હર ફ્રેમ કુછ કહેતી હૈ

ઇન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં…- દેવલ શાસ્ત્રી

આઉટ ઓફ ફ્રેમ જોવાને બદલે ફ્રેમને જ માણીએ

દુનિયાભરના મેનેજમેન્ટ ગુરુઓ સલાહ આપતા હોય છે કે ક્રિએટિવ લોકોએ આઉટ ઓફ ફ્રેમ વિચારવું જોઈએ. આપણે ફ્રેમની આઉટ પણ નથી વિચારવું કે ફ્રેમની ઇન પણ નથી વિચારવું. આપણે તો ક્રિએટિવિટી સમજવા માટે ફ્રેમ પર જ નજર નાખવી છે…
નેધરલેન્ડનો મહાન ચિત્રકાર વિન્સેન્ટ વેન ઘોગ એવું માનતો કે પોર્ટ્રેઇટ મૂલ્યવાન ત્યારે જ લાગે, જ્યારે ફ્રેમ પણ પોર્ટ્રેઇટ જેવી રિચનેસ ધરાવતી હોય. બીજા શબ્દોમાં કહીએ તો સારી ફ્રેમ વિનાનું પોર્ટ્રેઇટ જાણે શરીર વિનાના આત્મા જેવું લાગે. પોર્ટ્રેઇટની દુનિયા માટે એવું માનવામાં આવે છે કે ફ્રેમ તો પોર્ટ્રેઇટની વેદી છે…
શ્રીનાથજી કે અંબાજી જેવાં ધાર્મિક સ્થાનો પરથી કીમતી પોર્ટ્રેઇટ ખરીદીએ છીએ, જેની ફ્રેમ અત્યંત આકર્ષક હોય છે. આપણો પ્રોબ્લેમ એ છે કે ભગવાનનો કલાત્મક ફોટો ઘરે લાવ્યા પછી કઇ દીવાલ પર મૂકવો તે સૂઝતું નથી. ઘરની દરેક વ્યક્તિઓનો અભિપ્રાય અલગ અલગ હોય છે. તસવીર ક્યાં મૂકવી એ સમજ ન પડે ત્યારે વાસ્તુશાસ્ત્ર અથવા કોઈ માન્યતાનો સહારો લઇને જ્યાં ત્યાં ટીંગાડી દઇએ છીએ. કલાકોનો સમય આપીને પસંદ કરેલા ક્લાસિક પોર્ટ્રેઇટને સીધી લાઇનમાં ટીંગાડવું જોઈએ એ પણ ભૂલી જઇએ છીએ.
ક્ષુલ્લક કારણોસર ઘણી વાર આર્ટની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ વર્ક તેનું મહત્ત્વ ગુમાવી દે છે. ફ્રેમિંગ કેવી અને કેટલી સાઇઝની રાખવી, ક્યાં મૂકવી, એ ઘર કે ઓફિસ સજાવટમાં ચાલશે કે કેમ જેવા વિષયોની સમજદારી હોવી એ પણ આર્ટ છે.
ઘરને અનુરૂપ ડ્રોઈંગ રૂમમાં તસવીર કેવી હોવી જોઈએ, એના પર કયા મટીરિયલની ફ્રેમ હોવી જોઈએ જેવા વિષય પર દુનિયામાં અસંખ્ય વર્કશોપ અને સંશોધન થતાં હોય છે. ઈવન ફેમિલી ફોટોગ્રાફ કેટલી ઊંચાઈ પર રાખવો જોઈએ, ટેબલ પર મુકાયેલા ફોટાઓની ફ્રેમની ડિઝાઇન કેવી હોવી જોઈએ એનાય નિયમો છે.
બાળપણના ફોટા હોય કે હેન્ડ રાઇટિંગનું કલેક્શન, દાદા-દાદીની બ્લેક એન્ડ વ્હાઇટ યાદો અથવા જિંદગીની ગમતી પળોના ફોટાઓને વારંવાર જોવા કે ગમાડવા હોય તો ફ્રેમને આકર્ષક બનાવવી જોઈએ. ઇવન તમારા ગમતા પુસ્તક, પોસ્ટર કે મેગેઝિનનું કવર, તમારા સ્વ હસ્તાક્ષરે લખેલી કવિતા, લાગણીસભર પત્રો, સ્ટેમ્પ કલેક્શન જેવી હોબી, વતનનું ઘર અને ઘરવખરી, વિખૂટા પડેલા સ્નેહીઓ, કોઈ ગાંડોઘેલો પાડેલો ફોટો, રખડપટ્ટીઓ, હનીમૂનની યાદો, જૂની ફેશનના કપડામાં, આંખમાં આંખ નાખીને ઘર કે હોટલની બાલ્કનીમાં ચાની ચૂસકીઓ, રોમેન્ટિક મૂડમાં નશીલી આંખો… બહુ લાંબી યાદી છે… પણ યાદીઓને રોજેરોજ નજર સામે માણવા માટે સામાન્ય ફ્રેમ નહીં ચાલે… સ્પેશિયલ યાદોને કંડારવા ફ્રેમ પણ સ્પેશિયલ હોવી જોઈએ.
આકાર, કલર અને મટીરિયલનો પરફેક્ટ ઉપયોગ કરીને ડિઝાઇન ફ્રેમ સજાવશો તો સંસ્મરણો માણવાં ગમશે. સારી રીતે કંડારેલી યાદોને દીવાલ પર, ટેબલ પર કે બેડરૂમમાં મૂકશો તો તમને તરોતાજા રાખશે. તમારા ચહેરા પર સ્મિત લાવવા ફ્રેમ પસંદ કરવાનો ક્રાઇટેરિયા બનાવજો, નહીં તો અમૂલ્ય સંસ્મરણો ઘરના ખૂણામાં વિસ્મૃતિના ભંગાર બની જશે. તમે ફરવા ગયા હોવ અને તેમાં ગમતી તસવીરોનું ઝૂમખું છે તો આ તસવીરો ક્યાં લગાડવી, કેટલી સાઇઝનો ફોટો હોય તો તેની ફ્રેમ કેવી હોવી જોઈએ, ઇવન તમે ડ્રેસ કયા કલરનો પહેર્યો હતો એ મુજબ ફ્રેમ બનાવવી જોઈએ. પાંચ-દશ ડિઝાઈનર ફોટાઓ એક જ દીવાલ પર લગાવવાના હોય એના માટે ખાસ ફ્રેમિંગ પસંદ કરવી જોઈએ, દીવાલ પર ફોટાઓ વચ્ચેનું ડિસ્ટન્સ જાણકારની સલાહ મુજબ હોવું જોઈએ.
બર્થડે, ફેમિલી ફંક્શન હોય કે હાઇ રિઝોલ્યુશનવાળા લગ્નપ્રસંગના ફોટાને તેના કલર મુજબ નાજુક ફ્રેમ પસંદ કરીને નિશ્ર્ચિત ઊંચાઈ પર મૂકવી જોઈએ.
રૂટિન લાઇફમાં કંટાળો આવે ત્યારે ચેન્જ માટે બેડરૂમમાં પોર્ટ્રેઇટ કે ફોટોગ્રાફની ફ્રેમ બદલવાથી તાજગી મહેસૂસ થઈ શકે, ટ્રાય કરવામાં ક્યાં તકલીફ છે? બેડરૂમમાં વિશાળ ફ્રેમ મુકાવી જોઈએ કે કેમ, ક્યાં મૂકવી જોઈએ? માથા તરફની કે સામેની દીવાલ પર? કોનું અને કેવી સાઇઝનું પોર્ટ્રેઇટ મુકાય? આ વિચારવાને બદલે જ્યાં જગ્યા મળે ત્યાં ખીલી મારવાની આપણી વિશિષ્ટ આવડત છે, પરિણામે બેડરૂમને બદલે સ્ટોરરૂમ જેવો લાગે. બેડરૂમની સાઇઝ, લાઇટિંગ, ફર્નિચર, રૂમને ઉપયોગમાં લેનારાની માનસિકતા જેવાં પરિબળો મુજબ મુકાતા પોર્ટ્રેઇટ અને ફ્રેમની ડિઝાઇન માટે સ્પેશિયલ સાયન્સ છે, નિયમોનું પાલન કરીએ તો જ બેડરૂમમાં નજાકત લાગશે.
શોખ બડી ચીઝ હૈ, શોખીનોને બાથરૂમમાં આર્ટિસ્ટિક પેઇન્ટિંગ મૂકવાનો શોખ હોય છે. આ માટે ખાસ મેટલ કે ગ્લાસની ફ્રેમ મળતી હોય છે. ઇરોટિક કે મોડેલને આકર્ષક બતાવવા મીન્સ સેક્સી લુક્સ માટે તેના વળાંકો દેખાડવામાં આવે છે. બાથરૂમ જેવી અંગત જગ્યાએ કર્વવાળી ફ્રેમનું ચલણ છે. કર્વવાળી ફ્રેમમાં જે ભાગમાં ફોટોગ્રાફ સાંકડો થાય છે એ ભાગને ઓછા શ્રમથી જોઈ શકે છે. ફોટાના એ ભાગને હાઇલાઇટ કરવા કર્વવાળી ફ્રેમ વપરાય છે. કુછ સમજે?
ફ્રેમની દુનિયા આજકાલની નથી, ફ્રેમનો ભવ્ય ઇતિહાસ છે. આદિકાળમાં ગુફાઓમાં ભીંતચિત્રો દોરવામાં આવતાં હતાં. આ ચિત્રોમાં બોર્ડર નહોતી. ચિત્રોને નિશ્ર્ચિત વિસ્તાર દર્શાવવા માટે ફ્રેમની પરિકલ્પના વિચારવામાં આવી હશે. સમય જતાં પરિકલ્પના સાકાર થવા લાગી હશે. આધુનિક એવી વુડન ફ્રેમની પરંપરા બીજી-ત્રીજી સદીમાં ઈજિપ્ત અને ગ્રીસથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. તે સમયે પેઇન્ટિંગને દીવાલ પર દોરવામાં કે લગાડવામાં આવતું હતું, પેઇન્ટિંગની બોર્ડર નક્કી કરવા ફ્રેમનો ઉપયોગ શરૂ થયો હતો. ફ્રેમના ઇતિહાસમાં કબરોનો પણ સમાવેશ થયેલો છે. ત્રીજી-ચોથી સદી પછીનાં હજારેક વર્ષની ફ્રેમની દુનિયામાં નવા પ્રયોગો થવા લાગ્યા અને આર્ટિસ્ટિક ફ્રેમ બનવા લાગી. સમય જતાં યુરોપિયન ચર્ચ માટે મોટી સાઇઝની જાજરમાન ફ્રેમ બનવા લાગી. એ યુગના ધનિકોના ઘરના લાજવાબ પોર્ટ્રેઇટની ભવ્યતા દર્શાવવા અત્યંત કીમતી ફ્રેમ બનવા લાગી. ઘણી વાર તો ફ્રેમની ભવ્યતાને લીધે પોર્ટ્રેઇટ આકર્ષક લાગતું હતું.
ઈટાલીમાં ફ્રેમ પર અદ્ભુત કાર્વિંગનો યુગ શરૂ થયો. બ્રિટિશ યુગમાં ભારતીય રાજવીઓનાં ભવ્ય પોર્ટ્રેઇટ બનતાં, પણ એની ફ્રેમમાં યુરોપિયન અસર દેખાય છે. સોળમી-સત્તરમી સદીથી ફ્રેમની ડિઝાઇનમાં નજાકત આવવા લાગી. ધનિકોની હેવી ફ્રેમ ધીમે ધીમે ડાયેટ કરવા લાગી.
ફ્રાન્સમાં ફ્રેમ પાતળી અને નાજુક થવા લાગી. સમય જતાં કાર્વિંગનું પ્રમાણ ઘટતાં આમજનતા માટે ફ્રેમ સુલભ થઈ, બાકી ફ્રેમ અને પોર્ટ્રેઇટ રિચ લોકો માટેનું સર્જન હતું. પાછલાં દોઢસો-બસો વર્ષના દુનિયાભરના લોકોની જીવનશૈલી અંગે ફ્રેમમાંથી ઘણું જાણવા મળે છે. ફ્રેમ જે તે દેશ, તેની આબોહવા અને સમાજજીવનનું દર્શન કરાવે છે. યુરોપની ફ્રેમમાં મોડર્ન આર્ટનું કાર્વિંગ થતું એ સમયના યુરોપના દેશોની જાહોજલાલી દર્શાવતું. ફ્રેમની કળા યુરોપ કરતાં અમેરિકામાં અલગ પડવા લાગી.
અમેરિકામાં ખેતીનો વિકાસ થતાં તસવીરો બદલાવા લાગી. કુદરતી દૃશ્યોને બદલે અમેરિકન ખેતરોના ફોટા પ્રચલિત થયા, અમેરિકાના બદલાતા યુગના પોર્ટ્રેઇટને આકર્ષિત બનાવવા માટે ફ્રેમની પેટર્ન પણ બદલાવા લાગી. ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ફ્રેમ પર ગુલાબ, કમળ અથવા પર્ણોની ડિઝાઇન વિશેષ જોવા મળે છે. ગાંધીમૂલ્યોમાં સાદગીનું અનેરું મહત્ત્વ છે. મજબૂત અને આકર્ષક સાદી વુડન ફ્રેમમાં આપણા ખાદીધારી મહાન નેતાઓના ફોટાઓ સાદગી સાથે ભવ્ય લાગે છે.
આધુનિક સમયમાં પણ લગભગ અનઓર્ગેનાઇઝ અને કોપીરાઇટ વગરના ફ્રેમના બિઝનેસમાં આમજનતાનો સોએક વર્ષથી મજબૂત પ્રવેશ થયો. આમજનતા માટે મહદંશે ચોરસ કે લંબચોરસ ફ્રેમ બની, કારણ કે સરળતાથી બનાવી શકાય અને તેની કિંમત પરવડે. છેલ્લા દાયકાઓમાં સામાન્ય માણસ માટે મોલ્ડેલ્ડ પ્લાસ્ટિકની ફ્રેમ બજારમાં ચાલે છે. હવે તો ફ્રેમનાંય મ્યુઝિયમ બનવા લાગ્યાં છે. ફ્રેમ પર ધનિકોનો રસ વધતાં દુબઈમાં દુનિયાની સૌથી મોટી ફ્રેમ બની છે. દુબઈની વિશાળ ફ્રેમ અંદાજે ૧૫૦ મીટર ઊંચી અને ૯૩ મીટર સુધી ફેલાયેલી છે. વિશ્ર્વની સૌથી મોટી પિક્ચર ફ્રેમ બનાવવા માટે ૯,૯૦૦ ઘન મીટરથી વધુ રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ, ૨,૯૦૦ ચોરસ મીટર લેમિનેટેડ ગ્લાસ અને ૨,૦૦૦ ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મધુર યાદોને સજાવવા ભારતમાં હોમમેઇડ ફ્રેમનો કોન્સેપ્ટ ઓછો છે, ફ્રેમ આર્ટ માટે ઘણી તકો છે. ક્રિએટિવિટીનો શોખ હોય તો ફ્રેમ બનાવવાની કળા શીખવી જોઈએ અથવા રેડીમેડ ફ્રેમ ઉપર પેઇન્ટિંગ કે કાર્વિંગ કરીને મધુર યાદોને પ્રાત: સ્મરણીય કરી શકાય, કુછ સમજે?
****************
ધ એન્ડ
આજનું હોમ વર્ક: તમારા ઘરની દરેક ફ્રેમને શાંતિથી નીરખજો, વર્ષોથી એ કશું કહેવા તો નથી માગતીને?

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.