Homeરોજ બરોજસાવધાન અમેરિકા: અગ્નિએ દઝાડ્યા, ઠંડીએ થીજાવ્યાં!

સાવધાન અમેરિકા: અગ્નિએ દઝાડ્યા, ઠંડીએ થીજાવ્યાં!

રોજ બરોજ -અભિમન્યુ મોદી

અમેરિકા અને કેનેડા પર આભ અને ધરાતલ બન્ને તરફથી આફતનો મારો થઇ રહ્યો છે. દૈનિક કોરોના ૭-૧૦ કેસ નોંધાય છે. એક સપ્તાહમાં ૫૦૦ લોકોને કોરોનાએ શિકાર બનાવ્યા છે. લોકો આ વૈશ્ર્વિક સમસ્યાનો સામનો કરે ત્યાં તો હિમવર્ષા, હિમ તોફાન, હિમ પ્રપાત, બરફનું તોફાન સહિતના પ્રત્યેક શબ્દોના સમન્વય સમો ‘બોમ્બ ચક્રવાત’ વિસ્ફોટની જેમ ફાટ્યો છે અને ચારેકોર બરફની ચાદરને ફેલાવી દીધી છે. બરફના તોફાનની તીવ્રતાને કારણે વિશ્ર્વના સૌથી ઊંચો અને વણથંભ્યો નાયગ્રા ધોધ પણ થીજી ગયો છે. ઘર અને રસ્તાઓ પર ૮ ફૂટ લાંબો બરફ જામી ગયો છે. ૬૫ લાખથી વધુ લોકો પાસે વીજળી અને પાણી નથી. ‘બોમ્બ ચક્રવાત’ અમેરિકાનાં ૫૦ રાજ્યમાંથી ૪૮ને પોતાની લપેટમાં લઈ ચૂક્યું છે. અડધું ન્યૂ યોર્ક બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે આતુર અમેરિક્ધસની ઉજવણીની ઈચ્છા-આકાંક્ષા બાજુ પર રહી ગઈ છે. યુએસ-કેનેડા સરહદે આવેલો ૩૨૦૦ કિલોમીટરનો આખો પટ્ટો અતિવિનાશક બરફના કારણે ગાયબ થઈ ગયો છે. ગુજરાતથી ૩ ગણા મોટા અને અમેરિકા-કેનેડાની સરહદે આવેલાં પાંચ મોટાં સરોવરો સુપીરિયર, મિશિગન, હ્યુરોન, એરી અને ઓન્ટારિયો ગાંડા થયા છે. સરોવરની અંદર રહેલા જળમાં દક્ષિણ ધ્રૂવથી આવતા બરફના ઠંડા પવનોના કારણે બરફનું તોફાન આવ્યું છે. ૨૬ ફૂટ ઊંચાં મોજાં ઉછળી રહ્યાં છે તેથી આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. આવી પરિસ્થિતિ આવી કેમ?
સમયનું ચક્ર ૩ વર્ષ પાછળ લઈ જઇએ. કોરોનાની પ્રથમ લહેરમાં જયારે જગત જમાદારની ભૂમિ પર લોકડાઉન લાગેલું હતું. ત્યારે વાતાવરણમાં શુદ્ધિની ચપટીક તસવીરો અને અમુક સમાચારો આબોહવાના ગુલાબી સ્વાસ્થ્યની ઝાંખી થતી હતી, પરંતુ વાતાવરણમાં આવતા પરિવર્તનનો તાગ મેળવવા અમેરિકન વૈજ્ઞાનિક નાસાની જાણ બહાર સંશોધન કરી રહ્યા હતા. વર્ષોથી અમેરિકામાં શિયાળા દરમિયાન દક્ષિણ ધ્રૂવથી બરફના ઠંડા પવનો ફૂંકાય છે. આ સમસ્યા ત્રિમાસિક છે. ધીરેધીરે કુદરત જાતે જ કડિયાકામ કરી પવનોને શાંત કરે છે. પરંતુ પવન ફૂંકાય જ નહીં તો કેવું રહે. આ કુ-વિચાર સાથે ટ્રમ્પના શાસનમાં બાયોલોજિકલ, ન્યુક્લીયર, ઈલેક્ટ્રોનિક એમ તમામ પ્રકારના સંશોધન કરવામાં આવ્યા. પ્રયોગ તો સફળ ન થયો પરંતુ પ્રકૃતિની જૈવિક ઘડિયાળ ગોટાડે ચડી ગઈ. અને ‘આર્કટિક બ્લાસ્ટ’ની ઘટના બની. જેમાં દક્ષિણથી આવતો પવન તીવ્ર ગતિથી ફૂંકાવા લાગ્યો અને ‘બોમ્બ ચક્રવાત’ સ્વરૂપે ત્રાટક્યો.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થોડા સમય પહેલા એફબીઆઈના અધિકારીઓએ કર્યો હતો. જેનો ઉપયોગ અમેરિકાની મધ્યસત્રની ચૂંટણી દરમિયાન ટ્રમ્પ વિરુદ્ધ બાઈડેન સરકારે કર્યો હતો.બાઈડેન ચૂંટણી તો જીતી ગયા પરંતુ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં તેમણે દુર્લક્ષતા દાખવી અને તેની પરિણામ સમૂળગું અમેરિકા અને કેનેડા ભોગવી રહ્યું છે. આજે હજારો ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને કેટલાક વિસ્તારોમાં તો તાપમાન માઈનસ ૪૫ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. ઘણાં શહેરોમાં તો પર્વતો પર જામે એ રીતે બરફ જામી ગયો છે. કેનેડામાં ઓન્ટારિયો અને ક્યુબેકની હાલત સૌથી ખરાબ છે. આ બંને વિસ્તારોમાં સંપૂર્ણ અંધારપટ છે. કેનેડામાં બ્રિટિશ કોલંબિયાથી શરૂ કરીને ન્યુફાઉન્ડલેન્ડ સુધીના બાકીના વિસ્તારોમાં લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. પ્રકૃતિ દ્વારા ઘરના દ્વાર પર બરફ રૂપી તાળું વસેલું છે. એટલે લોકો લાચાર બનીને જેલવાસ ભોગવે છે, પરંતુ ક્યાં સુધી આ સ્થિતિ અટકશે નહીં તો લોકો ઘરમાં જ થીજી જશે! જેમને કોરોના થયો છે તેની સારવાર પણ અટકી ગઈ છે.
અમેરિકા અને કેનેડા બંને બરફનાં તોફાનોથી ટેવાયેલાં છે પરંતુ બોમ્બ ચક્રવાત તોફાનના પિતામહ સમાન છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કરેલા કુદરત સાથેના ચેડાં વિનાશક સાબિત થઈ રહ્યા છે. સમયચક્રને ૭ મહિના પાછળ લઈ જઈએ તો આ એ જ અમેરિકા છે જ્યાં ઉનાળાની ગરમી આગ ઓકી રહી હતી. અમેરિક્ધસ સળગતા મકાનો, પીગળતા રસ્તા અને આગની ચપેટમાં આવી ગયેલી ગાડીઓના વીડિયો વાઇરલ કરી રહ્યા હતા. રેલવેના ટ્રેક ગરમીને કારણે પહોળા થવા લાગતા ટ્રેન વ્યવહારને અસર થઈ હતી. એરપોર્ટ પર રનવે પીગળી જતાં અનેક ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી. લાખો હેકટર જમીનમાં આવેલા જંગલો ભયાનક આગમાં સાફ થઈ ગયા હતા. કાયમ ઠંડીથી ટેવાયેલા અમેરિકા માટે ગરમી ઘાતક નીવડી હતી. આજે ઠંડીનો આંતક આગની જેમ ફેલાઈ રહ્યો છે.
અમેરિકાને ભૂલીને ભારત પર નજર કરવામાં આવે તો અહીંયા સ્થિતિ તદ્દન વિપરીત છે. ડિસેમ્બરનું પહેલું પખવાડિયું પૂરું થાય ત્યાં સુધી ચોતરફ બરફથી ઘેરાઈ જતાં ઉત્તરાખંડ હિમાલયનાં શિખરો આ વખતે હજુ સૂના છે. ભૂમધ્ય સમુદ્રમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીરમાં હિમવર્ષા કરીને મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યું છે. આ સંજોગોમાં હાલ ઉત્તરાખંડના ૨૫૦૦ મીટરની ઊંચાઈએ આવેલા હિલ સ્ટેશનો પર પણ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી છે. નૈનિતાલ, મસૂરી, રાનીખેત, ચકરાતા અને મુક્તેશ્ર્વરમાં તો લઘુતમ તાપમાન પણ ચારથી પાંચ ડિગ્રી વધુ છે. આ સ્થળોએ ડિસેમ્બર મધ્ય સુધી લઘુતમ તાપમાન શૂન્યથી ચાર ડિગ્રી હોવું જોઈએ, જે હાલ સાતથી નવ ડિગ્રી સુધી છે. ચાર હજાર મીટરની ઊંચાઈએ આવેલા પહાડ જેવા કે હર કી દૂન, ગૌમુખ, સૂરકંડા અને ઓલી પર પણ હજુ સુધી હિમવર્ષા નથી થઇ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનનો માર્ગ ભટકાઇ જવાના કારણે ઉત્તરાખંડના ગ્લેશિયરોના સ્નો રિચાર્જમાં સંકટ સર્જાયું છે. જો સ્નો રિચાર્જ ના થાય તો સમયાંતરે ગ્લેશિયર વધુ પીગળવાનું જોખમ રહે છે.
આજે પ્રકૃતિ વીજળી વેગે તેની જૈવિક ઘડિયાળમાં પરિવર્તન લાવે છે અને મનુષ્ય પાંગળા બનીને તેનો ઘા સહન કરી રહ્યા છે. મૌસમ વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે વર્તમાન સદીમાં સૌથી મોટું જોખમ વધી રહેલા તાપમાનનું જ છે. એટલા માટે આગામી કેટલાંક દાયકામાં ધરતીના તાપમાનમાં ધરખમ ફેરકારો આવશે. તેની સામે સાવચેતીના પગલાં લેવાય છે? પર્યાવરણને બચાવવા માટે સંમેલનો અને શિખર બેઠકો તો વર્ષોથી થાય છે પરંતુ શક્તિશાળી રાષ્ટ્રો પોતાના સ્વાર્થોને લઇને ધરતીને બચાવવાના કોઇ પ્રયાસમાં સહકાર આપતાં નથી. શ્રીમંત રાષ્ટ્રો પર્યાવરણની પરિસ્થિતિ કથળવાના દોષનો ટોપલો ગરીબ રાષ્ટ્રોના માથે ઓઢાડી દે છે. દુનિયાના અર્ધાથી પણ વધારે દેશોમાં પ્રશાસનની ઉદાસીનતા અને લાપરવાહીના પરિણામે જ દર વર્ષે વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવા કુદરતી પ્રકોપ ત્રાટકે છે અને ભયંકર વિનાશ સર્જાય છે. આવી કુદરતી આફતોમાં જાનમાલનું નુકસાન થાય કે ખેતીના પાકને અસર થાય એની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પણ પડે છે.
ખરેખર તો કુદરત સાથે લોકોએ જે પારકો વ્યવહાર કર્યો છે એના જવાબમાં કુદરત પણ હવે સાવકો વ્યવહાર કરી રહી છે. આજે ક્લાયમેટ ચેન્જની વાતો તો થાય છે પરંતુ એ માટે જરૂરી પગલાં લેવામાં આવતા નથી. હકીકતમાં કુદરત સાથે ચેડાં કરવાના પરિણામ ક્લાયમેટ ચેન્જના કયા સ્વરૂપમાં સામે આવે એ કહી શકાય એમ નથી. એ જ કારણ છે કે હવામાન વિભાગ પણ પૂર કે દુષ્કાળની પરિસ્થિતિની આગાહી કરવામાં નિષ્ફળ નીવડે છે.
અત્યારે અમેરિકા અને કેનેડાના નાગરિકોની હાલત ખરાબ છે જયારે ચક્રવાત પીક પર પહોંચશે ત્યારે શું થશે તેની ચિંતા સૌને સતાવી રહી છે. ‘બોમ્બ ચક્રવાત’ ખતરનાક સ્વરૂપ ધારણ કરે તો પાંચસો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઠંડા તોફાની પવનો ફૂંકાઈ શકે. આ પવનો મોટી મોટી ઈમારતો, પાવર પ્લાન્ટ્સ વગેરેને ધરાશાયી કરી શકે છે. તોતિંગ બાંધકામો તૂટી શકતાં હોય તો સામાન્ય લોકોનાં ઘરોની તો કોઈ વિસાત જ નથી. એવું થાય તો કેટલાં લોકો મરે તેની કલ્પના જ થથરાવી નંખનારી છે.
આર્થિક પ્રગતિની દોટમાં કોઇપણ દેશ પોતાની ઔદ્યોગિક કામગીરીને નિયંત્રિત કરવા માટે ઇચ્છુક નથી. મોટા મોટા કારખાના સ્થાપવા અને નદીઓ, પહાડો, જંગલો જેવા કુદરતી સંસાધનોની ફિકર કર્યા વિના સડકો, વસાહતો અને બજારો ઊભા કરવાની જાણે હોડ મચી છે. એવામાં કુદરતી આફતોથી થતા નુકસાનથી બચવાના કામચલાઉ ઉપાયો તો કરી લેવામાં આવે છે પરંતુ કુદરતી આફતો આવતી અટકાવવા માટેના ઉપાયો પ્રયોજવામાં આવતા નથી. જે સમય જતા આ કુદરતી આફતો સામાન્યથી લઇને જીવલેણ રૂપ ધારણ કરે છે. ત્યારે માનવીએ સાવચેત થવાની જરૂર છે. જોકે પર્યાવરણ પોતે કોઇ નિયમો પાળવા બંધાયેલું નથી અને બોમ્બ ચક્રવાત તેનું ઉદાહરણ છે. આ ચક્રવાત પ્રકૃતિની ચેતવણી છે. જો પર્યાવરણ પ્રત્યે આજે જાગૃતતા નહીં કેળવાય તો આખા વિશ્ર્વના હાલ અમેરિકા જેવા જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular