‘આત્મનિર્ભર’ – સિર્ફ તસવીર હી કાફી હૈ…

મેટિની

રંગીન ઝમાને-હકીમ રંગવાલા

નક્સલાઈટ બની ગયેલો યુવાન પોતાના ભાઈના મોત પછી ઘરમાં પાછો ફર્યો અને સાયન્સમાં કેમિસ્ટ્રીનો બેચલર ગ્રેજ્યુએટ થઈ પૂનાની N F T Iમાં ફિલ્મનું ભણવા દાખલ થઈ ગયો. પહેલી જ ફિલ્મ મૃણાલ સેનની ‘મૃગયા’ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવ્યો. માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ મેળવ્યો હતો.
આખા ભારતને ડિસ્કો ડાન્સનું ઘેલું લગાડ્યું અને પ્યોર કોમર્શિયલ ફિલ્મો કરી એકમાત્ર ઉદ્દેશ મનોરંજન પબ્લિક માટે અને નફો ફિલ્મનિર્માતા માટે! ગરીબ નિર્માતાઓનો અમિતાભ એવું બિરુદ મેળવ્યું. વચ્ચે વચ્ચે કોમર્શિયલમાંથી છટકીને બુદ્ધદાસ ગુપ્તાની ‘તહેદાર કથા’ જેવી ફિલ્મમાં અને વિવેકાનંદની ફિલ્મમાં રામકૃષ્ણ પરમહંસનો રોલ ભજવીને બીજા બે નેશનલ એવોર્ડ પણ મેળવી લીધા! આ કલાકાર એટલે મિથુન ચક્રવર્તી.
ઝીનત અમાન, રેખા, રતિ અગ્નિહોત્રી, શ્રીદેવી, માધુરી જેવી બધી ટોચની હિરોઇન સાથે કામ કર્યું અને અનેક નવી હિરોઇન સાથે પણ કામ કર્યું. હિન્દી ફિલ્મના દરેક લોકપ્રિય જોનરમાં કામ કર્યું જેવી કે પરિવારિક, સામાજિક, ડાન્સિંગ, એક્શન, થ્રિલર, જાસૂસી વગેરે. લવ સ્ટોરીમાં પણ મેગા હિટ ફિલ્મો આપી. ‘સુરક્ષા’, ‘વારદાત’, ‘ઘર એક મંદિર’, ‘ડિસ્કો ડાન્સર’, ‘કસમ પૈદા કરનેવાલે કી’, ‘તરાના’, ‘પ્યાર ઝુકતા નહીં’, ‘મુજરિમ’ અને અઢળક ફિલ્મો આપી.
૧૯૯૦ પછી ઊટી જેવા ટૂરિસ્ટ પ્લેસમાં એક મોનર્ક નામની હોટેલ બનાવી અને ફિલ્મ નિર્માતાઓ માટે ઓફર આપી કે મને સાઈન કરો અને ઊટી પધારો, મારી હોટેલમાં યુનિટ સાથે વાજબી ભાવમાં ઊતરો અને ઝપાટાબંધ મહિના-દોઢ મહિનામાં ફિલ્મ બનાવી રિલીઝ કરો અને નફો ઘરભેગો કરી લ્યો અને આત્મનિર્ભર બનો! દર વરસે દસ, બાર, પંદર, સોળ ફિલ્મો કોઈ હીરોની ક્યારેય આવી હોય તો એ હીરો એકમાત્ર મિથુન ચક્રવર્તી છે. વળી દરેક ફિલ્મ વાજબી નફો કરી આપે જ એવી ગેરન્ટી મળતી હોય એવો હીરો પણ હિન્દી ફિલ્મજગતમાં એકમાત્ર મિથુન ચક્રવર્તી છે. મિથુને બે વાર લગ્ન કર્યાં, પહેલાં લગ્ન હેલેના લ્યુક સાથે જે ટક્યાં નહીં. બીજાં લગ્ન કિશોરકુમાર થકી છૂટાછેડા પામેલી યોગિતા બાલી સાથે થયાં, જેનાથી તેને ચાર સંતાન છે. કિશોર કુમાર આ લગ્નથી નારાજ હતો એટલે મિથુન માટે ગીત ન ગાતો. મોટો પુત્ર મિમોહ ફિલ્મમાં ચાલ્યો નહિ. મિથુનના અન્ય દિવન્ગત એક્ટ્રેસીસ સાથેના સંબંધ અહીં હવે નહીં ચર્ચીએ. મિથુનને પશ્ર્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસે ૨૦૧૪માં રાજ્યસભામાં મોકલેલો. એવું પણ વાંચ્યું છે કે સો કરોડ ક્રોસ કરનાર બોલીવુડની પહેલી ફિલ્મ મિથુનની ‘ડિસ્કો ડાન્સર’ (૧૯૮૨) હતી. તેનો ૧૯૮૯માં ઓગણીસ ફિલ્મમાં કામ કરવાનો રેકોર્ડ હજી તૂટ્યો નથી (આ રેકોર્ડ લિમ્કા બુકમાં નોંધાયેલો છે). ગરીબોનો અમિતાભ કહેવાતો આ કલાકાર સાચી મેહનત કરીને આગળ આવ્યો છે. નિર્માતા-દિગ્દર્શક કે.એલ.વી. પ્રસાદ સાથે મિથુન ચક્રવર્તીએ પાંત્રીસ ફિલ્મો કરી જે એક વિક્રમ છે. પોતાના સમકાલીનોમાંથી મોટા ભાગના કલાકાર-કસબીઓ સાથે મિથુને કામ કરેલું છે. ‘ગલિયોં કા બાદશાહ’ ફિલ્મના શૂટિંગમાં રાજ કુમારે મિથુનનું બહુ અપમાન કરેલું. એ ફિલ્મમાં મિથુનનો રોલ પણ નાનો હતો અને રાજ કુમાર તો રાજ કુમાર જ હતા! આગળ જતાં ‘ગલિયોં કા બાદશાહ’ ફિલ્મ ડબ્બામાં બંધ થઈ ગઈ. પછીથી જ્યારે એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મિથુન ચક્રવર્તી સ્ટાર સ્થાપિત થઈ ચૂકેલો અને રાજ કુમારને નામે કોઈ ફિલ્મ ખરીદવા તૈયાર નહોતું. એટલે ફિલ્મમાં નાનો રોલ હોવા છતાં મિથુન ચક્રવર્તીને ફિલ્મનાં પોસ્ટરોમાં કેન્દ્રમાં રાખ્યો અને ફિલ્મ રિલીઝ થઈ. સતત પાંચ વર્ષ સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે ટેક્સ ભરનાર મિથુન ચક્રવર્તી હતો.
મિથુનને પીટ ક્લાસનો હીરો કહેતા અને પીટ ક્લાસ પણ મિથુન પર ઓળઘોળ હતું જ, પણ કહેવાતા ઉચ્ચ ક્લાસને પણ મિથુનની ઈર્ષા આવે એવી ફિલ્મી કારકિર્દી મિથુને ભોગવી છે. મિથુને કંડારેલા માર્ગ પર ગોવિંદાએ મજબૂત ડગ મૂક્યાં અને આજે રણવીર સિંહ પણ મિથુનને અનુસરે છે. મિથુનની ફિલ્મોનો આંકડો ૫૦૦ આસપાસ તો પહોંચે જ. મિથુનને તેના પ્રદાન બદલ એક હિન્દી ફિલ્મચાહક તરીકે તેની જ એક સુપરહિટ ફિલ્મના ગીતમાં યાદ કરવા હોય તો કહી શકાય કે ‘દેખા હૈ મૈંને તુજે ફિરસે પલટ કે, તુમ મેં હૈ બાત કોઈ ઔરોં સે હટકે…’
હિન્દી ફિલ્મ જગતને સૌથી મોટું અર્પણ મિથુન ચક્રવર્તીએ કર્યું હોય તો એ ‘આત્મનિર્ભરતા’ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.