રાજકોટમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો, બુકાનીધારી સખ્શોએ બે કર્મચારીઓની આંખમાં સ્પ્રે છાંટ્યો

આપણું ગુજરાત

Rajkot: ગુજરાત હાઇકોર્ટની(Gujarat highcourt) ફટકાર બાદ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી શરુ કરી છે. ત્યારે રાજકોટમાં પણ રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઢોર પકડવા પહોંચેલા કોર્પોરેશનના કર્મચારીઓ પર હુમલાના બનાવો બની રહ્યા છે. આજે વહેલી સવારે શહેરના અમૂલ સર્કલ પાસે ઢોર પકડવા પહોંચેલી કોર્પોરેશનની ટીમના બે કર્મચારીની આંખ પર બાઇક પર આવેલા બે અજાણ્યા શખસે કેમિકલ સ્પ્રે છાંટ્યો હતો. બાદમાં બન્ને શખસ ફરાર થઈ ગયા હતા. સ્પ્રે છાંટતાં જ બન્ને કર્મચારીને થોડીવારમાં આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું અને બાદમાં બન્નેની આંખોમાં સોજો આવી ગયો છે, હાથ પર પણ ચાંદા પડી ગયા હતા. સાથે રહેલા સ્ટાફના સભ્યોએ તાત્કાલિક બંને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હુમલાખોરોને પકડવા તાજવીજ હાથ ધરી છે.

હુમલા બાદ ઢોર પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ રોષે ભરાયા છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે. ઢોર પકડવાની ટીમના કર્મચારીઓને સઘન સુરક્ષા આપવાની માગ  કરવામાં આવી છે. કર્મચારીઓની સાથે ભાજપના નેતા અને કર્મચારી મંડળના પ્રમુખ કશ્યપ શુક્લ પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ઢોર પકડવાની કામગીરી સારી ચાલી રહી છે. ત્યારે સુરક્ષાના અભાવે અમારા કર્મચારીઓ પર એસિડ જેવો પદાર્થ છાંટવામાં આવ્યો છે. જ્યારે કર્મચારીઓએ કહ્યું કે અમારા પર હુમલાઓ બંધ નહીં થાય અને સઘન સુરક્ષા આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે કામ નહિ કરીએ.

ગઈકાલે પણ રેસકોર્સ તેમજ વિરાણી ચોકમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર પથ્થરમારો કરાયો હતો. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં જ્યારે પણ  કર્મચારીઓ ઢોર પકડવા જાય છે ત્યારે ત્યાં લોકોનું ટોળું હોય છે જે કામગીરીમાં અડચણરૂપ બને છે.

1 thought on “રાજકોટમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો, બુકાનીધારી સખ્શોએ બે કર્મચારીઓની આંખમાં સ્પ્રે છાંટ્યો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.