Homeઉત્સવબચત માટેનું આકર્ષણ: પ્રોત્સાહન ચાલુ રાખવામાં સાર

બચત માટેનું આકર્ષણ: પ્રોત્સાહન ચાલુ રાખવામાં સાર

સેવિંગ કલ્ચરનું સ્થાન સ્પેન્ડિંગ કલ્ચર લઈ ન લે એનું ધ્યાન રાખવું જોઈએ

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

કોવિડના કારમા ત્રણેક વરસ, એ પછી રશિયા-યુક્રેન યુદ્ધની કડવી અસરો, યુએસ, યુરોપ, અને ચીનની અલગ સમસ્યાઓ તેમ જ અલગ નકારાત્મક ઈમ્પકેટ વચ્ચે એક માત્ર ભારત દેશ એવો રહયો છે, જેણે વિકાસની ગતિને જાળવી રાખી છે. આર્થિક માહોલને એકંદરે મજબૂત રાખ્યો છે. આ વરસ પૂર્ણ બજેટનું છેલ્લું વરસ હતું, કેમ કે આવતા વરસે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આમ ઓવરઓલ ગ્લોબલ સંજોગો વચ્ચે મોદી સરકારે કોઈપણ બોજ વિનાનું અને સાથે- સાથે વિકાસને વેગ આપતી અનેકવિધ જાહેરાતો કરતું બજેટ આપીને હાલ તો લોકોને રાજી કર્યા છે. તેમ છતાં કેટલીક બાબત ધ્યાન ખેંચે એવી છે. આ બાબત બચત અને રોકાણ સંબંધી હોવાથી તેની ચર્ચા જરૂરી છે. બજેટમાંથી આ વિષયમાં કે સંકેત મળે છે યા તેનું જે અર્થઘટન થાય છે તે સમજવા જોઈએ.
બજેટમાં જેની જોરશોરથી જાહેરાત કરાઈ, જેની મધ્યમ વર્ગને વિશેષ પ્રતિક્ષા હતી, જેની જાહેર થવાની આશા પણ ઊંચી હતી એ જોગવાઈ એટલે આવકવેરાની રાહત. આ જાહેરાત કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ ઉત્સાહ બતાવ્યો હતો. આ જાહેરાત લગભગ બજેટ પ્રવચનના અંતમાં થઈ અને એ પછી માર્કેટ પણ અધૂરી સમજ સાથે ઉત્સાહમાં આવીને ઝડપથી વધવા લાગ્યું. આના થોડા સમય બાદ સમજ ફેલાતા માર્કેટમાં કરેકશન શરૂ થયું અને માર્કેટ હરીફરીને જયાં હતું ત્યાં આવી ગયું.
આટલી લાંબી ભૂમિકા બાંધવાની જરૂર એ પડી કે, આવકવેરાની મુકિતમર્યાદા વધારીને સાત લાખ રૂપિયાની કર્યા બાદ જે ઉત્સાહ મધ્યમ વર્ગ અને માર્કેટમાં જોવાયો હતો એ એક મહદઅંશે ભ્રમ સમાન હોવાનું બહાર આવવા લાગ્યું. અલબત્ત, આ મુકિતમર્યાદા વધારાઈ છે એ ખરું, કિંતુ તેનાથી બહુ ઝાઝો લાભ થવાની શકયતા
ઓછી છે.
કારણ કે બજેટે બે ટેકસ રિજીમ (કર પ્રણાલી) ની પ્રથા ચાલુ રાખી છે અને નવી પ્રથાને બાય ડિફોલ્ટ કરી રાખી છે, એટલે કે જો કરદાતા એમાં એક વાર ભાગ લે તો જૂની પ્રથામાં તરત ન જઈ શકે અને આ નવી પ્રથામાં તેને આવક વેરા ધારાની વિવિધ જોગવાઈ હેઠળના એકઝમ્પશનના લાભ મળે નહીં. આ એકઝમ્પશને કે રિલીફ એટલે વીમાની પ્રીમિયમની રકમ, ૮૦ સી હેઠળના રોકાણની રકમ, મેડિકલેઈમ, પીપીએફ, ટેકસ સેવિંગ સ્કિમ્સ, વગેરે સમાન કરરાહત કે મુકિત મળે નહીં. અર્થાત્ ચોકકસ ગણતરી કરતા સમજાય કે જૂની કરપ્રણાલીમાં જ રહેવાથી ભલે મુકિતમર્યાદા જૂની રહે, કિંતુ વિવિધ કલમ હેઠળના રાહત લાભ ચાલુ રહે.
નાણાં બચશે કે ખર્ચમાં જશે?
બજેટમાં એવી જાહેરાત થઈ કે હવે લોકોના હાથમાં નાણાં વધુ બચશે, જેને કારણે વપરાશ વધશે, આ બાબત વેપાર-ઉધોગ માટે સારી અસર ઊભી કરશે, કિંતુ આ અર્ધસત્ય ગણાય. મોંઘવારી ઓલરેડી એટલી છે કે બચતની શકયતા બહુ ઊંચી નહીં રહે. ખાસ કરીને આપણા દેશમાં સોશિયલ સિકયોરિટી જેવું નહીં હોવાથી લોકોએ હેલ્થ ઈન્સ્યુરન્સ, જીવન વીમા સહિત કેટલાંક બચત-રોકાણ સલામતીની દૃષ્ટિએ અને ઈમરજન્સીની દૃષ્ટ્રિએ પણ પ્લાન કરવા પડતા હોય છે.
લોકો શૅરબજાર અને ફંડસના ભરોસે જ રહે એવું બની શકે નહીં કારણ કે તેમાં જોખમ રહે જ છે. અદાણી ગ્રૂપનો દાખલો તાજો છે, જયાં એક ઝાટકે યા
ગણતરીના દિવસોમાં મોટું મૂડી ધોવાણ થઈ જાય છે. અલબત્ત, જોખમ વિના કંઈ સંભવ નથી, તેમ છતાં માનવ સમાજને સલામતી માટે આયોજન જરૂરી લાગતું હોય એ સ્વાભાવિક છે.
આ સંકેત સમજવા જરૂરી
અમુક વરસ બાદ કેન્દ્ર સરકાર આવકવેરા બાબતે અત્યારે મળતી વિવિધ રાહતોને નાબૂદ કરી નાંખશે, જેની સામે આવકવેરાની મુકિતમર્યાદા ફરી વધારશે, પરંતુ કર બચાવવા માટે મધ્યમ વર્ગ ફરજિયાત જે બચત-રોકાણ કરતો હોય છે, તે બચત-રોકાણનું પ્રોત્સાહન રહેશે નહીં. આનો સીધો અર્થ એ થઈ શકે કે ભવિષ્યમાં બચત રોકાણ માટે શેર, બોન્ડસ, સોનું, મ્યુચ્યુઅલ ફંડસ વગેરે જેવા સાધનો જ રહેશે. આપણા સમાજનો મધ્યમ વર્ગ કરરાહત કે કરબચત નિમિત્તે આ બધાં બચત-રોકાણ કરતો રહયો છે, જે તેમને ઈમરજન્સીમાં કામ આવી શકે છે અને કામ આવતું રહયું છે, આ પરિબળ ધીમે-ધીમે નીકળી જશે અથવા નામશેષ થઈ જાય તો નવાઈ નહીં.
બચત કલ્ચરનું ટકવું આવશ્યક
સરકારે ભારતીય સમાજના વિશાળ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી આવકવેરામાં રાહતો ચાલુ રાખવી જોઈએ. પણ આ બજેટમાંથી લાંબે ગાળે આ બધી રાહતો નહીંવત રહેશે કે પછી નામની રહેશે એવી શકયતા વધુ છે. દરેક નાગરિકે વધુ સક્ષમ બનવું પડશે, જોખમ લેતા શીખવું પડશે. આર્થિક સંજોગોને સાનુકૂળ અને ટેકારૂપ રાખવા અલગ વિશેષ આયોજન કરવું પડશે. આપણા દેશની પ્રજામાં જે બચત કલ્ચર છે તે નવી ટેકસ પ્રણાલી હેઠળ ધીમે-ધીમે છૂટતી જવાની શકયતા છે. આમ પણ યુવા વર્ગમાં બચત પ્રત્યે આકર્ષણ ઓછું અને ખર્ચ પ્રત્યે વધુ છે. આ જનરેશન જલસામાં માને છે, ભારતીય ઈકોનોમી સ્પેન્ડિંગ ઈકોનોમી બનતી જાય છે. લાઈફ સ્ટાઈલ એક મોટો ખર્ચ બોજ બની રહયો છે, કિંતુ કલ કી ફીકર કોન કરે જેવા લક્ષ્ય સાથે યુવા વર્ગ વિદેશી કલ્ચર, ખાસ કરીને અમેરિકન કલ્ચર અપનાવતો જાય છે. આજે અમેરિકામાં શું ચાલી રહયું છે એ આપણે જોઈ રહયા છીએ, સ્પેન્ડિંગ ઈકોનોમી પર નભતું અમેરિકા હાલ સૌથી વધુ કરજ ધરાવતો દેશ છે. આપણો સમાજ-આપણી સંસ્કૃતિ આ દિશામાં આડેધડ આગળ વધતી જશે તો શું પરિણામ આવશે તેની કલ્પના હાલ કઠિન છે, કિંતુ વાસ્તવિકતા કઠિન હશે એવું અનુમાન કરી શકાય. અમારું માનવું છે કે ભવિષ્યમાં એકઝમ્પશન યા રાહત ન રહે તો પણ લોકોએ વીમા-હેલ્થ બાબત સહિત આકસ્મિક સંજોગો માટે બચતનું ચલણ ચાલુ રાખવું જોઈએ.
કઈ ટેકસ પ્રણાલી સારી?
આવકવેરાની નવી પ્રણાલી અને જૂની પ્રણાલી વચ્ચે કયાં વધુ લાભ છે એ સામાન્ય કરદાતા સરળતાથી સમજી શકશે નહીં. તેમણે ટેકસ ક્ધસ્લટન્ટની સલાહ લેવાની થશે, બીજું એ કે દરેક વ્યકિતની આવક-જાવક જુદી હોઈ શકે, ભાવિ પ્લાન જુદા હોઈ શકે, ખર્ચ અને જવાબદારીનું પ્રમાણ પણ અલગ-અલગ હોઈ શકે. તેથી કોની માટે કઈ પ્રણાલી સારી એ સમજવું મહત્ત્વનું રહેશે. અહી એ પણ યાદ રાખવું જોઈશે કે સરકારનો લાંબા ગાળાનો ઉદ્દેેશ ફિઝિકલ એસેટસમાંથી લોકોને ફાઈનાન્સિયલ એસેટસમાં રોકાણ તરફ વાળવાનો છે. તેમ છતાં પગારદાર વર્ગ અને મર્યાદિત આવક સામે મોટી જવાબદારી ધરાવતા વર્ગે ટેકસ પ્રણાલીની પસંદગી સમજી-વિચારીને કરવી રહી.
સિનિયર સિટિઝન્સને સારી રાહત
બજેટે સિનિયર સિટિઝન્સને બચત માટે ૮ ટકા વ્યાજવાળી સ્કિમમાં રોકાણ મર્યાદા વધારી આપી છે. જે ૧૫ લાખની હતી તે હવેપછી ૩૦
લાખ સુધીની થશે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ મન્થલી ઈન્કમ સ્કિમમાં પણ રોકાણ મર્યાદા ૪.૫ લાખ રૂપિયાથી ડબલ કરીને ૯ લાખ રૂપિયાની કરી છે. જોઈન્ટ એકાઉન્ટ માટે આ મર્યાદા ૯ લાખ રૂપિયા સુધીની કરાઈ છે. આમાં તેમને ૭.૧ ટકાના દરે મહિને વ્યાજ વધુ વ્યાજ મળતું રહેશે. આ બંને યોજના વરિષ્ઠો માટે સારી -સલામત છે. જો કે આની સામે હેલ્થના ખર્ચ સતત વધી રહયા છે. વર્તમાન મોંઘવારી સામે આ બહુ મોટું રક્ષણ ન ગણાય. અને હા, આટલી મોટી રકમ રોકી શકનારા સિનિયર સિટિઝન્સ પણ કેટલાં? નાના-મધ્યમ વર્ગમાં આવુ રોકાણ કરી શકે એવા વરિષ્ઠ નાગરિકો ઓછાં હશે. તેમ છતાં આ અવશ્ય કદમ સારું કહી શકાય.
મહિલાના નામે બચત-રોકાણ તક
બજેટે મહિલાઓ માટે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ જાહેર કરી છે, જે આવકારદાયક ચોકકસ ગણાય. જો કે આ યોજનામાં માર્ચ ૨૦૨૫ સુધી જ ભાગ લઈ શકાશે. આ યોજનામાં વ્યાજદર ૭.૫ ટકા છે. મહિલા આમાં બે લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકશે. આમાં વચ્ચે આંશિક ઉપાડની સુવિધા પણ રહેશે. અનેક લોકો પરિવારની મહિલાઓના નામે પણ આ રોકાણ કરવા પ્રેરાશે એમ કહી શકાય. અલબત્ત, વર્કિંગ મહિલાઓ માટે પણ આ સારી બચત કહેવાય. સરકાર ભવિષ્યમાં આને લંબાવી પણ શકે છે. અહી એ નોંધવું રસપ્રદ રહેશે કે સરકારે આ બજેટમાં સેવિંગને પ્રોત્સાહન આપી બચત યોજનાઓ મારફત સારું એવું ભંડોળ ઊભું કરવાનું આયોજન રાખ્યું હોય એવું બની શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular