હ્યુગો: સંવેદનશીલ બાળવાર્તાનું વર્લ્ડ સિનેમા

ઇન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં-દેવલ શાસ્ત્રી

ઘરના વડીલો થકી બાળવાર્તાઓ સાંભળવાનો એક યુગ હતો. બાળવાર્તાઓમાં ધર્મ આધારિત મૂલ્યોની વાતો કહેવામાં આવતી હતી. છેલ્લી બે-ત્રણ સદીઓમાં દુનિયામાં ભારે પરિવર્તન આવ્યું. યાંત્રિક યુગમાં માણસ સ્ટ્રેસ સાથે જીવવા લાગ્યો. સંયુક્ત પરિવારો વિભક્ત થવા લાગ્યા. ભારત જેવા દેશોમાં બાળવાર્તાઓમાં આઝાદી, મહાત્મા ગાંધી અને ગ્રામ્ય જીવનની કથાઓ ઉમેરાવા લાગી. દુનિયા નજીક આવતાં એકબીજા દેશોનાં બાળસાહિત્યની આપ-લે
થવા લાગી.
પંચતંત્રની વાર્તાઓ, ઈશપની કથાઓ, અરેબિયન નાઇટ્સ કે દુનિયાભરમાં લખાયેલી બાળવાર્તાઓ વાંચીને કેટલીય જનરેશન મોટી થઈ છે. આ કથાઓમાં ઘૃણાને સ્થાન નથી. આ કથાઓ થકી બાળકોની ઇમેજિનેશન કરવાની ક્ષમતા વધે છે, એમાં પણ એક અભ્યાસ મુજબ છોકરાઓ કરતાં છોકરીઓ પરિસ્થિતિને વધુ સારી રીતે ઈમેજિન કરી શકે છે. વીસમી સદીના ત્રીજા-ચોથા દાયકામાં મોશન ફિલ્મોનું મહત્ત્વ વધવા લાગ્યું. મોશન ફિલ્મોમાં અનેક નવા વિષયો સાથે બાળકોને કેન્દ્રમાં રાખીને ફિલ્મો
બનવા લાગી.
એક રીતે કહીએ તો મોશન ફિલ્મોએ બાળકોની વાર્તાઓને મૂર્ત સ્વરૂપ આપ્યું. કલાકો સુધી ટીવી કાર્ટૂન માણેલી જનરેશન પેરન્ટ્સ બનવા લાગી છે. સવારે નાનાં બાળકોને તૈયાર કરી ટીવી કે મોબાઈલમાં કાર્ટૂન ફિલ્મો સામે ધરી દેવાની પરંપરા વંશપરંપરાગત ચાલવાની છે. એક મર્યાદામાં ખોટું પણ નથી, બાળક કાર્ટૂન ફિલ્મોમાં સમસ્યાઓ અને નિરાકરણ જુએ છે, કમસે કમ બાળકને ખુશ રાખે છે. આપણે ત્યાં બાળકોને ધ્યાનમાં રાખીને ‘તારે ઝમીં પર’થી ‘બ્લુ અમ્રેલા’ સુધી તથા ટીવી પર હનુમાનજી કે ગણેશજીને ધ્યાનમાં રાખીને પ્રયોગો થયા છે. આ ક્ષેત્રમાં હજી ઘણું થઈ શકે તેમ છે.
જોકે આજે અહીં એક હજાર વર્ષથી જીવંત એવી ગુજરાતી ભાષાની ફિલ્મોને પ્રેરણા મળે એવી એક વિદેશી ફિલ્મની વાત કરવી છે. ફિલ્મ ડિરેક્ટર સ્કોરસેસીએ ૨૦૧૧માં ફિલ્મોના ઈતિહાસ જેવા વિષયને સમાવીને એક શાનદાર બાળફિલ્મ બનાવી હતી, ‘હ્યુગો.’
ડિરેક્ટર સ્કોરસેસીનું બાળપણ અસ્થમા સાથે ઘરે રહીને ફિલ્મો સાથે ગુજરેલું. તેમના પિતા પૂરતી નવરાશમાં ઘણી ફિલ્મો દેખાડતા. ફિલ્મો જોતાં જોતાં ઇમેજિન કરવાની ક્ષમતા વધવા લાગી. ઘરમાં રહેલા સ્કોરસેસી માટે ફિલ્મો જ તેની ગુરુ, થિયેટર તેનું ગુરુકુળ. સ્કોરસેસીએ ‘ધ રેડ શૂઝ’ નામની ફિલ્મ જોયેલી, જેની તેમના પર ખૂબ અસર થયેલી. આ ફિલ્મથી પ્રેરણા મેળવી ઓસ્કાર સુધી યાત્રા કરનારા ડિરેક્ટર બન્યા.
એક બાળક ફિલ્મો જોતાં કલ્પનાઓ સાથે જીવી શકે છે, સ્વાનુભવની ફિલ્મોને ભાવાંજલિ આપવા તેમણે ‘હ્યુગો’ નામની બાળફિલ્મ બનાવી, આમ છતાં દરેક ઉંમરના વર્લ્ડ સિનેમાના ચાહકોને પણ આકર્ષિત કર્યા હતા. આ ફિલ્મ અગિયાર-બાર વર્ષના એક બાળક, જેનું ફિલ્મમાં નામ હ્યુગો છે તેની આસપાસ ફરે છે.
આમ તો આ ફિલ્મ થ્રીડી હતી, પણ મેં કોરોનાયુગમાં ઓટીટી પ્લેટફોર્મ પર ટુડીમાં જોઈ હતી. સિનેમા એટલે એન્ટરટેઇનમેન્ટ એવી છાપ છે, ‘હ્યુગો’ સિનેમાની એન્ટરટેઇનમેન્ટ કરતાં પણ એક ડગલું આગળ એવી આત્મિક અનુભૂતિની ચરમસીમા છે.
૨૦૧૧માં રિલીઝ થયેલી ‘હ્યુગો’ ફિલ્મ ૧૯૩૦ના દાયકાને દર્શાવે છે, પેરિસના પરાના રેલવે સ્ટેશનના બનેલા ફિલ્મના સેટ માટે આર્ટ ડિરેક્ટરને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાનું મન થાય. સ્ટેશન પરના શૂટિંગ દરમિયાન એવું જ લાગે કે આપણે યુરોપના પહેલા અને બીજા વિશ્ર્વયુદ્ધ વચ્ચે ફરી રહ્યા છીએ.
‘ધ ઇન્વેન્શન ઓફ હ્યુગો કેબરેટ’ નામની નવલકથા પર આધારિત આ ફિલ્મના ડિરેક્ટરનું પાગલપન તમને ત્રીસના દાયકામાં ખેંચી જાય છે. વર્લ્ડ સિનેમા શબ્દને અનુરૂપ સેટ ડિઝાઇન, સ્ટોરીલાઇન, સિનેમેટોગ્રાફી, મ્યુઝિક, એક્ટિંગ, ડ્રેસ સેન્સ પરફેક્ટ લાગે. બે વિશ્ર્વયુદ્ધ વચ્ચેના યુગને ધ્યાનમાં રાખીને લખાયેલી આ કહાણીમાં પેરિસના રેલવે સ્ટેશનની વાત છે. ફિલ્મકથામાં મનોરંજન માટેના બધા જ મસાલા છે. સસ્પેન્સ, ડ્રામા, એન્ટરટેઇનમેન્ટ સાથે અગેઇન સુપર્બ ઇમેજિનેશન… બાળફિલ્મ એટલે નિર્દોષતા, પરિવાર સાથે બેસીને માણવાની મજા.
‘હ્યુગો’ ફિલ્મની વિશેષતા એ છે કે એમાં કોઈ પાત્ર કે ભૌતિક ચીજ નિર્જીવ નથી. ફિલ્મના મુખ્ય પાત્ર હ્યુગો સાથે સ્ટેશન પરનું વિશાળ ક્લોક અને તેમાં થતો જીવંત ઘંટારવ છે. સ્ટેશનના ક્લોક હાઉસની બારીઓ પણ ફિલ્મ સાથે જીવંત છે, એ પણ કથાનો ભાગ છે. ફિલ્મનું વિશાળ ક્લોક મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે બે વિશ્ર્વયુદ્ધ વચ્ચે વિકાસ પામતા માનવજીવન અને વિજ્ઞાન વચ્ચે ઝોલાં ખાતું જીવંત લાગે.
ક્લાસિક ફિલ્મ ‘હ્યુગો’ની વાર્તા સીધી સાદી છે. ફિલ્મમાં ૧૯૩૦ના દાયકાની વાતો છે. મુખ્ય પાત્ર એવો હ્યુગો માતા ગુમાવી ચૂક્યો છે અને પ્રેમાળ પિતા સાથે રહે છે. હ્યુગોના પિતા મ્યુઝિયમમાં કામ કરે છે અને મશીન રિપેર કરે છે. તેના પિતા ફિલ્મોના અત્યંત શોખીન છે, તેના પિતા દ્વારા લ્યુમિયર બંધુઓને ભાવાંજલિ આપવામાં આવી છે.
આધુનિક ટેક્નોલોજી સાથે બનેલી ફિલ્મ છેક પ્રારંભિક ફિલ્મ સુધી પહોંચે છે, ૧૯૩૦ના દાયકાની પણ વાત કરીને ફિલ્મ મેકિંગની વાત કરે છે. ફિલ્મના માધ્યમથી હ્યુગો માને છે કે મશીનો, સમાજ અને સિનેમા એક માર્ગના મુસાફરો છે, જો ખામી સર્જાઈ હોય તો તેને દૂર કરવી, પણ યાત્રા અટકવી ન જોઈએ.
હ્યુગોના પિતા એક દિવસ માનવ જેવું મશીન લાવે છે, જે લખી શકે છે. મશીનને રિપેર કરવા સાથે મશીનની બાબતોને એક નોટમાં નોંધી રાખે છે. અચાનક એક આગ અકસ્માતમાં હ્યુગોના પિતા મરી જાય છે, હ્યુગો અનાથ બની જાય છે. હ્યુગો પાસે પિતાની યાદ સમાન મશીન અને નોટ બચી જાય છે. હ્યુગો તેના કાકા ક્લોડ સાથે રહેવા જાય છે. ક્લોડ દારૂડિયો છે, રેલવે સ્ટેશન પર વિશાળ ઘડિયાળમાં સમયસર ચાવી ભરવાની નોકરી કરે છે. હ્યુગો વિશાળ ઘડિયાળનાં મશીનો વચ્ચે પિતાની યાદ સમાન તૂટેલા માનવ રમકડાને રિપેર કરીને તેને ચલાવવા માટે પ્રયત્ન કરતો રહે છે, મશીનમાં પોતાનું ભવિષ્ય શોધતો હોય તે રીતે મશીનની ચાવી શોધે છે. તેનો કાકો ક્લોડ વિશાળ ક્લોકમાં ચાવી ભરવાનું કામ હ્યુગોને શીખવાડીને આખો દિવસ દારૂ પીને પડ્યો રહે છે. પેરિસ સ્ટેશનનો કાયદો છે કે બાળક પાસે કામ કરાવાય નહીં.
જો કોઈ અનાથ બાળક પકડાય તો તેને સ્ટેશન પર ફરતો કોમેડિયન જેવો અપંગ પોલીસ અનાથાશ્રમમાં મોકલી આપતો. હ્યુગો ગેરકાયદ કાકા સાથે રહેતો, પણ ભૂખ સંતોષવા કામ તો કરવું પડે. પોલીસની નજરથી દૂર રહીને સ્ટેશન પરની દુકાનોમાં કામ કરે છે. મશીન જેવી જિંદગી દર્શાવવા ઘડિયાળ, ચાવી, ગિયર બોક્સ, ગરગડીઓ, મોટાં ચક્રો વચ્ચે હ્યુગોને સૂતો દર્શાવ્યો છે. હ્યુગો મશીનો સાથે માનવસંબંધોનું મૂલ્ય સમજાવે છે. આખિર મોબાઈલ ભી તો મશીન હૈ…
સ્ટેશન પર એક રમકડાંની દુકાન છે, વાર્તાઓના મૂલ્ય સાથે બાળકો માટે જરૂરી રમકડાંઓની વાત પણ રજૂ કરવામાં આવી છે. એક દાદા આ દુકાન ચલાવે છે. દાદા એટલે ગાંધી ફેમ બેન કિંગ્સલે. દાદાની દસ-બાર વર્ષની
પૌત્રી છે, જે હ્યુગોની મિત્ર બની જાય છે. રમકડાંની દુકાનના માલિક દાદાને ફિલ્મો માટે રોષ છે, પૌત્રીને ફિલ્મો જોવા દેતા નથી.
બેન કિંગ્સલેની દુકાનમાં મજૂરી કરતાં હ્યુગો પિતાના બનાવેલા મશીન માટે પાર્ટ્સની ચોરી કરતાં પકડાઈ જાય છે, કિંગ્સલે હ્યુગોના પિતાની નોટ લઈ લે છે. કિંગ્સલેની પૌત્રી નોટ પાછી અપાવવાની હ્યુગોને પ્રોમિસ આપે છે. હ્યુગો તેના પિતાનું મશીન ચલાવવા કોશિશ કરે છે, સંજોગોવશાત્ મશીનની ચાવી પૌત્રીના પેન્ડલમાંથી મળે છે. બંને બાળકો મશીન ચાલુ કરે છે, મશીન એક સિનેગ્ચર કરે છે જે પ્રસિદ્ધ ડિરેક્ટરની છે. પૌત્રી આ સિગ્નેચર જોઈને કહે છે કે આ તો મારા દાદાની છે…
હ્યુગોને ખબર પડે છે કે બેન કિંગ્સલે ફિલ્મો બનાવતા હતા, તેમની રીલ સળગી જતાં બરબાદ થઈ જાય છે અને સિનેમાને નફરત કરે છે. ખોવાયેલી રીલ બાળકોની મદદથી પરત મળે છે, આ દરમિયાન અનેક ટ્વિસ્ટ આવતા જાય છે. હ્યુગોના કાકા મરી જાય છે, છતાં ઘડિયાળ સમયસર ચાલે છે એટલે સત્તાવાળાઓને શંકા જાય છે કે ઘડિયાળ કોણ ચલાવે છે. હ્યુગો ભાગે છે, પોલીસ તેને પકડે છે એ સમયે બેન કિંગ્સલે પોતાના પરિવારમાં તેને દત્તક લે છે. આ તોફાનમાં ટ્રેન પાટા પરથી પ્લેટફોર્મ પર ચડી જાય છે. સિમ્પલ, જિંદગીમાં તોફાન આવે તો ભલભલા ટ્રેક ભૂલી જતા હોય છે, તો ટ્રેન કી ક્યા ઔકાત?
એકલો પડી ગયેલો હ્યુગો જિંદગીના વાવાઝોડા સામે કોઈ જાતની ફરિયાદ વિના અજાણી દુનિયામાં પ્રેમથી ભળી જાય છે. લડાઈ, ઝઘડા અને વિવાદો સાથે સોશિયલ મીડિયામાં પેઢીઓ વ્યસ્ત રહેવા લાગી છે. જેમની પાસે સૌથી વધુ અપેક્ષા હતી, એવા ઘરના વડીલો સવારે પાંચ વાગ્યાથી મેની મેની ફોર્વર્ડ મેસેજ પાછળ લાગેલા છે. આપણે સહુએ ઇમેજિનેશન શીખવી શકે એવા પૂર્વજોની લેબોરેટરીમાંથી નીકળેલી બાળવાર્તાઓની નિર્દોષ દુનિયા સાચવવી પડશે. બાળકોને ક્રૂરતા શીખવીશું તો હ્યુગો જેવી ક્લાસિક કથા કેવી રીતે બનશે?
****************

ધ એન્ડ
આખું વિશ્ર્વ એક મોટું મશીન છે, મશીનોમાં વધારાના ભાગો હોતા નથી. જો આખું વિશ્ર્વ પણ એક મોટું મશીન હોય તો હું તેનો વધારાનો ભાગ ન હોઈ શકું. મારે કોઈ કારણસર અહીં આવવું પડ્યું, તેનો અર્થ એ છે કે તમે પણ કોઈ કારણસર અહીં આવ્યા હશો.
– હ્યુગો

 

5 thoughts on “હ્યુગો: સંવેદનશીલ બાળવાર્તાનું વર્લ્ડ સિનેમા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.