બિનસંસદીય શબ્દોની આત્મકથા: અહીં ‘સરકારને જૂઠી’ નહિ કહી શકાય

રોજ બરોજ

રોજ બરોજ -યોગેશ સાગર

સાંસદ અને સંસદમાં શું ફેર છે? રહેવા દો ગુગલ કરવાની જરૂર નથી અને બન્નેની વ્યાખ્યા પણ અહીં હું રજૂ નથી કરવાનો પરંતુ સંસદભવનમાં સાંસદોએ કેવા શબ્દોનું ચયન કરવું એ માટે પણ એક મસમોટું પુસ્તક બહાર પાડવામાં આવે એ કેટલી દુ:ખની વાત કહેવાય..ગત ૧૮ જુલાઈ મંગળવારથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં દેશના સાંસદો જુમલાજીવી, સરમુખત્યાર, વિનાશ પુરુષ જેવા રાજકીય નિવેદનોની સાથે અસત્ય, ભ્રષ્ટાચાર, કાળાબજારી જેવા સામાન્ય શબ્દો પણ બોલી શક્યા ન હતા. કારણ કે આ શબ્દોને લોકસભા સચિવાલયના નવા પુસ્તકમાં બિનસંસદીય શબ્દો તરીકે વર્ણવવામાં આવ્યા છે. ત્યારે વિચાર આવે કે આ બિનસંસદીય શબ્દ આવ્યો ક્યાંથી? સંસદની કાર્યવાહીમાંથી બિનસંસદીય શબ્દોને હટાવવાની પરંપરા લગભગ ૪૧૮ વર્ષ જૂની છે. બ્રિટનના ચૂંટાયેલા સાંસદો, એટલે કે હાઉસ ઑફ કોમન્સના જર્નલમાં, સૌપ્રથમ ૧૬૦૪માં બિનસંસદીય શબ્દના ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિશ્ર્વભરના સંસદ ગૃહો ચર્ચા દરમિયાન અમુક નિયમો અને ધોરણો અપનાવે છે. સંસદમાં ઉપયોગમાં લેવા માટે અયોગ્ય ગણાતા આવા શબ્દો અથવા શબ્દસમૂહોને બિનસંસદીય કહેવામાં આવે છે. યુકેની સંસદમાં તેને બિનસંસદીયભાષા કહેવામાં આવે છે, વિશ્ર્વના અન્ય ઘણા દેશોની સંસદોમાં સમાન નિયમો છે. બ્રિટિશ સંસદમાં જ્યારે સ્પીકર માને છે કે કોઈ ચોક્કસ શબ્દ સંસદની ગરિમાનો અંત આણી રહ્યો છે, ત્યારે તેને બિનસંસદીયભાષા તરીકે જાહેર કરવામાં આવે છે. આપણાં ભારતમાં બ્રિટનના બંધારણની ઉઠાંતરી કરવામાં આવી છે. એટલે ભારતમાં બિનસંસદીય શબ્દનો ખ્યાલ પણ ત્યાંથી આવ્યો છે. મોટે ભાગે બ્રિટન અને બ્રિટિશ રાજ હેઠળ રહેતા દેશોમાં, એટલે કે ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, આયર્લેન્ડ અને કેનેડા જેવા કોમનવેલ્થ દેશોમાં બિનસંસદીય શબ્દ પર પ્રતિબંધ મૂકવાની પરંપરા પણ છે.
સામાન્યરીતે યાદી તૈયાર કરવાની પ્રક્રિયા જાન્યુઆરી-ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આપણી સંસદ અને વિધાનસભામાં અંગ્રેજી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં હજારો શબ્દો અને શબ્દસમૂહો છે જે બિનસંસદીય છે. બિનસંસદીય શબ્દોનો શબ્દકોશ સૌપ્રથમ ૧૯૫૪માં બહાર પાડવામાં આવ્યો હતો. આ પછી તે ૧૯૮૬, ૧૯૯૨, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૦માં તેની નવી નવી આવૃતિઓ રિલીઝ થઈ હતી. જે ૨૦૧૦ બાદ દર વર્ષે અપડેશન સાથે પ્રકાશિત થાય છે. આ વખતે બહાર પાડવામાં આવેલું પુસ્તક ૧૧૦૦ પાનાનું છે.
લોકસભા સચિવાલયે બુધવાર, ૧૩ જુલાઈના રોજ હિન્દી અને અંગ્રેજી બિનસંસદીય શબ્દોની યાદી બહાર પાડી છે. જેમાં તાનશાહ, શકુની, જયચંદ, વિનાશકારી પુરૂષ, ખાલિસ્તાની, ખૂન સે ખેતી, જુમલાજીવી, અરાજકતાવાદી, અનારકિસ્ટ, ગદ્દાર, ઠગ, ઘડિયાલી આંસુ , અપમાન, અસત્ય, ભ્રષ્ટાચાર, કાલા દિન, કાળાબજારી સ્નૂપગેટ, બ્લડી ફૂલ, બ્લડી લાયર, બ્લડી ચેર, બ્લડી ફેલો, શિટ, બકેટ ઑફ શિટ, બીટ્રેયડ, એશેમ્ડ, એબ્યુઝડ, ચિટેડ, કરપ્ટ, કાવર્ડ, ક્રિમિનલ, ડાઉટફુલ ઓનેસ્ટી વગેરે શબ્દોને સંસદમાં બોલવા લાયક નથી ગણાયા.
હવે આ યાદીએ લોકોને આશ્ર્ચર્યમાં મુક્યા છે. તેમાં સત્તાધીશોને ‘તાનશાહ’ કે કહેવાથી એ શબ્દો રેકર્ડ ઉપરથી દૂર કરાશે. પેગાસસ સ્પાયવેરની ચર્ચા થાય તો ‘સ્નૂપગેટ’ શબ્દનો ઉપયોગ વાંધાજનક ગણાશે. આપણાં દેશમાં સંસદ ભવનની આત્મકથા લખવામાં આવે તો તેના પેટાળમાંથી એવા અઢળક શબ્દો મળી આવે જે સાંભળીને કાનમાંથી કીડા ખરી પડે…સંસદ ભવનના ઇતિહાસમાં પણ એવી નોંધપાત્ર ઘટનાઓ બની છે. જેમાં સાંસદોનો બેફામ વાણીવિલાસને ટીવી પર લાઈવ જોનારા લોકો ચોંકી ઉઠયા હતા. સંસદ આખા ભારતનો અવાજ છે. એ સંજોગોમાં સાંસદો પાસેથી સભ્યતા, સંસ્કારીતા, શિસ્ત અને શિષ્ટાચાર તેમ જ જવાબદારીભર્યા વાણી-વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે, પણ કમનસીબે અનેક સાંસદો એ અપેક્ષામાં ઊણાં ઉતરે છે. સંસદમાં અશોભનીય આક્ષેપો, ઉચ્ચારણો, ટીકા અને હલકીકક્ષાના કટાક્ષ થતા રહે છે.
ભારતમાં સંસદ અને વિધાનસભામાં મળેલી વાણી સ્વતંત્રતાની વાત કરીએ તો બંધારણના અનુચ્છેદ ૧૦૫(૨) હેઠળ, સંસદમાં કહેવામાં આવેલી કોઈપણ બાબત માટે સાંસદ ભારતની કોઈપણ અદાલતને જવાબદાર નથી. એટલે કે, ગૃહમાં કહેવામાં આવેલી કોઈપણ બાબતને કોર્ટમાં પડકારી શકાતી નથી. પરંતુ આનો અર્થ એ નથી કે સાંસદોને સંસદમાં કંઈપણ કહેવાની સ્વતંત્રતા છે. સાંસદ જે પણ કહે છે તે લોકસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમ ૩૮૦ હેઠળ સ્પીકરના નિયંત્રણ હેઠળ છે. એટલે કે જો કોઈ સાંસદ સંસદમાં બિનસંસદીયભાષાનો ઉપયોગ કરે છે તો સ્પીકરને તેના પર કાર્યવાહી કરવાનો અધિકાર છે.
દાયકાઓથી સંસદના દરેક સત્રમાં આવી કાર્યવાહી થતી આવી છે. માત્ર સાંસદો જ નહીં, ખુદ વડા પ્રધાનનાં વાક્યો પણ દૂર કરાયાં છે. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ રાજ્યસભામાં એનપીઆર વિરુદ્ધ ચાલતા આંદોલન અને તેમાં વિપક્ષની ભૂમિકા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે ૬.૨૦થી ૬.૩૦ સુધી કરેલા આક્ષેપો અને ટિપ્પણીઓને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. કારણ કે એ શબ્દો બિનસંસદીય હતા. ૨૦૧૮માં રાજ્યસભાના ડેપ્યૂટી સ્પીકરની ચૂંટણીમાં યુપીએના ઉમેદવાર હરિપ્રસાદ પરાજિત થયા તે પછી તેમના માટે મોદીએ કરેલી ટિપ્પણી પણ સત્તાવાર રેકર્ડમાંથી દૂર કરવામાં આવી હતી. ખુદ વેંકૈયા નાયડુ પોતે સંસદીય મંત્રી હતા ત્યારે તેમણે ઉપયોગમાં લીધેલા શબ્દો પણ કાઢી નખાયા હતા. અત્યારસુધીમાં ભાજપના સાંસદોએ સંસદ ભવનમાં ‘લૂંટની છૂટ’, ‘બેશરમ’, હેરાફેરી’, ‘જૂઠ ફરેબ’, ‘કોયલા ચોર’, ‘જીજા, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ ‘ચોર ચોર મોસૈરે ભાઇ’ જેવા બોલેલા શબ્દોને બિનસંસદીય ગણી દૂર કરવામાં આવ્યા હતા. સામા પક્ષે કૉંગ્રેસના સાંસદોએ ‘નંગે’, ‘દલાલ’, ‘જૂઠા’, ‘ચોર’ અને ‘ટાંય ટાંય ફિશ, જોકર, ચમચા’ જેવા શબ્દોનો છૂટથી ઉપયોગ કર્યો હતો. આવા તો અનેક શબ્દો છે જે લખવા બેસું તો આવા ૧૦૦ લેખ પણ ટૂંકા પડે.. પણ વાત અહીં શબ્દોની નથી વાત શબ્દોની પસંદગીની છે.
ભારતીય સાહિત્ય-મીમાંસકોએ ‘શબ્દશક્તિ’ વિશે વિગતે વાત કરી છે. ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’માં જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા ‘શબ્દશક્તિ’ વિશે લખે છે: “આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે દરેક શબ્દનો કોઈ અર્થ નિશ્ર્ચિત અર્થ હોય છે, એ અર્થમાં જ આપણે એ શબ્દને પ્રયોજીએ છીએ અને એ શબ્દમાંથી એ જ અર્થનો આપણને બોંધ થાય છે. દા.ત. ‘ઘોડો’ શબ્દ બોલાતાં અમુક ચોક્કસ પ્રાણીનો આપણને બોધ થાય છે. આમ, શબ્દ એક શક્તિ છે, શબ્દ એમ તો સૂક્ષ્મ છે, પરંતુ શબ્દનું સ્વરૂપ વિરાટ છે અને હા, શબ્દની અસર વિનાશ પણ નોંતરી શકે છે. આ તો, શબ્દશક્તિની સાહિત્યના સંદર્ભે વાત થઈ. બીજી તરફ, ભારતીય લોકશાહી પણ મજાની છે, જે શબ્દો બોલીને ચૂંટણીમાં તાળીઓના ગડગડાટ કે ‘વાહ વાહી’ મેળવી શકાય છે, એ શબ્દ જ્યારે સંસદમાં બોલવામાં આવે તો ‘અસંસદીય’ બની જાય છે.
જેમ શરૂઆતમાં કહ્યું તેમ જે વ્યક્તિ દેશના સંસદ ભવનમાં પ્રજાની તકલીફોનો અવાજ બનીને જાય છે. તે વ્યક્તિ કઈ રીતે અસભ્ય બનીને બિનસંસદીય શબ્દ બોલી બેસે છે. અત્યારે વિપક્ષ જોરમાં છે, કૉંગ્રેસના સોનિયા ગાંધી અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢાએ મોદી સરકાર પર આક્ષેપ કર્યો છે. જે શબ્દોનું લિસ્ટ જાહેર થયું છે એ પ્રત્યેક શબ્દનું ઉચ્ચારણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં મળેલા ચોમાસું સત્રની કાર્યવાહી સતત બીજા દિવસે પણ મોકૂફ રહી હતી કારણ કે બિનસંસદીય શબ્દોનો આ નિર્ણય હજુ લોકોના મગજમાં બેસે ત્યાં તો સરકારે સંસદમાં ધરણાં, સૂત્રોચ્ચાર, પેમ્પ્લેટ અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવા અંગે નવી ગાઇડલાઇન બહાર પાડીને એવું જાહેર કરી દીધું કે હવે આ પ્રકારે વિરોધ નહીં કરી શકાય. છતાં લોકસભાની કામગીરી ૧૧ કલાકે શરૂ થતાની સાથે જ કૉંગ્રેસ, ડીએમકે અને અન્ય પક્ષોના સભ્યો પ્લેકાર્ડ સાથે વેલમાં ઘૂસી ગયા હતા. તેમણે અનેક નવી ચીજો પર જીએસટી અમલી બનાવવા સામે વિરોધ કર્યા હતા. તેમણે ભાવવધારાના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. ‘ગબ્બર સિંહ સ્ટ્રાઇક્સ અગેઇન’ જેવા સુત્રોચ્ચાર ધરાવતાં પ્લેકાર્ડ્સ સાથે વિરોધપક્ષોએ વિરોધપ્રદર્શનો કર્યા હતા. તેમનો આક્ષેપ હતો કે આનાથી વેપારીઓ અને ગ્રાહકોને મરણતોલ ફટકો મળશે. સ્પીકર ઓમ બિરલાએ વિરોધપક્ષના સભ્યોને તેમની સીટો પર પાછા ફરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે સંસદની અંદર પ્લેકાર્ડ્સ લાવવું એ પણ બિનસંસદીય નિયમ છે. એમાં તો શિવસેના ફરી મેદાનમાં આવી ગઈ અને સવાલ કર્યો કે તેમનામાં અસંસદીય શું છે? ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર ન કહો. તો પછી વૈકલ્પિક શબ્દ શું છે? સરમુખત્યાર માટે બીજી કઈ ઉપમા આપી શકાય?
જયારે કૉંગ્રેસની સરકાર હતી અને ભાજપ ખુદ વિપક્ષમાં હતું એ સમયે ધરણા કરીને ડઝનેક વાર સંસદની પ્રકિયા અટકાવી દીધી છે. દિવંગત સુષમા સ્વરાજ તો સંસદની કામગીરી અટકાવવાની પ્રક્રિયાને સંસદનો જ ભાગ ગણતા હતા. સંસદ ભવનના પટાંગણમાં ગાંધીજીની પ્રતિમા પાસે સૌથી વધુ વખત ખુદ ભાજપના કાર્યકરો અને નેતાઓએ પેમ્પ્લેટ સાથે ધરણા કરીને વિરોધપ્રદર્શન કર્યું હતું. સ્વ. અરુણ જેટલી તો કૉંગ્રેસની સરકારમાં સંસદને ગણકારતા જ નહીં. મુંબઈનું ચકચારી ‘આદર્શ હાઉસિંગ સોસાયટી’ કૌભાંડ જયારે ગાજ્યું હતું ત્યારે ભાજપના સાંસદોએ તો ચોમાસુ સત્ર જ નહોતું ચાલવા દીધું.
મહારાષ્ટ્રમાં દિલ્હીએ વિશ્ર્વાસઘાત કરીને લોકશાહીનું ગળું દબાવ્યું. આ સરમુખત્યારશાહી પર સંસદમાં અવાજ ઉઠાવતી વખતે સભ્યોએ શું અને કેવી રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ. વિરોધીઓની જીભ કરડીને તેમને બંધારણ અને સ્વતંત્રતાની ચિતા પર બેસાડવામાં આવ્યા છે. આ કટોકટી કરતાં પણ ખરાબ છે… આવું નિવેદન શિવસેનાના મુખપત્ર ‘સામના’માં કરવામાં આવ્યું છે. બિનસંસદીય ભાષાની આ કોન્ટ્રોવર્સી વચ્ચે મારો તો એક જ સવાલ છે કે હવે નવા શબ્દોની યાદી બાદ ભારતીય લોકશાહીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરેખર શબ્દવિવેક રાખી શકશે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.