તમામ 10 આરોપીઓ પર કોર્ટનો ચુકાદો
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે માફિયામાંથી રાજકારણી બનેલા બાહુબલી અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કુલ 11 આરોપી હતા. જેમાંથી 1નું મોત થયું છે. કોર્ટ થોડા સમય પછી સજા સંભળાવશે. આ પહેલા સોમવારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને 2006માં ઉમેશ પાલના અપહરણ અને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. ઉમેશ પાલ BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો સાક્ષી હતો. ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલથી 1,200 કિમીનું અંતર કાપ્યા બાદ અહેમદને સોમવારે શહેરની નૈની જેલમાં લાવવામાં આવ્યો હતો. અહેમદ જેલમાં દાખલ થયાના દોઢ કલાક પછી તેના ભાઇ અશરફને પણ જેલમાં લાવવામાં આવ્યો હતો. અશરફ બરેલીની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. ફુલપુરથી સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અતિકને શરૂઆતમાં ઉત્તર પ્રદેશની જેલમાં રાખવામાં આવ્યો હતો. તે સમયે તેની પર રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલના અપહરણ અને હુમલો કરવાના આરોપ લાગ્યા હતા, જેને કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેને જૂન 2019માં ગુજરાતમાં ખસેડવામાં આવ્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસ સહિત 100 થી વધુ ગુનાહિત કેસોમાં તેનું નામ છે, એમ પોલીસે જણાવ્યું હતું.
25 જાન્યુઆરી 2005ના રોજ બસપાના ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશ પાલ એકમાત્ર સાક્ષી હતો જેમણે એકલા હાથે અતીકનો સામનો કર્યો હતો, જેને કારણે રાજુ પાલ હત્યા કેસ સાથે જોડાયેલા સાક્ષીઓ બેકફૂટ પર આવી ગયા હતા. તેની પત્ની પૂજા પાલે પણ સાથ છોડી દીધો હતો, પણ ઉમેશ ગભરાયો નહોતો. 2005થી 2023 સુધી ઉમેશ એકલે હાથે અતીક અહેમદ સામે ઝઝૂમ્યો હતો. 18 વર્ષ બાદ 24 ફેબ્રુઆરી 2023ના રોજ રાજુ પાલની જેમ જ ઉમેશ પાલની પણ જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બની ત્યારે અતીક સામે તેના અપહરણના કેસમાં દલીલ ચાલી રહી હતી અને છ સપ્તાહમાં ચૂકાદો આવવાનો હતો દરમિયાન, લખનૌની સીબીઆઈ કોર્ટે અહેમદ અને તેના પુત્ર ઉમર દ્વારા ખંડણીના કેસમાં ક્લીનચીટની માંગણી કરતી અરજીને ફગાવી દીધી હતી.