રાજ્યસભા, લોકસભાના બંને ગૃહોની કામગીરી ઠપ
નવી દિલ્હીઃ લોકસભાના સાંસદ તરીકે રાહુલ ગાંધીએ સભ્યપદ ગુમાવ્યા પછી મંગળવારે પણ બંને ગૃહોમાં વિરોધપક્ષોએ કાળાકપડા પહેરીને વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું, પરિણામે બંને સતત દસમા દિવસે બંને ગૃહોની કામગીરી ઠપ રહી હતી. વડા પ્રધાન મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં કહ્યું હતું કે પક્ષ જેમ જેમ સફળતાની સીડી ચડશે તેમ વિરોધ પક્ષો દ્વારા વારંવાર હુમલાઓ કરવામાં આવશે. વડા પ્રધાને સાંસદોને સલાહ આપી હતી કે તેઓ નવ વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કામકાજોને જનતાની વચ્ચે લઈ જશે અને પોતપોતાના મતવિસ્તારોમાં તેનો પ્રચાર કરશે. પંદરમી મેથી 14મી જૂન સુધી તમામ સાંસદ પોતાના સંસદીય વિસ્તારોમાં જનતાની વચ્ચે જશે, એવું વડા પ્રધાને જણાવ્યું હતું.
દરમિયાન અદાણી મુદ્દે પણ વિરોધપક્ષોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખીને સરકારની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા. મંગળવારે ભાજપની સંસદીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોની ઝાટકણી કાઢી હતી. ગૃહની કાર્યવાહી ચાલુ કરવામાં આવ્યા પહેલા રાજ્યસભાના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ સંસદભવ ખાતેની કોંગ્રેસ સંસદીય પક્ષની કચેરીમાં બેઠક યોજી હતી. લોકસભાની કાર્યવાહી શરુ કરવામાં આવ્યા પૂર્વે વિપક્ષે હંગામો કર્યો હતો અને જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ) દ્વારા તપાસ કરવાની માગણી પર મક્કમ રહ્યા હતા. એની સાથે રાહુલ ગાંધીનું સંસદ તરીકેનું સભ્યપદ રદ કરવાની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગૃહમાં કોંગ્રેસના સભ્ય એસ. જ્યોતિ મણી અને રામ્યા હરિદાસે આદેશના દસ્તાવેજોને પણ ફાડી નાખ્યા હતા અને તેમના પર ફેંકવામાં આવ્યા હતા. કોંગ્રેસના અન્ય એક સભ્ય ટીએન પ્રતાપને પણ સભાપતિ પર કાળા રંગનો દુપટ્ટો ફેંક્યો હતો, પરંતુ માર્શલે રોક્યો હતો. વિરોધપક્ષના સભ્યોએ નિરંતર પ્રદર્શન ચાલુ રાખવાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સવારે સ્થગિત કરવામાં આવ્યા પછી બપોરે વિરોધ કર્યા પછી ફરી પાછી સ્થગિત કરી હતી. વિપક્ષના પ્રદર્શનની વચ્ચે સભાપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે કંઈ પણ શક્ય બની શકે છે. તમે લોકો તમારી ખુરશી પર બેસો અને મારા નિર્ણયની રાહ જુઓ. સભાપતિના નિવેદનની વચ્ચે પણ વિપક્ષના સભ્યોએ મોદી-અદાણી ભાઈ ભાઈના નારા ચાલુ રાખ્યા હતા, તેથી આજે પણ બંને ગૃહોની કાર્યાવાહી સ્થગિત રાખી હતી.