધીમાં ગર્ભગૃહ સહિત મંદિરના ભોંયતળિયાનું નિર્માણ ડિસેમ્બર 2023 પહેલા પૂર્ણ થઈ જશે અને મકરસંક્રાંતિના દિવસે ભગવાનર રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે.
ભગવાન રામલલ્લાના મંદિરમાં બંસી પહાડપુરના પત્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ વાતથી તો બધા જ લોકો પરિચિત છે. પણ આ પત્થરોની ડિઝાઇન વચ્ચે આવતા ગેપને પૂરવા માટે ચંદીગઢથી ખાસ વૈજ્ઞાનિક રીતે બનાવવામાં આવેલી ઇંટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઈંટો બનાવવા માટે ચંદીગઢની એક કંપનીને ખાસ ઓર્ડર આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં રામ નામની ઈંટો અયોધ્યા પહોંચી ચૂકી છે. તમામ ઇંટોની ગુણવત્તા ચકાસ્યા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઈંટોથી એક ખાસ રેમ્પ પણ બનાવવામાં આવી રહ્યો છે અને આ ઉપરાંત દાદરા બનાવવામાં પણ ઈંટોનો ઉપયોગ કરવામાં આવશે. મંદિરના નિર્માણમાં રામ નામ ઇંટ ઉપરાંત 3 કાણાવાળી ઇંટોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઈંટો પથ્થરોને એકસાથે જોડવા માટે જાળી તરીકે કામ કરશે. આ પથ્થરો સેંકડો વર્ષો સુધી મજબૂત રહેશે અને ભૂકંપ પ્રતિરોધક રહેશે. અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ ઇંટો ચંદીગઢથી અયોધ્યા આવી ચૂકી છે.
એન્જિનિયરે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે રામ મંદિરમાં જે પણ ઈંટો લગાવવામાં આવી રહી છે, તેની ગુણવત્તા તપાસ્યા બાદ ઉપયોગમાં લેવાઈ રહી છે. આ ઈંટોથી રેમ્પ બનાવવામાં આવી રહ્યો છે. આ સિવાય દાદરા બનાવવા માટે ઈંટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભગવાન રામનું મંદિર બની રહ્યું છે, તો દરેક ઈંટ પર ભગવાન રામનું નામ લખેલું છે. આ સિવાય રામ મંદિરમાં 3 હોલવાળી ઈંટ પણ લગાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ચંદીગઢથી લગભગ દોઢ લાખ ઈંટો આવી છે.