કોમોડિટી -રમેશ ગોહિલ
પ્રવર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીને ધ્યાનમાં લેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આક્રમક વલણ નહીં અપનાવે એવા આશાવાદ સાથે ગત સપ્તાહે વૈશ્ર્વિક સોનામાં તેજીનું વલણ રહ્યું હતું. જોકે, સપ્તાહના અંતે ખાસ કરીને અમેરિકામાં જાહેર થયેલા ગત ફેબ્રુઆરી મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પ્રોત્સાહક આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ૦.૬ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં વિતેલા સપ્તાહે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. તેમ જ દેશનાં અમુક હિસ્સાઓમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની સપાટી પણ પાર કરી ગયા હતા.
મુંબઈ સ્થિત ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૪ માર્ચનાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૬૫૩ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૫૯,૦૦૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં રૂ. ૫૮,૮૯૭ અને ઉપરમાં સપ્તાહના અંતે ઊંચી રૂ. ૫૯,૭૫૧ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ સ્થાનિકમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૮નો અથવા તો ૦.૧૬ ટકાનો સુધારો આવ્યો હતો. એકંદરે ખરીદદારોનો ઊંચા મથાળેથી લેવાલીમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ ભાવમાં કરેક્શનની રાહ જોઈ રહ્યા હોવાનું મુંબઈ સ્થિત એક હોલસેલરે જણાવ્યું હતું. જોકે, અન્ય એક ડીલરે જણાવ્યું હતું કે હાલમાં ભાવ ઊંચી સપાટીએ હોવાથી રિટેલ ગ્રાહકો જૂના સોનામાં વેચવાલીનું દબાણ હોવાથી સ્ક્રેપ સોનાની આવકોમાં વધારો થયો છે. આથી આયાત જરૂરિયાત બહુ ઓછી હોવાથી ઘણી બૅન્કો સોનાની આયાત નથી કરતી. ગત સપ્તાહે ડીલરો સ્થાનિકમાં સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૬ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા છે, જ્યારે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ઔંસદીઠ ૫૭ ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા હતા.
વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ ઊંચા મથાળેથી ખરીદી મંદ પડી હોવાથી ડીલરોએ મહિનામાં પહેલી વખત ભાવ વિશ્ર્વ બજારની સરખામણીમાં ડિસ્કાઉન્ટમાં ઑફર કરવા પડ્યા હતા. ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસપીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું કે ગત સપ્તાહે સ્થાનિકમાં રિટેલ માગ નિરસ રહેવાની સાથે હાથબદલાના છૂટાછવાયા વેપારો પણ ઔંસદીઠ ૧૦ ડૉલર ડિસ્કાઉન્ટથી ૧૦ ડૉલર પ્રીમિયમની રેન્જમાં થયા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે યુઆનના મૂલ્યમાં ભાવ તેજીતરફી રહ્યા હોવાથી સાર્વત્રિક સ્તરેથી માગ પર માઠી અસર પડી છે.
એકંદરે આંતરરાષ્ટ્રીય સ્તરે બૅન્કિંગ ક્ષેત્રની કટોકટી હળવી થઈ રહી હોવાના નિર્દેશો સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોનાના ભાવમાં બાઉન્સબૅક જોવા મળતાં વૈશ્ર્વિક ભાવમાં ત્રિમાસિક ધોરણે કોવિડ-૧૯ પશ્ર્ચાત્નો સૌથી મોટો ઔંસદીઠ ૧૬ ડૉલરનો ઉછાળો જોવા મળ્યો છે. નબળો ડૉલર અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ અથવા તો ઊપજમાં જોવા મળેલા ઘટાડાએ સોનાની તેજીને ઈંધણ પૂરું પાડ્યું છે. જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકાના ફુગાવાના ડેટા ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી પહેલી અને બીજી મેના રોજ યોજાનારી નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. તેમ જ આ સમયગાળામાં આવનારા તમામ આર્થિક ડેટાઓ પર બજાર વર્તુળો બારીકાઈથી નજર રાખવાની સાથે ડેટાની આકારણી કરી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કેટલો વધારો કરશે તેના અનુમાન પર સોનાના ભાવની વધઘટ અવલંબિત રહેશે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવ્યું હતું. જોકે, હાલમાં ફેડરલના ત્રણ અધિકારીઓ વધતા ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે બે અધિકારીઓ પ્રવર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીની આર્થિક વૃદ્ધિ પર માઠી અસર ન પડે તે માટે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરતાં યથાવત્ રાખે તેવી ધારણા મૂકી રહ્યા છે. એકંદરે હાલમાં ૫૨.૨ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ મે મહિનાની બેઠકમાં વ્યાજ યથાવત્ રાખે તેવું માની રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ વિશ્ર્વ બજારમાં સોના/ચાંદી વચ્ચેનો રેશિયો ૪૫થી ૮૫ આસપાસનો રહ્યો છે તે જોતાં આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ માટે ઔંસદીઠ ૧૯૮૦ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી છે અને જો આ સપાટી તૂટે તો ભાવ વધીને ૨૦૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે અને ઔંસદીઠ ૧૯૪૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થઈ શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭,૦૦૦થી ૬૨,૦૦૦ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ફેબ્રુઆરીમાં ક્ધઝ્યુમર સ્પેન્ડિંગમાં વધારો થવાથી અમેરિકાના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ પુન: વ્યાજદર વધારવામાં આક્રમક વલણ અપનાવે તેવી ભીતિ સપાટી પર આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૬૮.૨૫ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આ ડેટાની જાહેરાત પૂર્વે ભાવમાં ૦.૪ ટકા જેટલો વધારો આવ્યો હતો, વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ૧૯૮૬.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ગત માર્ચ મહિનામાં વૈશ્ર્વિક સોનામાં તેજીનું વલણ રહેતાં ભાવમાં ત્રિમાસિક ધોરણે અંદાજે ત્રણ વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, બજારમાં એકતરફી તેજીને કારણે થોડાઘણાં અંશે નફારૂપી વેચવાલીનું દબાણ પણ રહ્યું હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં પ્રવર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની કટોકટી ઉપરાંત વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાનું વલણ અને તેની આર્થિક વૃદ્ધિ પર પડનારી સંભવિત માઠી અસરને ધ્યાનમાં લેતા સોનામાં એકંદરે સલામતી માટેની માગ જળવાઈ રહેવાનો આશાવાદ બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.