તીર્થયાત્રા કરવાની ઉંમરે એડવેન્ચર ટ્રિપ કરે છે દિલથી યુવાન સુભા નારાયણન

લાડકી

ફોકસ-પ્રથમેશ મહેતા

આજકાલ તમે કોઈ નવી જગ્યાએ જવા માગતા હો તો શું કરો? સોશિયલ મીડિયા પર કોઈ ટ્રાવેલ વેબસાઈટ કે ટ્રાવેલ વીડિયો જોઈને વધુ જાણકારી મેળવતા હશો. આજકાલ ‘બ્લોગિંગ’નો કોન્સેપ્ટ ખૂબ પ્રચલિત છે, જેમાં પ્રવાસના શોખીન પોતાના પ્રવાસની રસપ્રદ વાતો, પ્રવાસનાં સ્થળો અને પ્રવાસ વિશેની જાણકારીઓ દર્શકને આપે છે. આપણા જેવા દર્શકો આ વીડિયો જોઈને પ્રવાસ પહેલાં સ્થળ વિશેની જાણકારી મેળવી શકે છે. ટૂંકમાં પહેલાં જે કામ પ્રવાસવર્ણનનાં પુસ્તકો કરતાં હતાં તે હવે પ્રવાસના વીડિયો કરે છે.
દિલ્હીમાં રહેતા વેંકટેશ આવા જ એક ‘બ્લોગર’ છે. તેમની ખાસિયત એ છે કે તેઓ પ્રવાસ માટે હંમેશાં પોતાના સાથીદાર સાથે જાય છે. તમે કશું અવળું વિચારો એ પહેલાં જાણી લો કે એમના સાથીદાર કોણ છે! તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે તેમના પ્રવાસના સાથીદાર કોઈ દોસ્ત નહીં, પણ તેમનાં ૬૩ વર્ષનાં માતા સુભા નારાયણન છે.
ફરવાનો શોખ કોને ન હોય? બધાને હોય જ. સ્ત્રીઓ પણ તેમાં બાકાત નથી, પણ મોટે ભાગે ઘરની જવાદારીઓ અથવા સમયના અભાવને કારણે પોતાનો શોખ પૂરો કરી શકતી નથી. જ્યારે ફાજલ સમય મળે છે ત્યારે તો લોકો કહે છે, આ ઉંમરે પણ ફરવાના શોખ?! પણ કેટલાક શોખ ઉંમરના મોહતાજ નથી હોતા. પ્રવાસ તો કોઈ પણ ઉંમરે થઈ શકે. જો હૃદયમાં યુવાન જેવો ઉમંગ હોય અને શરીર સાથ આપતું હોય તો શા માટે નહીં? વેંકટેશનાં માતા સુભા નારાયણનની કહાણી પણ કંઈક આવી જ છે. પહેલાં તેમના પતિનાં કામકાજ અને ઘરની જવાબદારીને કારણે શોખ હોવા છતાં ફરવા નહોતાં જઈ શકતાં, પણ હવે ૬૩ વર્ષની ઉંમરે તેઓ ન માત્ર પોતાનો શોખ પૂરો કરી રહ્યાં છે, પરંતુ દિલ ખોલીને પોતાનું જીવન જીવી રહ્યાં છે. દેશની એક એકથી ચડિયાતી જગ્યાઓ ફરવા તેઓ કોઈ સિનિયર સિટિઝન ગ્રુપ સાથે નહીં, પણ પોતાના ૩૦ વર્ષના પુત્ર વેંકટેશ સાથે જાય છે અને તે પણ એડવેન્ચર ટ્રિપ પર!
સુભા જણાવે છે કે ‘મારો દીકરો પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જાય, પછી પાછો આવીને મને પણ ફરવા લઈ જાય છે. દીકરા સાથે ફરવાનો આનંદ અનેરો છે. પ્રવાસમાં મારી નાની-મોટી બધી જરૂરિયાતનું એ ધ્યાન પણ રાખે છે.’
૩૦ વર્ષનો વેંકટેશ સોશિયલ મીડિયા મેનેજર તરીકે કામ કરે છે. તેણે ૨૦૧૫થી ફરવાનું ચાલુ કર્યું. વેંકટેશ કહે છે, ‘હું કોઈ પણ ટ્રિપ પરથી પાછો આવું ત્યારે મા હંમેશાં મારા ફોટા જોઈને મજાકમાં કહેતી કે હવે પછી હું પણ તારી સાથે આવીશ.’ શરૂઆતમાં જોકે સુભા વેંકટેશને ફરવા જવા માટે ના પડી દેતાં અને તેને પોતાના મિત્રો સાથે જ જવા કહેતાં, પણ વેંકટેશને ખબર હતી કે તેની માતાને ફરવાનો શોખ છે, એટલે વેંકટેશે શરૂમાં તો જીદ કરીને માતાને સાથે લઈ જવાનું શરૂ કર્યું.
બંનેએ સાથે મળીને પહેલો પ્રવાસ ચંદીગઢનો કર્યો હતો. ત્યાર બાદ તેઓ અમૃતસર, હિમાચલ પ્રદેશ, શિમલા, જયપુર, ગોવા, લદાખ, ગુલમર્ગ અને ધરમશાલા જેવી અનેક જગ્યાએ ફર્યાં. સુભા શુદ્ધ શાકાહારી હોવાથી વેંકટેશ પ્રવાસમાં માતાને સમય પ્રમાણે શાકાહારી જમવાનું મળે તેનું ખાસ ધ્યાન રાખતો હતો. ૨૦૨૧માં માતાનો જન્મદિન ઊજવવા લદાખ જવાનો પ્લાન બનાવ્યો ત્યારે પણ ડોક્ટરની સલાહ લઈને પછી જ એડવેન્ચર ટ્રિપનું પ્લાનિંગ કર્યું હતું.
સુભા પણ પોતાના આરોગ્યનું પૂરતું ધ્યાન રાખે છે, જેથી એડવેન્ચર ટ્રિપમાં તેમને કારણે કોઈ અડચણ ઊભી ન થાય. સુભા જણાવે છે કે, ‘મારા પતિને ફરવાનો બહુ શોખ નથી એટલે અમારી સાથે નહોતા આવતા, પણ મને ફરવા જતાં ક્યારેય રોકતા નહોતા.’ ચાર વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું. તે પછી વેંકટેશે માતાને એકલાં મૂકવાને બદલે પોતાની સાથે લઈ જવાનું શરૂ કર્યું. તે કહે છે, ‘ઘણી વાર ટ્રિપનું પ્લાનિંગ થઈ ગયા બાદ મારા મિત્રો કોઈ કારણસર ટ્રિપમાં જોડાઈ નહોતા શકતા. તે વખતે હું મમ્મીને સાથે આવવા કહેતો હતો. હવે તો મમ્મી મારી સૌથી સારી ટ્રાવેલ પાર્ટનર બની ગઈ છે.’
વેંકટેશના બધા મિત્રો સુભાથી પ્રભાવિત છે. એક વાર સુભા ગોવાની એડવેન્ચર ટ્રિપમાં વેંકટેશના મિત્રો સાથે ગયાં હતાં. ત્યારથી તેઓ વેંકટેશના મિત્રોમાં પણ લોકપ્રિય છે. પોતાની સૌથી યાદગાર એડવેન્ચર ટ્રિપની વાત કરતાં સુભા કહે છે, ‘મને હિમાચલની ટ્રિપ બહુ ગમી હતી. ત્યાં મેં પેરાગ્લાઇડિંગ કરવાનો અનુભવ મેળવ્યો. જોકે મને ડર પણ લાગી રહ્યો હતો, પણ તે છતાં મારા વિલપાવરને ડગવા દીધો નહીં. મારા દીકરાએ પણ મને ઘણું પ્રોત્સાહન આપ્યું.’
સુભા પોતાના જેવા સિનિયર સિટિઝનોને ડરવાને બદલે, જીવન મુક્તપણે જીવવાની સલાહ આપે છે. તમે પણ તમારાં મમ્મી-પપ્પા આ ઉંમરે ગોવા આવીને શું કરશે? એવું વિચારતા હો તો એક વાર તેમને જરૂર લઈ જાઓ. તેમનો આનંદ અને ઉંમર બંને વધી જશે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.