રાજ ઠાકરે હાજીર હો! ઔરંગાબાદ પોલીસે મનસે પ્રમુખને મોકલી નોટિસ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

MNSના વડા રાજ ઠાકરેને ઔરંગાબાદ પોલીસે નોટિસ મોકલી છે અને તેમને ચાર્જશીટ ફાઇલ કરતી વખતે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.

રાજ ઠાકરે પર પહેલી મેના રોજ ઔરંગાબાદની સભામાં પોલીસની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ મામલે રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ ઠાકરેને સ્પીડ પોસ્ટ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે.

પહેલી મે ના રોજ ઔરંગાબાદમાં રાજ ઠાકરેની સભા પહેલા પોલીસે કેટલાક નિયમો અને શરતો મૂકી હતી. પોલીસ રિપોર્ટમાં કેટલીક શરતોનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. તેમની આ સભામાં ભીડ પોલીસ દ્વારા જણાવવામાં આવેલી મર્યાદા કરતા વધારે હતી. તેમણે સભામાં ભડકાઉ ભાષણ કર્યું હતું અને અવાજની મર્યાદા પણ ઓળંગી હતી એવો પોલીસે આક્ષેપ કર્યો હતો. પોલીસે આ મામલે ગૃહ મંત્રાલયને રિપોર્ટ મોકલ્યો હતો, જ્યાં ચર્ચા બાદ રાજ ઠાકરે સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આજે જિલ્લા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

રાજ ઠાકરે આજે પુણેમાં છે. આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓને ધ્યાનમાં લઇને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સદસ્યતા નોંધણી માટે તેઓ પુણે પ્રવાસે છે. પુણેમાં MNSના કાર્યકર્તાઓ દ્વારા ઢોલ-નગારા સાથે રાજ ઠાકરેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શિંદે જૂથ અને ભાજપની ગઠબંધન સરકાર સત્તામાં આવ્યા બાદ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં શિવસેના વિરુદ્ધ ગઠબંધનનો મુકાબલો ભારે રોચક બનવાની સંભાવના છે . તેમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શું ભૂમિકા ભજવશે, એના પર સહુનું ધ્યાન છે. જોકે, રાજકીય નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ એકલા હાથે ચૂંટણી લડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.