ઔરતેં રોતી જાતી હૈં, મરદ મારતે જાતે હૈં

ઇન્ટરવલ

‘ડાર્લિંગ’ કહી કહીને, માફી માગી માગીને, પ્રેમ કરી કરીને પત્નીને મારનાર પતિઓ છે. તેમને એમ લાગે છે કે આ તેમનો અધિકાર છે. મહિલાઓને લાગે છે કે આ રુટિન છે!

આનન-ફાનન-પાર્થ દવે

એક સિત્તેર વર્ષના વૃદ્ધ મહિલા યુવતીઓને કહે છે કે, તમે તો કોઈ દુનિયા જોઈ જ નથી. તમને તો કોઈ પરેશાની, કોઈ તકલીફ છે જ નહીં. તમને શારીરિક બહુ જ ઓછું કામ હોય છે. તેના કારણે તમારા શરીર વહેલા થાકી જાય છે. પછી તમે જીમમાં જાઓ છો. અમે, અમારા જમાનામાં આખો દિવસ કામ કરતા. સવારે વેલુ કરવા નીકળી જતા તે બપોરે આવતા. ઘરનું કામ તો કરવાનું જ. પતિને સાચવવાના, છોકરાઓને મોટા કરવાના. એમાંય એક દિવસ એવો ન જતો કે પતિ રાતના મારે નહીં. તેમનો હાથ તો ઉપડતો જ.
શરૂઆતના બધા વાક્યો કદાચ સ્વીકાર્ય છે, પણ છેલ્લા બે વાક્યો સાંભળીને યુવતીઓ ચોંકી જાય છે!
એક પંચાવન-સત્તાવન વર્ષની આધેડ મહિલા કહે છે, આ તો કંઈ નથી. મારા પતિ અને દેરને ગાળો બોલવાનો શોખ હતો. જમવામાં મીઠું વધારે કે ઓછું હોય તો વાસણનો ઘા કરે! જમતાં-જમતાં ઊભા થઈ જાય. કોઈ જરૂરી વસ્તુ ન મળે તો અતિશય ગુસ્સે થઈ જાય. છૂટી ગાળો બોલે. એમનો સમય સાચવવો જ પડે.
આવા સેંકડો ઉદાહરણ છે. તમને નવાઈ નહીં જ લાગતી હોય; લાગતી હોય તો કહી દઉં કે મારી – તમારી આસપાસના જ આ ઉદાહરણો છે.
***
હમણાં મેં ‘ડાર્લિંગ્સ’ ફિલ્મ જોઈ. તેમાં બદરુ નામની યુવતી છે. જેનો પતિ દારૂ પીવે છે અને દારૂ પીને મારે છે. ભયંકર ક્રૂરતાથી મારે છે. રાતના મારે છે. સવારે નશો ઉતરતા બદરુને સમજાવે છે, બહેલાવે છે, લાડ લડાવે છે. બદરુ પણ પતિની વાતમાં પીગળી જાય છે. તે માની જાય છે. પતિને માફ કરી દે છે. પતિ નોકરીએ જાય છે. દારૂ પીએ છે. ઘરે આવે છે. રાત પડે છે. ફરી મારે છે. પત્ની માર ખાય છે. પતિને જમાડે છે. સેવા કરે છે. પતિ દારૂ છોડવાનું પ્રોમિસ આપે છે. પત્ની માની જાય છે. પતિ ફરી મારે છે. પત્ની ફરી માર ખાય છે.
ફિલ્મનો ટોન હળવો રખાયો છે. આગળ વાર્તામાં વળાંક આવે છે. બાજી પલટાય છે. પતિ અને પત્નીની જગ્યા બદલે છે. ફિલ્મમાં પતિના મોઢે આવો કંઈક ડાયલોગ આવે છે કે, હું તને મારું છું તેના પાછળ આલ્કોહોલ જવાબદાર નથી. હું છું જ એવો.
આ વાક્યએ મને ઉપર લખ્યા તે બહેનોના કિસ્સા યાદ અપાવ્યા. મહિલાઓ પણ સહજ રીતે, નોર્મલી, કંઈ થયું ન હોય તે રીતે પોતાની સહનશક્તિની (માર ખાવાની) વાતો કરતી હોય છે. પુરુષો માનસિક રોગી હોય અને મારતો હોય તો તેને ડોક્ટરની જરૂર છે. પણ ઘણા કિસ્સામાં કોઈ નશાના કારણે કે કારણ વગર પત્ની પર હાથ ઉપાડતા હોય છે. ‘સ્ત્રીની જીભ ચાલે ને પુરુષનો હાથ ચાલે’ પ્રકારના વાક્યો પણ પ્રચલિત છે. જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી આ વિશે મુખ્ય ત્રણ બાબતો જણાવે છે. તેઓ કહે છે, એક તો બહારનો સ્ટ્રેસ, નિષ્ફળતા અને સંઘર્ષનું રુપાંતરણ રોષ કે ગુસ્સામાં પ્રગટે છે. બીજું પત્નીની વાતચીત પતિ સમજી નથી શકતો. કમ્યુનિકેશનમાં ગેપ આવે છે. તેના કારણે પતિ હાથ ઉપાડે છે. અને ત્રીજું, વ્યક્તિનો ઉછેર. તે વ્યક્તિએ નાનપણમાં પોતાના પપ્પાને મમ્મી પર હાથ ઉપાડતા જોયા હોય કે સમાજમાં બીજે ક્યાંય આ પ્રકારની ઘટના જોઈ હોય. તેના કારણે તેના અચેતન મનમાં આ અગ્રેશનની માન્યતા જડ થતી જાય. તે માનવા લાગે કે ‘પુરુષ હોય તે મારી શકે. નહિવત કે ઓછું શિક્ષણ અને ખરાબ સંગત પણ આ માટે જવાબદાર પરિબળ છે.’
પ્રમાણિકતાથી કહું તો મને મારી પેઢી આ બાબતે વધુ જિન્યુન, પારદર્શક લાગે છે. આગળની પેઢીના અમુક લોકો આ બાબતને લઈને એ રીતે વાત કરે છે જાણે તેમને-પુરુષને મારવાનો અધિકાર હતો અને મહિલાઓ એમ જ માને છે કે આ રુટિન હતું! તેના કારણો આપતા પ્રશાંત ભીમાણી કહે છે કે, એ છોકરી નાની હોય ત્યારે મા-બાપ દ્વારા શીખડાવવામાં આવ્યું હોય કે બાપ, ભાઈ અને પછી પતિ કહે તેમ કરવાનું છે. અને પછી તેના સંતાન, ટુ બી સ્પેસિફિક, દીકરો કહે તેમ કરવાનું છે. તમારે પોતે કંઈ નથી કરવાનું. આ સ્વેલરી – ગુલામીની માનસકિતાનો સોશિયલ આઉટકમ ડોમેસ્ટિક વાયોલેન્સમાં પરિણમે છે. તેમના જીવનનું લક્ષ્ય એક જ થઈ જાય છે: પતિનો મૂડ બરાબર રહેવો જોઈએ!
પિતૃસત્તાક સમાજ અને અસમાનતા અને ભેદભાવ એ તો અહીં દેખાઈ રહ્યું છે. બીજો મોટો પ્રશ્ર્ન એ લાગે છે કે, જે વિક્ટિમ છે તે મહિલાઓ જ તેને હળવાશથી લઈ રહી છે. ‘ડાર્લિંગ્સ’ ફિલ્મમાં છેલ્લે સ્ત્રી પાત્ર તેને જવા દેવા તૈયાર છે. (જે સારું જ છે.) તે એમ ઈચ્છે છે કે મારા હાથે કંઈ ખરાબ ન થવું જોઈએ. પણ મગજ પર ક્ધટ્રોલ ન રાખી શકનારા અને પોતાનું ફ્રસ્ટ્રેશન અન્ય વ્યક્તિ (એ ચાહે પત્ની હોય, સંતાન હોય કે ઘરકામ કરતા નોકર હોય) ઉપર કાઢનારા માણસનું શું કરવું?
તેમની થેરપી કરવી. તે થઈ શકે તેમ ન હોય તો ડોમેસ્ટિક વાયોલન્સ લો અંતર્ગત ફરિયાદ કરવી. ફિલ્મમાં પણ એક જગ્યાએ ઉલ્લેખ આવે છે તે ઇન્ડિન પીનલ કોડ ૪૯૮-અ અંતર્ગત તે વ્યક્તિને દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલની સજા છે.
ઇન્ટરનેટ ઉપર પણ ડોમેસ્ટિક વાયોલેન્સ સર્ચ કરશો એટલે ઇન ઇન્ડિયા’ પહેલું આવશે. આ ઘટનાઓ ભારતમાં વધારે બને છે. જનાવરના સ્વાંગમાં ફરતી મનુષ્યમાંની એક ચોક્કસ નીચ પ્રજાતિને એવું જ છે કે સ્ત્રી એ પુરુષને રિઝવવા કે ખુશ કરવા માટેનું સાધન છે. બહારથી ગમે તેટલા મોર્ડન કે સમજું લાગતા માણસો પણ આ વિચારધારાના શિકાર હોય છે.
ઊંડી આંકડાકીય માહિતી, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કોવિડ વખતે કરેલા વિશ્ર્લેષણ કે ઘરેલું હિસાંના ફિઝિકલ ઉપરાંતના પેટાપ્રકાર જેવા કે, ઇમોશનલ, સેક્સુઅલ, ઑનર કિલિંગ, દહેજ, એબ્યુઝ વગેરે વિશે તો વાત જ નથી કરી. દેખીતી ને સીધી વાત છે કે, ઘરમાં જ કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ‘હેરાન’ કેમ કરી શકે? કારણ કોઈપણ હોય, હાથ કેમ ઉપાડી શકે? જોકે, અહીં તો કારણ પણ હોતા નથી. તે દીકરી કે બહેને શાક બરાબર બનાવ્યું નથી હોતું કે વાળ ખુલ્લા રાખ્યા હોય કે ટીવીમાં ગમતું જોતી હોય કે કોઈ વધારાની પ્રવૃત્તિ કરવાની માગ કરી હોય કે પ્રેમ કર્યો હોય: આવા કારણોએ તેમને મારવામાં આવે છે. અને અમુક વખત મારી મારીને મારી નાખવામાં આવે છે.
***
શીર્ષક પંક્તિ રમાશંકર યાદવ ‘વિદ્રોહી’ની છે. તે પૂરી કરું:
ઔરતેં રોતી જાતી હૈ, મરદ મારતે જાતે હૈં
ઔરતેં રોતી હૈ, મરદ ઔર મારતે હૈં
ઔરતેં ખૂબ જોર સે રોતી હૈં
મરદ ઇતની જોર સે મારતે હૈં કિ વે મર જાતી હૈં

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.