કાવ્ય શબ્દનો ગુજરાતી અર્થ “ડહાપણ તો ગ્રીક અર્થ “સર્જન

ઇન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં…દેવલ શાસ્ત્રી

સોશિયલ મીડિયાના આગમન પછી કવિતાઓ લખવાનો ટ્રેન્ડ વધવા લાગ્યો. એક હકીકત તો એ છે કે કવિતા વડે આપણી ભાષા તથા શબ્દોને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
પ્રેમ અને વિરહ જેવા મોસ્ટ રોમેન્ટિક વિષય પર લખાતી કવિતાઓ વૃદ્ધાવસ્થા અને બાળકવિતાઓ પર ઓક્સિજન શોધવા લાગે છે…. શૌર્ય જેવા વિષય પર પણ સારી કવિતાઓ શોધવા ફિલ્મો પર નજર નાખવી પડે છે….
મહત્ત્વની વાત એ પણ છે કે સામાન્ય લેખનમાં વ્યાકરણના નિયમો તોડી શકાતા નથી, જ્યારે કવિતાઓ નિયમો તોડવાની છૂટ આપે છે…આ બાબતે સંમત અસંમત થઈ શકાય, પણ કવિતા નિયમો તોડીને માણસનો બળવાખોર સ્વભાવ બહાર લાવી શકે છે….
એટલે વિચાર આવ્યો કે આ કવિઓ અને કવિતાઓની કેમેસ્ટ્રી શું હોય શકે?
કેટલાકને ખાતા પીતા રખડતા કવિતાઓ સૂઝ્યા કરે, એમના મગજમાંથી કવિતાઓનું ઝરણું વહ્યા કરે. કવિતાઓ સ્ફૂરે એને મેટ્રોમેનિયા કહેતા તો ઘણાને કવિઓનો ડર લાગે… કવિતાઓથી ડરતી પ્રજાતિ મેટ્રોફોબિયા હતી… અઘરું…
આમ તો એવું માનવામાં આવે છે કે કવિતા શબ્દની કલ્પના ગ્રીસમાં ઉદ્ભવી, કવિતા એટલે સર્જન… કોઇને બે પાંચ હજાર વર્ષ પહેલાં મેસેજ મોકલવો હોય તો શું કરવું? મેસેજની કવિતા બનાવો અને મોકલો… કવિતા યાદ રહી જાય…
પ્રારંભમાં કવિતાઓ દ્વારા લોકો પોતાની વંશાવળી, ઇતિહાસ અને કાયદા યાદ રાખતાં, આફ્રિકા અને ઇજિપ્તમાં સંદેશાવ્યવહારમાં કવિતાઓ હતી… બોલો… કેવું લાગે? પ્રેમનું પૂછવા તો કવિતા સમજ્યા, પણ એક રાજા બીજા રાજાને લડાઈ માટે કવિતાઓ કહેતા હશે? સાસુઓ વહુને કવિતાઓ લખીને સંદેશા મોકલતી હશે… એની પ્રતિકવિતા વહુઓ પણ કેવી લખતી હશે….
જો કે સૌથી ટૂંકી કવિતા વિશે ખબર છે? બે જ શબ્દની કવિતા છે… “હું છું …આ સાસુ કહેતી હશે કે વહુ? જો કે એક શબ્દની કવિતા પણ હતી… “એમ?
પણ આપણને ટૂંકમાં ન ફાવે… વિશ્ર્વની સૌથી લાંબી કવિતા આપણી છે: મહાભારત… જગતમાં જે કંઈ પણ છે એ બધું જ મહાભારત કાવ્યમાં છે, અસંખ્ય કવિતા કે કથા સંગ્રહો મહાભારતના આધારે બન્યા છે… અસંખ્ય પાત્રો ધરાવતું મહાભારત વિશ્ર્વની અદ્વિતીય વિરલ કથા છે…
મહાકવિ ચૌસર માનતા કે કવિતાએ વિચારોનો એવો શ્ર્વાસ છે, જેમાં શબ્દો બળીને ખાક થઈ જાય છે. વિચારોને કવિતાથી શણગાર કરતો રુમિ અમેરિકામાં સૌથી વધુ વંચાતો કવિ છે…
સાર એટલો જ કવિતાઓ સ્વને ઓળખવામાં સૌથી વધારે મદદ કરે છે. સ્વ સાથે દુનિયાને કેવી રીતે જોડી શકાય એ માટે લોકોના માનસને સમજવામાં પણ મદદ કરે છે અને હા, જે શબ્દ લખીને કે છૂપાવવામાં આવે એ શબ્દ પર પ્રેમ વધારે છે… સ્વાભાવિક છે કે નવા નવા આઇડિયા કે પ્રયોગો કરવા હોય તો કવિતાઓ લખતા રહેવી…
કવિતાઓ સાહિત્યમાં સૌથી લોકપ્રિય પ્રકાર છે, કવિતાઓ દ્વારા સમાજને નવો દ્રષ્ટિકોણ સાથે સંદેશો આપી શકાય છે. કવિતા લખવા તેના નિયમો અને વ્યાકરણનું પાલન થાય તો ઉત્તમ, પણ ન થાય તો તમે જે કહેવા માંગતા હોય એ એક લયમાં સમજાવું જરૂરી છે…. નહિ તો થોડા દિવસ પછી કવિને પણ પોતાની કવિતા સમજાતી નથી.
કવિતા વધુ કોણ લખે છે એના પર પણ અભ્યાસ થયા છે, કોરોના અગાઉના અભ્યાસ મુજબ ૬૩% કવિતાઓ પુરુષો લખે છે અને ૩૭% કવિતાઓ મહિલા કવિઓનું સર્જન હોય છે…ધીમે ધીમે મહિલા કવિઓના સર્જન વધતા જાય છે. બાય ધ વે, એન બ્રેડસ્ટ્રીટ નામની કવયિત્રીના નિધન બાદ તેના પતિએ કાવ્યસંગ્રહ પ્રકાશિત કરતાં પુસ્તક ધરાવતી પહેલી કવયિત્રી બની…
કવિતાની શક્તિ સમજવી જરૂરી છે, શબ્દો વ્યર્થ ન વપરાય તેની કાળજી રાખવી જોઈએ. ખાનગી વાત કહું? કવિઓએ પોતાની પાસે એક નોંધ રાખવી જોઈએ, જેમાં કવિતા ક્યા સંદર્ભમાં લખવામાં આવી તેનું લખાણ રાખવું જોઈએ, નહીં તો કવિતાના હેતુઓ બદલાઈ જતાં વાર લાગતી નથી….
સારી કવિતા ક્યારે લખાય? કેટલું સિમ્પલ છે? ભલા માણસ…. જ્યારે સુઝે ત્યારે, ટપકાવવા માટે સાધન હંમેશાં હાથવગું રાખવું.
જર્મન કવિ ગોટલોબે સત્તર વર્ષ કવિતાઓ લખી, એમને ‘આર’ અક્ષરથી એટલી નફરત હતી કે…. એક પણ કવિતામાં ‘આર’ જ નહીં…
મારા ખાનગી સોર્સ એવું કહે છે કે આઇરિશ કવિઓ આવું કોઈ સાધન રાખતા હશે, એક સમયે સૌથી વધુ કવિતાઓ ત્યાં લખાતી હતી… એ પછી ફ્રેન્ચ, જર્મન, ઈટલી, જાપાન, અમેરિકા જેવા દેશોમાં લખાતી.
આશરે બે હજાર વર્ષ પહેલા રોમન કવિ ઓવિડે ધ આર્ટ ઓફ લવના ત્રણ ભાગ બહાર પાડ્યા હતાં, એ સમયે તેમણે ભોળા એવા પુરુષો માટે કવિતામાં કહ્યું હતું કે સુખી જીવન માટે બર્થડે ભૂલશો નહીં તથા મહિલાઓની ઉંમરની બહુ પૂછપરછ કરવી નહીં….
સોશિયલ મીડિયા પહેલા આપણે ત્યાં કવિઓની મજાકો થતી. કાવ્યને બોરિંગ વિષય માનવા માટે ચાલીસ પચાસના દાયકામાં જન્મેલી મારા પિતા જેવાઓની જનરેશન ઘણી જવાબદાર, જેમણે તેમના પછીની પેઢીમાં સારા કવિઓ બનવા ન દીધા…
ભલું થજો ફેસબુક વોટ્સએપનું… જેમણે કવિતાઓ સાથે ઘરની ચાર દીવાલોમાં ઉદ્ભવતી વ્યથા માટે કવયિત્રીઓ આપી…
બાકી આજકાલ ફુલટાઇમ કવિતા લખતા સારા કવિઓ પણ પૈસા કમાય છે, પૈસા? સોરી આપણે ત્યાં લાખો રૂપિયામાં કવિ સંમેલન થાય છે, લોકો કદર છે એ સાબિત થતાં સમૃદ્ધ મુશાયરા એ સાહિત્યનું શ્રેષ્ઠ ગૌરવ છે…
હા, કવિતાઓ એકસરખી હોતી નથી…. એક સમયે લખેલી કવિતા બીજા પરિપેક્ષ્ય માટે સાચી ન પણ હોય… જ્યારે કવિતાઓ વાંચો, ત્યારે તેના પર સારો ખોટો અભિપ્રાય આપતા પહેલાં ઘણા પાસાઓ વિચારવા જોઈએ. જેમ કે ચેરાપૂંજીમાં લખેલી કવિતા જેસલમેરવાળાને માફક ન પણ આવે, સાડી કે ચણિયાચોળીવાળી સુંદરીની કલ્પના ફ્રાન્સનો વાચક ન પણ સમજી શકે….
હંમેશાં યાદ રાખો…. કવિતા કોણે લખી? તેના જીવનની કોઈ ઘટના સાથે સંકળાયેલી છે? રાજનીતિ, સામાજિક સમસ્યાઓ, તેના વ્યવસાય, રાજકીય પરિસ્થિતિ, તેની ધાર્મિક માન્યતાઓ, કવિની ઉંમર, તેનો દેશ, તેની સંસ્કૃતિ, આર્થિક પરિસ્થિતિ, સેક્સ્યુઅલ સ્થિતિ…. અનેક પરિબળો કવિતાની રચનામાં ભાગ ભજવતા હોય છે.
એ યાદ રાખો કે કવિતા લખતાં કવિનો મૂડ કેવો હતો? કવિના મન પર કોઈ ઘટનાનો આઘાત તો નથીને? કવિતાના શબ્દો પરથી તેનો મૂડ જાણવો…. અભિપ્રાય આપવા બહુ ઉતાવળા ન થાવ…. કારણ? કવિતા એ ભગવાનની ભાષા છે, આપણું તમામ ધાર્મિક સાહિત્ય કવિતાની ભાષામાં લખાયેલું છે.
સો વર્ષ પહેલાં મૃત્યુ પામેલા મેકડોનાલ્ડે કોરોનાને ધ્યાનમાં રાખીને બે શબ્દોની કવિતા લખી હશે…”ઘરે આવો……રાહ કોની જુઓ છો?..
લ્યો, હું ય બે શબ્દની કવિતા કહું? “આજે લખો….. (ત)મારે ખાતર….. બાકી હાઇકુને ટચુકડી કવિતા લખવા માટે બેસ્ટ ફોર્મેટ માનવામાં આવે છે….
શેક્સપિયરે તેની કારકિર્દી એક અભિનેતા અને નાટ્યકાર તરીકે શરૂ કરી હતી. તેમની કારકિર્દીના મધ્યમાં પ્લેગને કારણે થિયેટરો બંધ થઈ ગયા. તે સમય દરમિયાન શેક્સપિયરે કવિતા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. શેક્સપિયરે અંદાજે દોઢસો સોનેટ અને બે મહાકાવ્ય લખ્યા હતાં…
બે વર્ષ પછી શેક્સપિયર ફરીથી નાટકો લખવા ગયા, પરંતુ કંઈક બદલાઈ ગયું હતું. અગાઉ શેક્સપિયરે મુખ્યત્વે કોમેડી અને ઈતિહાસ લખ્યા હતા. કવિતા લખવા માટે સમય કાઢ્યા પછી તેમણે રોમિયો અને જુલિયટ તથા મેકબેથ જેવા નાટકો અને કરુણાંતિકાઓ લખી. આ પછીની કૃતિઓને અંગ્રેજી ભાષામાં લખાયેલી વિશ્ર્વની શ્રેષ્ઠ કૃતિઓ ગણવામાં આવે છે….

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.