સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં થયેલા હુમલાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. સુરક્ષા દળોએ રાજૌરીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કંપનીના ઓપરેટિંગ બેઝ પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો અને તેમનો હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. આ ઓપરેશનમાં બંને આતંકવાદીઓ ઠાર થયા હતા. ભારતીય સેનાએ કહ્યું છે કે આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા અને પાંચ જવાન ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા જવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. 16 કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનજિન્દર સિંઘ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે.

એક દિવસ પહેલા જ સુરક્ષા દળોએ બડગામમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. એમાંનો એક આતંકવાદી રાહુલ ભટ અને અમરીન ભટની હત્યામાં સામેલ હતો.

નોંધનીય છે કે રાજૌરીમાં થયેલ આતંકવાદી હુમલો આપણને ઉરી હુમલાની યાદ અપાવે એવો છે. 18 સપ્ટેમ્બર 2016ના રોજ, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી નજીક ભારતીય સેનાના સ્થાનિક હેડક્વાર્ટરમાં ઘૂસણખોરી કરી હતી અને કેમ્પમાં સૂઈ રહેલા ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો.

આતંકીઓએ સૂતેલા ભારતીય જવાનો પર ગોળીબાર કર્યો હતો અને 17 હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. આ આતંકી હુમલામાં 16 ભારતીય જવાનો શહીદ થયા હતા. છ કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના જવાનોએ જૈશના ચારેય આતંકીઓને ઠાર માર્યા હતા. 10 દિવસ પછી, ભારતીય સેનાએ પીઓકેમાં પ્રવેશ કર્યો અને સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.

Google search engine