ઔર યે મૌસમ હંસીં…-દેવલ શાસ્ત્રી
ઝરમર વરસાદ હોય, રોમેન્ટિક સોંગ્સ ચાલતા હોય, વાઇપર પણ સંગીતના રિધમમાં ચાલતા હોય…. આપણે વ્યસ્ત જીવનમાં કારમાં રખડવાની મજા પણ ભૂલતા જઇએ છીએ. કાર તો જાણે રવિવાર માટે જ હોય. સાચું કહું તો આપણી અંદરનાં ઝરણાં સુકાવાં લાગ્યાં છે. લોંગ ડ્રાઇવના પ્રેમને કાલીદાસના સાહિત્યમાં શોધવો પડે એ રીતે આજકાલ ખોવાયો છે.
ફિલ્મો અઢી ત્રણ કલાકમાં વિષય અનુરૂપ આર્ટ દર્શાવતા હોય છે. લાઇફમાં ડ્રાઇવિંગ એવો વિષય છે જેમાં લગભગ ફિલ્મો જેવું હોય છે. ડ્રાઇવિંગ મૂડ મુજબ હોય છે, સ્પીડ સાથે લેવાદેવા નથી પણ આખો દિવસ નિરાશાજનક રહ્યો હોઇ ડ્રાઇવિંગ ત્રાસદાયક લાગે.
દિવસમાં સારી ઘટનાઓ બની, ગમતી કંપની બાજુમાં હોય તો મૂડ અલગ જ હોય… ડ્રાઇવિંગનો જલસો એક સાથે બધી આર્ટનો અનુભવ કરાવતું હોય છે… ડ્રાઇવિંગ એટલે આર્ટ ઓફ કોન્સનટ્રેશન, વાતોના વડા, બિઝનેસ ડિસ્કશન, ફેમિલી બોન્ડિંગ, પરિવાર સાથે ખી ખી ખી કરવાની ઓરડી, ઘરની વાતો કરવાનું સલામત સ્થળ, ગમતું મ્યુઝિક, સ્પીડ સાથે થ્રિલને સાથે રાખીને જાતનું જોખમ લેવાની કળા છે.
કોઇને ત્યાં લગ્નમાં સજીધજીને નીકળ્યા હોય તો એની મજા અલગ છે, લગ્ન પહેલાં કે ગર્લફ્રેંડ બોયફ્રેન્ડ વાળું ડ્રાઇવિંગ અલગ હોય છે. સુંદર મહિલાઓ હોય ત્યારે રિસ્ક લેવાનો સ્કેલ બદલાતો હોય, બધા ઊંઘતા હોય ત્યારે અલગ ટેસ્ટ હોય. એ જ કારમાં બીજા દિવસે બેસણામાં જવાનું થાય તો મૂડ અને ડ્રેસિંગ પણ અલગ હોય. રોમેન્ટિક સોંગ્સ પણ મોક્ષ માટે સર્જાયા હોય એવું લાગ્યા કરે. હા, સ્કૂટર પરથી શરૂ થયેલી કરિયર કાર સુધી પહોંચે અને સ્ટ્રેસ સાથે જીવતા હોય તો સંતાનોએ હોટલમાં પાર્ટી આપવા કરતાં પચીસમી એનિવર્સરી ઉજવવા ખાસ ફૂલોથી સજાવીને રોમેન્ટિક સોંગ્સ સાથે લોંગ ડ્રાઇવ પર મોકલવા જોઈએ, તો કદાચ સુકાયેલા પ્રેમનાં ઝરણાઓ
ફરી ફૂટે.
બાય ધ વે, આ તો તમારી વાત. તમે જે ફોર વ્હિલર્સ મિન્સ કાર ખરીદો છે એ એના જીવનમાં ૯૫% સમય પાર્કિંગમાં આરામ જ કરે છે. કદાચ મુંબઈ જેવા મહાનગરમાં તો એનાથી પણ વધુ સમય તમારી કાર આરામ કરતી હશે. આમેય પેટ્રોલ ડિઝલ સેન્ચ્યુરી મારતા હોય ત્યારે ટ્રાફિકમાં કલાકો ઊભા રહેવું પડે તો બીજું કરીએ પણ શું? બહેતર છે કે કાર ઘરે જ આરામ કરે.
એમાં પણ શહેરોમાં માણસ એક વર્ષમાં દોઢ દિવસ તો બિચારો ટ્રાફિક અને સિગ્નલમાં અટવાયેલો હોય છે. મિન્સ એવરેજ જિંદગીના પાંચ છ મહિના…
સિગ્નલ અને ટ્રાફિકમાં ફસાયો હોયને ઘરેથી પૂછે કેટલીવાર લાગશે? એક તો સિગ્નલ પાસે
લઘુશંકા જોર પકડતી હોય… અને બે વાર ગ્રીન લાઇટ થયા પછી ત્રીજીવાર નંબર આવતો હોય….. કોને કહેવી વ્યથા? ઘરમાં પહોંચે ને સીધો ભાગે વ્યથા ખાલી કરવા. આ ય જલસો છે, માણો ડ્રાઇવિંગની મજા….
એક અભ્યાસ તો એવું કહે છે કે મેસોપોટિયામાં પૈડું શોધાયું, જે માત્ર માટીકામ એટલે કે માટલા બનાવવા માટે ઉપયોગી હતું.
આ શોધ પછી ત્રણ ચાર સદી પછી રથ કે ગાડામાં પૈડું લાગ્યું… આ પહેલાં તો જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ શોધાઇ ચૂકી હતી, મિન્સ રથ શોધાતા પહેલાં દારૂ આ દુનિયામાં પ્રવેશી ગયો હતો… કદાચ ત્યારે પણ હોર્ડિંગ લાગતા હશે કે વાહન ચલાવતી વેળાએ વ્યસનોથી દૂર રહેવું.
કાર લેવા જનારનો એક સવાલ કોમન હોય છે…. કેટલા હોર્સ પાવરની છે, એવો કોમન સવાલ પુછાતો હોય છે. એક ઘોડાની તાકાત મિન્સ એક હોર્સપાવર (૦.૭ ઇંઙ) જેટલી હોતી નથી.. શું સમજ્યા? ઘોડો અને ઘોડાની તાકાત બંને અલગ વસ્તુઓ છે. સામાન્ય રીતે આપણે બારસો તેરસો હોર્સપાવરની કાર ફેરવીએ છીએ.
જાણકારો એવું પણ કહે છે કે તમારા ડ્રાઇવિંગ શોખની કાર જો વર્ષમાં બે પાંચ હજાર કિમી જ ફરવાની હોય તો ટ્રક ખરીદવી જોઈએ, લાંબા ગાળે સરખું જ છે….આ અંગે તમે શું માનો છો? ખરા વેપારી હોવ તો કરો કેલ્ક્યુલેશન. સરેરાશ ત્રીસેક હજાર પાર્ટસ ધરાવતી કારનું લાઇફ ભારતીય કન્ડિશનમાં દશ વર્ષનું હોય છે… હવે કેલ્ક્યુલેટર પકડીને વ્યાજ, એવરેજ, નુકસાની સાથે ગણતરી કરો…. તો સમજો જો કાર તરીકે જ ગણતરી રાખવી હોય તો નીકળો ને લોંગ ડ્રાઇવ પર…
પાછા ગણતરીમાં અકસ્માત ન ગણાય તો ઠીક, બાકી ૧૮૮૫માં કારનો પહેલો અકસ્માત થયો ત્યારે કાર પાંચ છ કિમીની ઝડપે ચાલતી હતી અને ઝાડ સાથે અથડાઈને મોક્ષ પામી હતી…
અકસ્માતથી બચવા સો વર્ષ પહેલાં શોધાયેલા કાર માટેના રેડિયો પર યુરોપમાં પ્રતિબંધ પણ આવ્યો હતો, આપણે લાખ રૂપિયા તો સાઉન્ડ સિસ્ટમ પાછળ નાખી દઇએ છીએ.
ડ્રાઇવિંગ શોખ પર મનોચિકિત્સક અભ્યાસ કરવાનું છોડે? એક જમાનામાં લોકો એવું માનતા કે જેનું રફ અને હાઇ સ્પીડ ડ્રાઇવિંગ હોય એ સેક્સી અને રફટફ હોય, ફિલ્મોએ આ સાબિત કરવામાં કસર છોડી નથી.
સાઇકોલોજીવાળાઓના મતે જે માણસ ડ્રાઇવિંગ કરતી વેળા હતપતિયો હોય, વારંવાર રેડિયો સ્ટેશન બદલતો હોય, ફોન લઇને ગાડી ચલાવે, અકારણ હોર્ન મારતો હોય… એક સાથે અનેક પ્રવૃત્તિ કરતો હોય એ ડ્રાઇવરનો ભરોસો કરવો નહીં, કુછ સમજે? જે ગાડી ચલાવતા લેન બદલતો હોય, અકારણ ઓવરટેક મારતો હોય, ગીઅર બદલતો રહેતો હોય એ માણસના જીવનમાં ધ્યેય જેવી વસ્તુ હોતી નથી… આના કરતાં સાવ ઊલટી પરિસ્થિતિ વિચારીએ. જે સામાન્ય ઓવરટેક પણ ન કરી શકે, સાઇડ પર જ વાહન ચલાવે… એના માટે શું વિચાર આવે છે? ઠંડાગાર?
મનોવૈજ્ઞાનિક એવું પણ માને છે કે કાર ચલાવતા સાવ સ્ટિરીયોટાઇપ પણ ન થાવ અને સૌથી અગત્યનું સૂચન એ છે કે, તમારી કાર પણ કશું કહેતી હોય છે. ઘણીવાર ચેતવતી હોય છે એટલે એને નિયમિત સાંભળવાની ટેવ પાડો.
હા, કાર લઇને એડ્રેસ શોધવામાં ભૂલા પડવામા પુરુષો આગવી વિશિષ્ટતા ધરાવે છે. બેઝિક ઇગો પ્રોબ્લેમ… જો એ સ્થળ પર અગાઉ મુલાકાત લીધી હોય અને છતાં રસ્તો ન મળતો હોય તો પણ પુરુષોને એડ્રેસ પૂછતાં નથી. જ્યારે સ્ત્રીઓ ગૂગલમેપ હોય તો પણ રસ્તો પૂછી લે. એક અભ્યાસ મુજબ સ્ત્રી રિવર્સ સરખી રીતે કરી શક્તી નથી, અગેઇન ઇગો પ્રોબ્લેમ હશે… લગ્ન કરેલાઓને ખબર જ હશે કે જે વાત કહે એ માનવી જ પડે. આ બધી હળવી વાતો છે, બહુ દિલ પર લેવી નહીં.
વૈશ્ર્વિક અભ્યાસ એવું કહે છે કે, સ્ત્રીઓ માર્ગ પર નિયમોનું પાલન કરતી હોય છે, ઓવરસ્પીડ કરતી નથી તેથી અકસ્માતનું પ્રમાણ પુરુષો કરતાં ત્રણ ગણું ઓછું છે. પુરુષોના અકસ્માત માટે વ્યસન મોટું પરિબળ છે. સરવાળે ડ્રાઇવિંગના તમામ ક્રાઇટેરિયા સ્ટડી કરવામાં આવ્યા તો પરિણામ અલગ જ મળ્યું. સ્ત્રીઓ કરતાં પુરુષોનું ડ્રાઇવિંગ સેફ માનવામાં આવે છે….
શોખ અને જરૂરિયાત માટે દુનિયામાં રોજ અંદાજે બે લાખ કાર બનાવવામાં આવે છે, પચાસેક હજાર કાર તો એકલું ચીન જ બનાવે છે. એ પછી જાપાન, જર્મની અને સાઉથ કોરિયા…. ભારત છેલ્લા એક દાયકાથી પાંચમા ક્રમે છે.
એની વે, કોરોના પછીની વ્યસ્ત જિંદગી હોય તો થોડા રખડો. હકીકત તો એ પણ છે કે ડ્રાઇવ કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે…. કારમાં ગમતાં ગીતો સાંભળવાની મજા માણો, લોંગ ડ્રાઇવ કરતાં રહો…ઘણા પરિવારો માટે કાર એમનું બીજું ઘર જ સમજો.
કારમાં ગમતા માહોલમાં પહોંચવું, પાર્ક કરવી. કારમાં અડધું કિચન સાથે નાનો ટેન્ટ રાખવો. આજકાલ સબ્જી અને ઇલેક્ટ્રિક સગડીની સગવડ કોમન થવા લાગી… દરિયા કિનારે, નદીના તટે, પહાડીના ઘાટમાં કે ખેતરની મોકળાશમાં ઇન્સ્ટન્ટ બ્રેડ બટર, મેગી કે સેન્ડવીચ રેડી કરવા સાથે કૉફીની મજા લો. આજકાલ રખડવાની શોખીન પ્રજાતિઓ કારમાં ફોલ્ડિંગ ચેર કે નાના ટેન્ટ પણ મુકાવા લાગી છે, એ પણ ફ્રિજ સાથે…
તો કોની રાહ જુઓ છો? યાદ રાખજો, એક્સિલેટર પર પગ પડી શકે છે અને બ્રેક કંટ્રોલમાં છે ત્યાં સુધી જ મોસમ મસ્તાના હૈ… ગુલાબી ઠંડીમાં ગોલમાલ કરતી જિંદગીની અમોલ પળોમાં બુદ્ધત્વની એક વાત યાદ રાખજો…
“આને વાલા પલ જાને વાલા હૈ, હો શકે તો ઇસમેં જિંદગી બીતા દો… પલ જો યે જાને વાલા હૈ…. ઉ
ધ એન્ડ:
વાંસ જાણે પ્રકૃતિના નિયમોથી વિરુદ્ધ હોય એવું લાગે છે. ભગવાને વાંસને ફળ ફૂલ નથી આપ્યાં, એના બદલામાં અકલ્પનિય નાદ આપ્યો છે. વાંસળી પાસે શુદ્ધ, સહજ અને પ્રકૃતિની નિકટતાનો અનુભવ થાય એવો ધ્વનિ છે…
– વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા