મોજ-મજા-મસ્તીને આપણે ખાણી-પીણી, પૈસા, એશોઆરામ સાથે જોડી દીધા છે એટલે જ્યારે જલસો કે મોજ કરવાની વાત આવે ત્યારે આપણને આવું જ કંઈક સમજાય. પણ ખરી મોજ કે ખરો જલસો છે તમારું શરીર અને મનથી સ્વસ્થ રહેવું. તન-મનની તંદુરસ્તી નહીં હોય તો કરોડોમાં રમતા હશો કે સામે 56 ભોગ પડ્યા હશે તો પણ માણી નહીં શકો. તો જો આખું વર્ષ મોજમાં રહેવું હોય તો આજથી શરૂ થતો ચૈત્ર મહિનો તમારે થોડો શિસ્તમાં વિતાવવો પડશે.
ચૈત્ર મહિનામાં બે કામ આપણે કરવાના છે, જેમાં પહેલું છે મીઠું એટલે કે નમક ન ખાવું અથવા તો અતિશય માપમાં ખાવું. તમને ખબર જ હશે કે ચૈત્ર મહિના પહેલા મહિલાઓ મીઠાનો સ્ટોક કરી લેતી હોય છે અને આ મહિનામાં મીઠુ ન ખરીદવું તેમ કહેવાતું હોય છે. વાસ્તવમાં આ વાત ખોટી છે.

આ મહિનામાં મીઠુ ન ખાવું અથવા તો બને તેટલું ઓછું ખાવુ તે સ્વાસ્થ્યની રીતે મહત્વનું છે. આ મહિનામાં નમક વધારે લેવાથી શુક્રધાતુ પર વધારે અસર થાય છે. જો તમારે લોહીની શુદ્ધિ કરવી હોય તો ચૈત્ર મહિનામાં નમકનો ત્યાગ કરવો અથવા તો જેટલો બને તેટલો ઓછો ઉપયોગ કરવો. આપણા ઋષિમુનીઓના સમયમાં અલૂણા વ્રત કરવામા આવતા, તે પણ આયુર્વેદની દૃષ્ટિએ મહત્વના હતા કારણ કે અલૂણા વ્રત ચૈત્ર મહિનામાં જ થતું અને નમક વિના કરવાનું આ વ્રત હતું.
હવે બીજી વાત. આ વાત વિશે આપણે જાણીએ છીએ. ચૈત્ર મહિનામાં કડવો લીમડો ખાવો. પૃષ્ટીમાર્ગમાં ઠાકોરજીને પણ કડવો લીમડો ધરવામાં આવે છે. કડવા લીમડાનું આ મહિનામાં સેવન કરવાથી હાડમાં ક્યારેય તાવ નથી આવતો તે આપણે જાણીએ છીએ. સાથે આ મહિનો લોહીની શુદ્ધિનો મહિનો છે.કડવો લીમડો પંદરેક દિવસ ખાવાથી પણ લોહી શુદ્ધ થઈ જાય છે. જોકે અહીં મહત્વનું એ છે કે આ લિમડાનું સેવન ક્યારે અને કઈ રીતે કરવું.

તો અમે તેમને જણાવી દઈએ. તમારે સવારે વહેલા ઉઠી આઠથી દસ કૂણા પાંદડા લઈ તેમાં લિમડાના ફૂલ એટલે કે મોર નાખી તેને વાટી પી જવાનો છે. નયણા કોઠે આ કરવાનું છે. જો આ શક્ય ન હોય તો લીમડાના પાન લઈને રાખો. કૂણા અને તાજા પાન રાત્રે એક સ્ટીલ અથવા તાંબાના વાસણમાં પાણી લઈ કટકા કરી પલાળી દો. સવારે વહેલા ઉઠી આ પાનને પાણીમાં જ મસળી નાખો અને તે પાણી ગાળીને પી જાઓ. પાણી પીધા બાદ અડધી અથવા એક કલાક બાદ બીજી કોઈ વસ્તુ પેટમાં ન નાખો.
બુધવારથી એટલે કે આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થાય છે. એકસાથે પંદર દિવસ આ બન્ને પ્રયોગો કરશો તો આખું વર્ષ તાજામાજા રહેશો.