આખો પરિવાર જ્યારે સાથે મળી પ્રવાસે જાય ત્યારે તેનો આનંદ અલગ હોય. ઘણીવાર વેકેશનમાં એક સોસાયટીના લોકો કે સંબંધીઓ ગ્રુપ બનાવી પર્યટન માટે આયોજન કરતા હોય. હવે આ ગ્રુપમાં મોટી ઉંમરના સભ્યોથી માંડી પાંચૃછ વષર્ના ટેણીયા પણ હોય. સ્વાભાવિક રીતે બધાની પસંદ અલગ અલગ હોવાની. બાળકોને ખાલી મંદિરોમાં દર્શન કરવાનું કે પૂજાપાઠ કરવાનું ન ગમે, તો યંગ કપલ હોય તેમણે દરિયા કિનારે હાથમાં હાથ પરોવી ફરવું હોય અને ફોટા પાડવા હોય જ્યારે ટેણીયાઓને રાઈડ્સ હોય, બોટિંગ હોય તો સાચવી શકાય, બાકી તેઓ કંટાળી જાય. ઓછો સમય, મર્યાદિત બજેટ અને ઘણી બધી ફરમાઈશો. મિડલ ક્લાસનો વેકેશન પ્લાન તો આ રીતે જ થાય ને ? ત્યારે ચાલો તમને એક એવું સ્થળ સજેસ્ટ કરીએ જે તમામની ખ્વાહીશો પૂરી કરશે. દર્શન થશે, ભક્તિભાવ જાગશે, દરિયાના મોજાં સાથે ગેલ કરાશે ને બોટિંગ ને રાઈડ્સ પણ. આ સાથે પ્રકૃતિનું સાનિધ્ય અને સોરઠનું લિજજ્તદાર ભોજન. આ સ્થળ છે સૌરાષ્ટ્રમા આવેલું યાત્રાધામ દ્વારકા.
દ્વારકાધીશના દર્શન ને ભક્તિભાવનું ઘોડાપુરઃ તમે ધર્મમાં માનો કે ન માનો, મંદિરે જવું ગમે કે ન ગમે, ભારતના પ્રાચિન મંદિરોમાં જશો એટલે ભક્તિભાવ આપોઆપ જન્મશે. શિલ્પકલાના સુંદર નમૂના સમા આ દ્વારકાધીશના મંદિરના દર્શનનો લાભ લઈ વરિષ્ઠ સભ્યોની એક ધામની યાત્રા પૂર્ણ થઈ જશે. લગભગ 4500 વર્ષ જૂના દરિયાકિનારે વસેલા આ મંદિરનો નજારો પણ મનને ગમી જાય તેવો છે. અહીં દર્શનના સમય નક્કી હોય છે. આ સમયે દર્શન કરી આસપાસની માર્કેટ તમે એક્સપ્લોર કરી શકો અને હા, પ્રસાદ લેવાનુ ભૂલશો નહીં.
નાગેશ્વરમ જ્યોતિર્લિંગ
મહાદેવનું આ ધામ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે આવેલું છે. બાર સ્વયંભૂ જ્યોતિર્લિંગમાનું એક નાગેશ્વર મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ પિવત્ર ધામ પાસે જ 25 મીટર ઊંચી ભગવાન શિવની પ્રતિમા અને મોટો સુંદર બગીચો પણ છે, જે બાળકોને ગમશે અને તમને પણ આરામથી બેસવું અહીં ગમશે. અહીં મંદિરની નજીક આવેલા ગોપી તળાવનું પણ અનેરું મહાત્મ્ય છે.
બેટ દ્વારકા
દ્વારકાના દરિયાકાંઠે આવેલા એક નાનકડો ટાપુ પર વલ્લભાચાર્યએ મંદિરની સ્થાપના કરી હતી. ભગવાન ક્રૃષ્ણ દ્વારકાના રાજા બન્યા ત્યારે અહીં જ રહેતા હોવાનું માનવામાં આવે છે. આનું ખરું નામ ભેટ દ્વારકા છે કારણ કે આ સુદામા એ મિત્ર કૃષ્ણને ભેટમાં આપ્યું હોવાની માન્યતા પણ છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ અચૂક અહીં બેટ દ્વારકા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. જોકે અહીં જવા માટે બોટમાં જવું પડે છે. વધારે શ્રદ્ધાળુ હોય ત્યારે અમુક સમયે નિયમોને નેવે મૂકી બોટમાં વધારે લોકો બેસાડાતા હોવાનું તેમ જ બોટમાં ચડવા ઉતરવાનું જોખમી હોવાની ફરિયાદ ઘણીવાર થઈ છે. આથી જો અહીં આવું અશિસ્ત દેખાય તો તેનો ભાગ ન બનતા. યોગ્ય વ્યવસ્થા હોય તો જ જવું. વળી, મોડી સાંજે અહીં બોટ મળવાનું મુશ્કેલ હોવાથી બને તો દિવસ દરમિયાન જવાનું સલાહભર્યું છે.
રુકમણી દેવી મંદિર
2500થી વધુ વર્ષ જૂનું આ રુકમણી મંદિર ઐતિહાસિક છે. અહીં ગર્ભગૃહમાં માતા રુકમણીની મૂર્તિ સ્થાપિત છે. મંદિર પર નરથરસ એટલે કે માનવ આકૃતિઓ અને ગજથરસ એટલે કે, હાથીની આકૃતી કંડારવામાં આવી છે. આ મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ ખૂબ જ સુંદર છે. દ્વારાકાથી થોડું દૂર હોવાથી અહીં અત્યંત શાંત વાતાવરણનો અનુભવ થાય છે.
શિવરાજ બીચઃ દ્વારકાથી માત્ર બાર કિલોમીટર દૂર આ બીચ પર્યટકો માટે ખૂબ જ સરસ નજરાણું છે. અહીંનો બ્લ્યુ દરિયો તમને એટલો ગમી જશે કે વિદેશ જવાની જરૂર નહીં પડે. અહીં એડવેન્ચર રાઈડ્સ છે, સ્કૂબા ડાઈવિંગથી માંડી સન બાથ લઈ શકો છો. કંઈ ન કરો અને અહીંની ભેખડો પર બેસી દરિયાને જોતા રહો તો પણ દિવસ ક્યા પસાર થઈ જાય તેની ખબર નહીં પડે. ગુજરાત સરકાર પણ આ બીચને વિકસાવી રહી છે. અહીં સવારે આઠથી સાંજે સાત સુધી રહી શકો છો અને ખૂબ જ મામૂલી ફીમાં મજા માણી શકો છો. તો બાળકો-યુવાનો બધાને મજા પડી જશે અને સેલ્ફી-ફોટોગ્રાફી એટલી થશે કે મોબાઈલની સ્ટોરેજ કેપેસિટી ઓછી પડવા માંડશે.
જામનગર શહેરની સફરઃ આમ તો ઓખા દ્વારકા ટ્રેન તમને મળી રહેશે, બસ કે ખાનગી વાહનોના વિકલ્પ હોય છે, પણ જો તમારે દ્વારકા નજીક આવેલા શહેરને એક્સપ્લોર કરવું હોય તો જામનગર સૌથી સરસ શહેર છે. તમારી પાસે બીજો વિકલ્પ પણ છે. તમે સીધા જામનગર જાઓ અને પછી ત્યાંથી બસ અથવા ખાસ વાહનો દ્વારા કે ટ્રેન દ્વારા બે દિવસ દ્વારકા જાઓ ને ફરીથી અહીં આવો. દ્વારકાથી લગભગ 90 કિમી દૂર જામનગર શહેરમાં પણ ઘણા આકર્ષણો છે. સૌથી પહેલા તો તમને આ બન્ને સ્થળ વચ્ચેની મુસાફરી જ ગમી જશે. ઠંડો પવન, પહોળા-સપાટ રસ્તા અને રસ્તાની બન્ને બાજુ વિશાળ પવનચક્કીનો નજારો પ્રવાસનો થાક નહી્ં લાગવા દે. જામનગર પહોંચતા પહેલા રિલાન્સ રિફાઈનરી અને ટાઉનશિપ બહારથી જોઈ શકાશે. તે બાદ શહેરમાં લાખોટા તળાવ, બાલા હુનમાન સહિત પ્રાચિન મંદીરો સહિતના આકર્ષણો છે. સાથે મહિલાઓ માટે બાંધણીની ખરીદીની એક અલગ જ મજા છે. આ સાથે અહીંની સૂળી તેમ જ કાજલ ઘણા વખણાઈ છે. રહી વાત ખાવાની તો ચટપટા ઘુઘરાથી માંડી મુખવાસ સુધીની લાંબી યાદી છે, જે ત્યાં જશો એટલે આપોઆપ તમને પોતાની તરફ ખેંચશે.
તો વધારે વિચાર કરશો નહીં. હાલમાં તો પરીક્ષાની મોસમ ચાલી રહી છે. પરીક્ષા પૂરી થાય, વેકેશન પડે, નોકરીમાંથી રજા મળે ને આખા પરિવાર કે મિત્રમંડળને ફરવા જવાનું થાય તો સૌરાષ્ટ્રની આ દેવભૂમિ દ્વારકા શ્રેષ્ઠ વિકલ્પ છે. તો બોલો દ્વારકાધીશ કી જય…