ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ શહેરના એક બીચ પર સોમવારે બે હેલિકોપ્ટર ટકરાયા હતા. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ઘણા લોકોના ઘાયલ થવાના અને ચારના મૃત્યુના સમાચાર છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક હેલિકોપ્ટર ટેકઓફ કરી રહ્યું હતું અને બીજું હેલિકોપ્ટર નીચે ઉતરી રહ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં સી વર્લ્ડ પાસે બે હેલિકોપ્ટર અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ ત્યાં હાજર લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ પછી પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને બચાવ્યા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 13 લોકો સામેલ હતા અને 4નાં મોત થયા છે તો 6 લોકો ઘાયલ થયા છે. મેડિકલ ટીમે માહિતી આપી છે કે આ ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને બાકીના ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મૃતકોમાં નાશ પામેલા હેલિકોપ્ટરના પાયલટ અને તેમાં સવાર ત્રણ લોકોનો સમાવેશ થાય છે. અન્ય હેલિકોપ્ટરના પાઇલટ તેને રેતીમાં ઉતારવામાં સફળ થયા, જેના કારણે તે હેલિકોપ્ટરના કોઈપણ મુસાફરને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
પોલીસ અધિકારીઓએ અકસ્માત સ્થળ તરફ જતી સીવર્લ્ડ ડ્રાઇવને બંધ કરી દીધી છે.