બ્રહ્માજીની આજ્ઞાથી કુમાર કાર્તિકેય યુદ્ધ કરવા ગયા અને તારકાસુરનો વધ કર્યો

ધર્મતેજ

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: દેવસેના કુમાર કાર્તિકેયની આગેવાનીમાં આગળ વધતી મહી-સાગર સંગમે પહોંચી. સામે પક્ષે બહુસંખ્ય અસુરો સાથે તારકાસૂર પણ મહી-સાગર સંગમે પહોંચી ગયો. દેવતાઓ અને દૈત્યોમાં બહુ જ ઘમાસાણ યુદ્ધ થયું. મોટા મદ સાથે યુદ્ધની ઈચ્છા ધરાવતા તારકાસુરનો મદ ઘટાડવા દેવરાજ ઈન્દ્ર અને દેવતાઓ તેની સામે આવી ગયા. બંને સેના વચ્ચે મોટો કોલાહલ થવા લાગ્યો. આ સમયે વીરભદ્ર ક્રોધિત થઈ મહાબલી તારકાસુરની સામે આવી પહોંચ્યા. વીરભદ્ર અને તારકાસુર વચ્ચે ભયાનક યુદ્ધ થયું. યુદ્ધમાં દેવસેનાના વધી રહેલા પ્રભાવથી અસુર સેના અસ્તવ્યસ્ત થવા માંડી, એ જોઈ તારકાસૂર ક્રોધે ભરાયો અને દસ હજાર ભુજાઓ ધારણ કરી સિંહ પર સવાર થઈને દેવગણોને મારી નાખવા એમના તરફ ધસી ગયો. આ જોઈ વીરભદ્ર અત્યંત ક્રોધિત થયા. તેમણે ભગવાન શિવના ચરણકમળનું ધ્યાન કરીને એક એવું શ્રેષ્ઠ ત્રિશૂળ હાથમાં લીધું, જેના તેજથી બધી દિશાઓ અને સંપૂર્ણ આકાશ પ્રકાશિત થઈ ગયાં. આ જોઈ કુમાર કાર્તિકેયે તરત વીરભદ્રને અટકાવ્યા, કુમાર કાર્તિકેયની આજ્ઞાથી વીરભદ્ર યુદ્ધમાંથી ખસી ગયા. તારકાસુરે એવું ઘોર યુદ્ધ કર્યું કે સમસ્ત દેવગણ તેનો સામનો ન કરી શક્યા. ભયભીત દેવતાઓને માર ખાતા જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્રોધે ભરાયા. તેમણે સુદર્શનચક્ર અને ધનુષને લઈને યુદ્ધસ્થળમાં મહાદૈત્ય તારકાસુર પર આક્રમણ કર્યું. ભગવાન શ્રીહરિ વિષ્ણુએ મહાન સિંહનાદ કરતાં જ ધગધગતી જ્વાળાઓ જેવા પ્રકાશવાળું સુદર્શનચક્ર ત્યાં ઉપસ્થિત થયું. તેમણે એ ચક્રથી તારકાસુર પર પ્રહાર કર્યો. ચક્રના પ્રહારથી તારકાસુર અસ્વસ્થ થઈ જમીન પર પડી ગયો, પણ તરત જ ઊઠીને બેઠો થયો અને તેના પ્રતિપ્રહારમાં તેણે ભગવાન શ્રીહરિ વિષ્ણુના ચક્રના ટુકડેટુકડા કરી નાખ્યા. એટલે ભગવાન વિષ્ણુએ પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તારકાસુર પર બાણોની વર્ષા કરી. દસ હજાર હાથવાળો તારકાસુર દરેક બાણોનો વિનાશ કરતાં અટ્ટહાસ્ય કરવા લાગ્યો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તારકાસુર વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધથી ચિંતિત બ્રહ્માજી કુમાર કાર્તિકેય પાસે પહોંચે છે અને કહે છે: શિવપુત્ર, હે કુમાર કાર્તિકેય, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને તારકાસુરનું આ વ્યર્થ યુદ્ધ શોભતું નથી. તમારા સિવાય આ પાપીને કોઈ મારી શકે નહીં, તેવું તેને વરદાન છે. હે પરમ પ્રતાપી કુમાર કાર્તિકેય, તમે શીઘ્ર જ એ દૈત્યનો વધ કરવા માટે તૈયાર થઈ જાઓ, કેમ કે આ તારકાસુરનો સંહાર કરવાના નિમિત્તે જ તમે ભગવાન શિવથી ઉત્પન્ન થયા છો.
* * *
બ્રહ્માજીનું કથન સાંભળીને કુમાર કાર્તિકેય જોરથી હસી પડ્યા અને પ્રસન્નતાપૂર્વક બોલ્યા, ‘તથાસ્તુ – એવું જ થશે. ત્યારે મહાન ઐશ્ર્વર્યશાળી ભગવાન શિવપુત્ર કુમાર કાર્તિકેય તારકાસુરના વધનો નિશ્ર્ચય કરીને વિમાનમાંથી ઊતરી પગપાળા ચાલવા લાગ્યા. જે સમયે મહાબલી શિવપુત્ર કુમાર પોતાની અત્યંત ચમકતી શક્તિને જે અગ્નિની લપેટોથી દમકતી-ચમકતી એક મોટી ઉલ્કા જેવી જણાતી હતી, તેને હાથમાં લઈને પગપાળા જ દોડી રહ્યા હતા, એ સમયે એમની શોભા અદ્ભુત હતી. એમના મનમાં લેશમાત્ર પણ વ્યાકુળતા નહોતી. એ પરમ પ્રચંડ અને અપ્રમેય બળશાળી હતા. શત્રુઓનો સંહાર કરનારા કુમારે ભગવાન શિવજીનાં ચરણકમળોનું સ્મરણ કરીને તારકાસુરના વધનો વિચાર કર્યો. પછી તો મહા તેજસ્વી અને મહાબલી કુમાર રોષ અને આવેશમાં આવીને ગર્જના કરવા માંડ્યા અને બહુ મોટી સેનાની સાથે યુદ્ધમાં દૃઢતાથી ઊભા રહ્યા. એ સમયે સમસ્ત દેવતાઓએ જયજયકારનો ધ્વનિ કર્યો અને દેવર્ષિઓએ ઈષ્ટ વાણી દ્વારા તેમની સ્તુતિ કરી. ત્યારે તારકાસુર અને કુમારના સંગ્રામનો પ્રારંભ થયો, જે અત્યંત દુસ્સહ, મહાભયંકર અને સંપૂર્ણ પ્રાણીઓને ભયભીત કરનારો હતો. કુમાર અને તારકાસુર બંને શક્તિ યુદ્ધમાં પરમ પ્રવીણ હતા, તેથી અત્યંત રોષ-આવેશમાં આવી તેઓ પરસ્પર એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. પરમ પરાક્રમી એ બંને વિવિધ પ્રકારના પેંતરા-દાવ બદલી બદલીને ગર્જના કરી રહ્યા હતા. અનેક પ્રકારના દાવપેચથી એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા. એ સમયે દેવતા, ગંધર્વ અને ક્ધિનર સૌ ચૂપચાપ ઊભા રહીને એ દૃશ્ય જોઈ રહ્યા હતા. એમને પરમ વિસ્મય થયો. તે એટલે સુધી કે વાયુ પણ વહેતો બંધ થઈ ગયો. સૂર્યની પ્રભા ફિક્કી પડી ગઈ અવે પર્વત તથા વનકાનનો સહિત આખી પૃથ્વી ધ્રૂજવા લાગી, કંપી ઊઠી. આ જ અવસર પર હિમાલય વગેરે પર્વત સ્નેહથી અભિભૂત થઈને કુમાર કાર્તિકેયની રક્ષા માટે ત્યાં આવી પહોંચ્યા. ત્યારે એ સર્વ પર્વતોને ભયભીત થયેલા જોઈને શિવજી તથા માતા પાર્વતીના પુત્ર કુમારે તેમને સાંત્વના આપી અને બોલ્યા.
કુમાર કાર્તિકેય: હે મહાભાગ પર્વતો! તમે લોકો ખેદ ન કરો. તમારે કોઈ પ્રકારે ચિંતા ન કરવી. હું આજે તમારા બધાના દેખતાં જ આ પાપીને મારી નાખીશ. આ રીતે એ પર્વતો અને દેવગણોને ધૈર્ય ધારણ કરવા કહ્યું. કુમારે ગિરિજા અને શંભુને પ્રણામ કર્યા તથા પોતાની કાંતિમયી શક્તિને હાથમાં લીધી. શિવપુત્ર કુમાર કાર્તિકેય મહાબલી અને મહાન ઐશ્ર્વર્યશાળી તો હતા જ. જ્યારે તેમણે તારકાસુરનો વધ કરવાની ઈચ્છાથી શક્તિ હાથમાં લીધી, એ સમયે એમની શોભા અદ્ભુત થઈ ગઈ. ત્યાર પછી શિવજીના તેજથી સંપન્ન કુમારે એ શક્તિથી તારકાસુર પર, જે સમસ્ત લોકોને કષ્ટ આપતો હતો તેના પર, પ્રહાર કર્યો. એ શક્તિના પ્રહારથી તારકાસુરનાં બધાં અંગ છિન્નભિન્ન થઈ ગયાં અને સંપૂર્ણ અસુરગણોનો અધિપતિ તે મહાવીર સહસા ધરાશાયી થઈ ગયો. જોતજોતામાં ત્યાં જ કુમાર કાર્તિકેય દ્વારા માર્યા ગયેલા તારકાસુરનું પ્રાણપખેરું ઊડી ગયું. તે ઉત્કૃષ્ટ વીર તારકાસુરને મહાસમરમાં પ્રાણરહિત થઈને પડેલો જોઈને વીરવર કુમાર કાર્તિકેયે એ વીર પર પુન: વાર-ઘા કર્યો નહિ. એ મહાબલી દૈત્યરાજ તારકાસુરના માર્યા જવાથી દેવતાઓએ ઘણા અસુરોને મોતને ઘાટ ઉતારી દીધા. એ યુદ્ધમાં કેટલાક અસુરોએ ભયભીત થઈને હાથ જોડી દીધા, કેટલાકનાં શરીર છિન્નભિન્ન થઈ ગયાં. હજારો દૈત્યો મૃત્યુના અતિથિ બની ગયા. કેટલાક શરણાર્થી દૈત્ય અંજલિબદ્ધ થઈને પાહિ પાહિ – રક્ષા કરો, રક્ષા કરો, એવું બોલતાં બોલતાં કુમારને શરણે આવી ગયા. કેટલાક માર્યા ગયા અને કેટલાક મેદાન છોડી ભાગી ગયા. હજારો દૈત્યો જીવનની આશાએ દોડીને પાતાળમાં ઘૂસી ગયા. એ બધાની આશાઓ ભગ્ન થઈ ગઈ હતી અને મુખ પર દીનતા છવાઈ ગઈ હતી.
આ રીતે તે આખી દૈત્યસેના વિનિષ્ટ થઈ ગઈ. દેવગણોના ભયથી કોઈ ત્યાં ટકી શક્યું નહીં. એ દુરાત્મા તારકના માર્યા જવાથી સર્વ લોક નિષ્કંટક થઈ ગયા અને ઈન્દ્ર વગેરે બધા દેવતા આનંદમગ્ન થઈ ગયા. આમ કુમાર કાર્તિકેયને વિજયી જોઈને એક સાથે બધા દેવતાઓ તથા ત્રિલોકનાં સમસ્ત પ્રાણીઓને પરમ આનંદ થયો. એ સમયે ભગવાન શિવ પણ કાર્તિકેયના વિજયના સમાચાર મેળવીને પ્રસન્નતા સભર થઈ ગયા અને માતા પાર્વતી સાથે ગણોથી ઘેરાયેલા ભગવાન શિવજી ત્યાં પધાર્યા. માતા પાર્વતીજી પ્રસન્ન હૃદયે પરમ પ્રેમપૂર્વક સૂર્ય સમાન તેજસ્વી પોતાના પુત્ર કુમાર કાર્તિકેયને ખોળામાં લઈને સ્નેહ વરસાવી રહ્યાં હતાં. એ જ અવસરે હિમલાય બંધુ-બાંધવો અને અનુયાયીઓ સાથે આવીને ભગવાન શિવજી અને માતા પાર્વતી તથા ગુહનું સ્તવન કર્યું. તત્પશ્ર્ચાત્ દેવગણ, મુનિ, સિદ્ધ અને ચારણોએ ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેય, ભગવાન શિવજી તથા પરમ પ્રસન્ન થયેલાં માતા પાર્વતીજીની સ્તુતિ કરી. એ જ સમયે ઉપદેવોએ પણ ખૂબ જ પુષ્પવૃષ્ટિ કરી. સર્વ પ્રકારનાં વાજાં-વાજિંત્રો વાગવા લાગ્યાં. વિશેષરૂપે જયજયકાર અને નમસ્કારના શબ્દ ઉચ્ચ સ્વરે ગુંજવા માંડ્યા. એ સમયે ત્યાં એક મહાન વિજય ઉત્સવ મનાવાયો, જેમાં કીર્તનની વ્યવસ્થા હતી અને એ સ્થાન ગાયન-વાદનના ધ્વનિ તથા અધિકાધિક બ્રહ્મઘોષથી વ્યાપી ગયું હતું. હે મુનિ! સમસ્ત દેવગણોએ પ્રસન્નતાપૂર્વક ગાઈબજાવીને તથા હાથ જોડીને ભગવાન જગન્નાથની સ્તુતિ કરી. ત્યાર પછી સર્વથી પ્રશંસિત તથા પોતાના ગણોથી ઘેરાયેલા ભગવાન રુદ્ર જગ જનની ભવાની સાથે પોતાના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા.
આ બાજુ તારકાસુર માર્યો ગયો છે એ જોઈ-જાણીને બધા દેવતાઓ તથા અન્ય સમસ્ત પ્રાણીઓનાં મુખ હાસ્યથી છવાઈ ગયાં. તે ભક્તિપૂર્વક ભગવાન શિવજીના પુત્રની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવ! તમે દાનવશ્રેષ્ઠ તારકાસુરના પ્રાણ હરનારા છો, તમને નમસ્કાર હો. હે ભગવાન શિવ નંદન! તમે બાણાસુરના પ્રાણોનું અપહરણ કરનાર પ્રલંબાસુરના વિનાશક છો. તમારું સ્વરૂપ પરમ પવિત્ર છે. તમારું અમે અભિવાદન કરીએ છીએ.
બ્રહ્માજી: જ્યારે વિષ્ણુ વગેરે દેવતાઓએ આ રીતે કુમાર કાર્તિકેયનું સ્તવન કર્યું ત્યારે એ પ્રભુએ બધા દેવોને ક્રમશ: નવાં નવાં વરદાન આપ્યાં. ત્યાર પછી પર્વતોએ સ્તુતિ કરી એ જોઈને ભગવાન શિવનંદને પરમ પ્રસન્નતા અનુભવી અને એમને વરદાન આપતાં બોલ્યો,
સ્કંધ: હે ભૂધરો! તમે બધા જ પર્વત તપસ્વીઓ દ્વારા પૂજનીય અને કર્મઠ અને જ્ઞાનીઓ દ્વારા સેવનીય થશો. આ જે મારા માતામહ (નાના) પર્વત શ્રેષ્ઠ હિમવાન છે તે મહાભાગ આજથી તપસ્વીઓ માટે ફળદાતા થશે.
ત્યારે દેવતાઓ બોલ્યા, ‘હે કુમાર, અસુરરાજ તારકાસુરને મારીને તથા દેવોને વરદાન આપીને તમે અમ સૌને તથા ચરાચર જગતને સુખી કરી દીધું છે. હવે તમારે પરમ પ્રસન્નતાપૂર્વક માતા પાર્વતી તથા ભગવાન શિવજીનાં દર્શન કરવા કૈલાસ પર ચાલ્યા જવું જોઈએ.’ (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.