ઔર યે મૌસમ હંસીં – દેવલ શાસ્ત્રી
વૈશ્ર્વિક માન્યતા મુજબ લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે કેટલીક બાબતોમાં મતભેદ થતા હોય છે. જેમાં લગભગ સિત્તેર ટકા મતભેદોનું આજીવન કોઈ નિવારણ હોતું જ નથી…
આપણી વાત, ભારતીય લગ્ન મહ્દઅંશે તૂટતાં નથી. જ્યારે વિશ્ર્વમાં લગ્ન ટકાવી રાખવા જે સમજ આપવામાં આવે છે એનું આપણે ત્યાં ભાગ્યે જ પાલન થાય છે. નાની મોટી વાતમાં એકબીજાએ આભાર માનવો જોઈએ કે સવાર બપોરે અને સાંજે આઇ લવ યુ ના પાઠ કરવા જોઈએ, આપણે ત્યાં પતિ-પત્ની વચ્ચે એવી સિસ્ટમ જ નથી… ઇવન સારા લગ્નજીવન માટે અવારનવાર ગિફ્ટ આપવી જોઈએ અથવા કારણ વગર એકબીજાએ સ્પર્શ કરવો જોઈએ… અહીં આ બધું કરવા કોની પાસે સમય છે? અને સમય હોય તો દાનત પણ નથી.
દંપતીએ મોબાઈલ, ટીવી, પિયરિયાં કે સાસરિયાં છોડીને એકબીજા માટે
ક્વોલિટી સમય આપવો જોઈએ… આ કશું ન હોવા છતાં મોટેભાગે ભારતીય લગ્નો
ટકાઉ છે…
અહીંની કેમેસ્ટ્રીમાં કોઈ ખાસ તત્ત્વ છે, જે ફેવિકોલની જેમ જોડી રાખે છે.
એની વે, લગ્નજીવનની વાત કરવા માટે એક શરતનું પાલન થવું જરૂરી છે… એ છે લગ્ન કરવા… આપણે ત્યાં લગ્ન સહિત અવિરત પ્રસંગો અને ઉત્સવોની મજા પરિવારને બાંધી રાખે છે.
હાલ મેરેજ સિઝન ચાલે છે, આપણે ત્યાં લગ્ન એટલે ચાર પાંચ દિવસનો જલસો, મોજમસ્તી અને નાચવા-ગાવા અને ફેશનનો તડકો….
હાળું ફેમિલીના કપડાંઓમાં તો કાર આવી જાય એટલા મોંઘા… પરણવાવાળા તો ચાર દિવસ પ્રસંગો કરે પણ આપણે કેટલા કપડાં લેવાના… ક્યો ડ્રેસ ક્યારે પહેરવો એ ભોળિયા ભાઇઓને કદી ખબર પડી નથી… હજી પણ મોટાભાગના પુરુષ માનવા જ તૈયાર નથી કે પંદર પચ્ચીસ હજારનો કૂર્તો તો કંઈ લેવાય?
સગાંઓને ચાર દિવસના પ્રસંગે ચાર જણાના લાખ રૂપિયાના તો કપડાં જ
થાય, પૈણવાવાળાના ઘરનું તો બીલ જ
ના પૂછાય. યાદ રાખજો, એક દિવસ
મોંઘાદાટ કપડાં માટે લોન ઓફર કરતાં ફોન આવશે…
લગ્ન પ્રસંગે સૌથી વધુ મજા કોણ માણતા હોય છે? ફોટોગ્રાફરો… ખાલી નાચવાનું જ બાકી રાખે છે, બાકી બધામાં રિટેક પર રીટેક કરાવે…
આજકાલ એક બે નથી હોતા પણ પાંચ સાત યુવા ફોટોગ્રાફરો હોય… કોણ વીડિયો ઉતારે છે કે કોણ ફોટા પાડે છે એ સમજાતું જ નથી હોતું….
આપણા જેવા ભોળિયા લોકોના ફોટા પાડતા હોય ત્યારે તેમના કમનસીબે આપણાં ડાચાં મોબાઈલમાં જ હોય… એટલે ફરી ઊંચું જોવાનું, ખોટેખોટું મરકવાનું… ફોટોગ્રાફર જાય એટલે પાછા મોબાઇલવાસી…
ફોટોગ્રાફરો જેટલા નખરા કરાવે એટલું ઓછું… ગોર મહારાજ પણ કહી દે કે વિધિ પતવાનો આધાર ફોટોગ્રાફરો છે. બચારો વરરાજો કે’દાડાનું પૈણું પૈણું કરતો હોય પણ ફોટોગ્રાફરો ક્ધયાને છોડે તો ને? ક્ધયા પણ ફોટા પડાવ પડાવ કરે રાખે… નખરાળી…. ચોંપલી, જાણે ફોટા વગર રહી જવાની હોય. ક્યારેક એકાદ વડીલનો પારો જાય પછી પરિસ્થિતિ ઠેકાણે પડે.
એમાં પણ પ્રિવેડિંગ ફોટોગ્રાફ શો રાખ્યો હોય તો એવું લાગે કે હનીમૂન જવાનો ખર્ચ કરવાની જરૂર લાગતી નથી… ડોલ ભરીને પાણી રેડે, બીચ પર કે સારા સ્પોટ પરની રોમેન્ટિક ફોટોગ્રાફી…. પ્રિવેડિંગના કેટલાક સ્ટુડિયો લાખો રૂપિયા વસૂલતા હોય છે. નવદંપતીની શરૂઆત જ હોટી નોટી હોય, મઝાની લાઇફ છે… પ્રિવેડિંગના નામે જલસા કરી લેવા… લોકો તો બોલ્યા કરે. આવા રોમેન્ટિક લગ્ન થયા હોય તો બંધાયેલા રહેવાનું મન થાય.
આખા પ્રસંગને બધા શાંતિથી માણતા હોય ત્યારે સૌથી જલદી કોને હોય? ચાંલ્લો લખનારાને હોય… એને એવું હોય કે ક્યારે છૂટું….
ખાનગી પેઢીમાં નોકરી કરતો હોય એમ બદલીમાં કોકને હાજર કરીને માંડ ભોજન માટે જાય…. પિક ટાઇમ પર કલેક્શનની જવાબદારી હોય, એ છોડીને ના જવાય…
એક અભ્યાસ મુજબ ચાંલ્લો લખવાવાળામાં મહ્દઅંશે શિક્ષણ જગત અથવા બૅંકની દુનિયામાંથી જ આવતા
હોય છે.
ઇન શોર્ટ, સુમધુર ચોકસાઈ સ્વભાવગત હોવાને કારણે શિક્ષકોએ સારા ચાંલ્લો લખવાવાળા આપ્યા છે… ચોપડામાં ખાના પાડે તો એ પણ સૈદ્ધાંતિક. નામ માટે મોટું, ગામ માટે મીડિયમ, પૈસા માટે નાનું ખાનું… શિક્ષકજીવોનું બધું કામ સિસ્ટમેટિક હોય….
ચાંલ્લાવાળા રાત્રે સાડા બાર સુધી લખ લખ કરે, ને અઢાર રૂપિયાનો હિસાબ બેસતો ન હોય… ઓછા હોય તો ઉમેરી પણ દેવાય… અહીં વધારાના થાય, પ્રોફિટ હોય… આ અઢાર રૂપિયા કોના હશે એ માટે ત્રણ ચાર વખત ફરી ફરી હિસાબ કરીને તાળો મેળવ્યા જ કરે…
ગંભીર વદન ધરાવતા આ ચાંલ્લો લખવાવાળાને કદાચ એવું હોય કે પ્રસંગનો ખર્ચો કાઢવાની જવાબદારી એમની હોય, જાણે કલેક્શનનું ટાર્ગેટ આપ્યું હોય… લખવાવાળા વરઘોડામાં નાચે ય નહીં, સાવ ગંભીર વદને ખર્ચો જોયા કરે… એમને કદાચ એવું થાય કે અમે ભેગું કરીએ છીએ ને આ લોકો ઉડાવી દે છે….
જેને ત્યાં પહેલો પ્રસંગ હોય એ બિચારો લાલ પેન લાવવાનું ભૂલી ગયો હોય, ખાસ બનાવેલા પાકીટમાં અંદર થોડું પરચૂરણ
અને છૂટા પૈસા મૂકવાનું ભૂલી ગયો
હોય ત્યારે આ સિઝન્ડ ચાંલ્લા લખવાવાળા આખા ગામની સલાહોનો ધોધ
વરસાવી દે…
કેટલાક ચાંલ્લો લખવાવાળા ભારે પંચાતિયા… બચારો ચાંલ્લો લખાવવા આવ્યો હોય એની ઊલટતપાસ કરે…. છોકરાનું કેમ છૂટું થઈ ગયું? બાપા કેમ ના ગયા, ગયા વરસે તો સાજા હતાં… કેમ આટલો જ વહેવાર લખાવે છે? સંબંધ ઓછા થઈ ગયા છે? બધી પંચાત…
આ બધામાં એક પ્રજાતિ સાવ બિનધાસ્ત ફરતી હોય. એ છે કોણ? મંડપ સર્વિસવાળા… એને કશું પણ કહો એટલે ફિક્સ જવાબ હોય, “થઈ જશે… ખરા ટાઇમે મળે જ નહીં….
છેક છેલ્લી ઘડી સુધી કામ કરતાં હોય. જેવો આપણો પ્રસંગ પતવા આવ્યો હોય ત્યાં જાણે શું ય ટાઇમ મેનેજમેન્ટનું પાલન કરતાં હોય એમ ઉથાપવા ય માંડે…. કાલની તૈયારી કરવાની છે… તો ગઇકાલે કરવી હતીને… અહીં છેલ્લી ઘડી સુધી શું કામ વળગ્યો હતો?
બાકી રહ્યા પેલા ડીજેવાળા… એમને ખાલી ડ્રમ કે બાઝ વાગવું જોઈએ, ગાયન કોઇ પણ હોય… વરઘોડામાં ય તું કીસી ઓર કી હો ગઇ વગાડે રાખે અને નાચવાવાળાને કશો ફેર ના પડે…
જાનનો ઇતિહાસ પણ શાનદાર છે.
પચાસ સો વર્ષ પહેલાંની જાનો બે પાંચ
દિવસ ક્ધયાના ગામે રોકાતી, છેક ઘરે પરત આવે ત્યાં સુધી નાચગાન થતાં. હવે તો વરઘોડાનો સમય કલાક કે બે કલાકનો થઈ ગયો…
આપણે ત્યાં વરઘોડામાં ય અલગ અલગ રિવાજો છે. રાજસ્થાનમાં મોટેભાગે નાચતા ગાતા પુરુષો જ જતાં, પંજાબમાં આખા રસ્તા પર બધા નાચતા જતાં.
ગુજરાતીઓએ એમાં મોડિફાય કરીને ખાતા, ‘પીતા’ અને નાચતા ઘોડા, બગીથી માંડી હાથી પર જવા લાગ્યા… ઉત્તર ભારતનું વરઘોડા કલ્ચર આખા ભારતમાંથી વિદેશો સુધી વિસ્તરવા લાગ્યું છે….
દુનિયાભરના લોકોને આપણી મેરેજ સ્ટાઇલ ગમે છે. આ તો ભારતનો સોફ્ટ પાવર છે, જે કરોડોનો બિઝનેસ લાવી શકે એવું… ઓવરઓલ કોરોનાયુગમાં પણ મેરેજ કનેક્ટેડ ઇન્ડસ્ટ્રી પચાસ બિલિયન ડોલરનો બિઝનેસ કરશે…..
જેમના માટે પ્રસંગ છે માનવંતા ગેસ્ટો… નિકટના મિત્રો સંબંધીઓ છોડતાં અત્યંત અઘરી પ્રજાતિ એટલે ગેસ્ટો… સિઝનમાં માંડ બે લગ્નમાં ગયા હોય પણ વારેવારે કહેતા ફરે કે, થાકી ગયા આ વર્ષે…. બસ હવે તો કાલથી ખીચડી ખાવી છે….
વરક્ધયાના માતાપિતા જેમના માટે ટેન્શન લઈને ફરતા હતા, આ ગેસ્ટો નામની પ્રજાતિને પ્રસંગમાં કોઈ રસ જ નથી હોતો. ચાંલ્લો કરે, ભોજન અને બે ચાર ઓળખીતા મળ્યા એટલે પત્યું…
અમુક મહેમાનો તો ટીકા કરવા જ સર્જન પામ્યા હશે. મજેદાર ભોજન હોય તો પણ એક જમાનાની ફૂલવડી, મોહનથાળ કે ઇવન દેખાવડી પીઆર ટીમ હોવા છતાં પંગત અને પતરાળા જ યાદ કરે…
લગ્નોને શાનદાર ઉત્સવ બનાવવામાં અને વિશ્ર્વમાં પ્રસિદ્ધ કરવામાં ફિલ્મો અને ફિલ્મી સંગીતનો આગવો ફાળો છે. ફિલ્મોએ વિવિધ ભારતીય કલ્ચરનું મસ્ત ફ્યુઝન કરીને નવા નવા રિવાજો, ભોજનો, ફેશન, પ્રસંગો, ગીતસંગીત અને આનંદનો ખજાનો ય ખોલ્યો છે…. બસ હસતા રહો, ખીલતા રહો, માણતા રહો…
ધ એન્ડ:
હિન્દી ફિલ્મોના ડોક્ટરોની વિશેષતા એ કે હિરોઇનની નસ પકડીને કહી દે કે, તુમ માં બનનેવાલી હો…
– જાવેદ અખ્તર
Nice Artical