ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ સિડની બ્રિજ પર રંગબેરંગી આતશબાજીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તમાશો જોવા માટે બ્રિજની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પણ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળીને જાહેર સ્થળોએ એકઠા થયા હતા.
ભારતમાં નવા વર્ષની શરૂઆત થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ વિશ્વમાં 2023ની શરૂઆત થઈ ચૂકી છે. ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષે સૌથી પહેલા ટકોરા માર્યા છે. આ ટાપુ હિંદ મહાસાગરમાં સ્થિત છે, જેના પર ઓસ્ટ્રેલિયાનો એકાધિકાર છે. આ ટાપુ માત્ર 134 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. ગ્રીનવિચ સમયની નજીક હોવાને કારણે, આ સ્થળે 31 ડિસેમ્બરની રાતના 12 વાગ્યાથી વધુ સમય થઈ ગયો છે. ક્રિસમસ આઇલેન્ડ ભૌગોલિક રીતે ઓસ્ટ્રેલિયાથી દૂર છે અને ઇન્ડોનેશિયાની નજીક છે. આ ટાપુની વસ્તી માત્ર 2000ની આસપાસ છે. તેની મોટાભાગની વસ્તી ટાપુના ઉત્તરીય છેડે રહે છે. દુનિયાથી તદ્દન અલગ હોવાને કારણે અહીં માનવીય હસ્તક્ષેપ બહુ ઓછો છે.
રશિયાના લોકો યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વર્ષ 2023ને આવકારવા માટે તૈયાર છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. કોરોના પ્રતિબંધમાંથી સાજા થયા બાદ લોકો ભારે ઉમળકાથી નવા વર્ષને વધાવવા અને એકબીજાને શુભેચ્છા આપવાના મૂડમાં છે.