અમદાવાદ: મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં લગ્નની શરણાઇઓ સાથે કાન ફાડી નાખે તેટલા અવાજે ડી.જે. વગાડવામાં આવતા નજીકના ઝાડ પર બેઠેલા મધપૂડાની મધમાખી છંછેડાતાં ડીજેના તાલે નાચી રહેલા ૧૦૦થી વધુ જાનૈયાઓને ડંખ માર્યા હતા. લગ્નના માંડવા સુધી જાનૈયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. મધમાખીના હુમલા બાદ લોકોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં ડીજેના તાલ સાથે આવેલા લગ્નના વરઘોડાનું સ્વાગત મધમાખીઓએ કરતા દોડાદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ૧૦૦ જેટલા જાનૈયાઓને મધમાખીએ ડંખ મારતા તેઓ ઘાયલ થયા હતા. ડીજેના વાઈબ્રેશનના કારણે મધપૂડો છંછેડાઈ ગયો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં લગ્ન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં ઘોંઘાટીયાં ડીજેનું ચલણ વધી ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગોમાં ડી.જે. એ હવે જાણે ફરજિયાત થઇ ગયું છે. બીજી બાજુ ગુજરાત સરકારે પણ રાત્રી સમયે ડી.જે. વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ડી.જે. વગાડવાની મંજૂરી પણ ફરજિયાત બનાવાઇ છે.
લગ્નમાં ડી.જે. વાગતા જ મધમાખીઓ છંછેડાઇ: ૧૦૦થી વધુ જાનૈયાને ડંખ માર્યા
RELATED ARTICLES