તરુણાવસ્થામાં મિત્રોને કોઈ વાતે સ્પષ્ટ ‘ના’ પાડવી મૂંઝવણભર્યું બની જાય છે

લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી  -શ્ર્વેતા જોષી-અંતાણી

“જલદી બોલ શું છે? હા કે ના??..વિચારી લે ફટાફટ એટલે અમને પણ ખબર પડે કે, અમારી વચ્ચે એક બહેનજી છે કે નહી.. આકાંક્ષા એ સામે ઊભેલી મનસ્વી પાસે જવાબની રીતસર ઉઘરાણી કરી. એ સાથે જ છ-સાત છોકરીઓનું ટોળું ખડખડાટ હસવાં લાગ્યું. મનસ્વીને ના જ પાડવી હતી કે એમ કોઈને કહ્યાં વગર એ પાર્ટીમાં નથી આવવા માગતી. ખાસ કરીને અજાણી જગ્યા પર. પણ, તેમ છતાં મનસ્વીએ જવાબમાં હા પાડવા માટે જ માથું ધુણાવ્યું. આખો દિવસ વિચાર કરતી રહી કે, કોઈ બહાનું કરી દઉં, બીમાર છું એમ કહી દઉં, મમ્મી પાસે ફોન કરાવવાનો વિકલ્પ નહોતો કારણ કે, ઘરે તો જાણ કરવાની જ નહોતી.. આ સંજોગોમાં મનસ્વીએ મન મારીને પણ પાર્ટીમાં જવું જ પડ્યું. ઘરે બધી ફ્રેન્ડ્સ માફક તેણીએ પણ જુઠાણું જ ચલાવ્યું હતું કે સ્ટડી માટે ભેગા થઈએ છીએ. પાર્ટીમાં પહોંચ્યા બાદ મનસ્વીને તુરંત જ ખ્યાલ આવ્યો કે આ જગ્યા માટે પોતે ‘મીસફીટ’ છે. જેમતેમ કરી પાર્ટી પૂરી કરી ઘરે પાછા ફરતાં તેના સ્ફૂટીની લગોલગ પોતાનું વાહન ચલાવતી મસ્તીમાં રત આકાંક્ષાથી બેલેન્સ ગયું અને એ સાથે જ મનસ્વી સહિત બધાં રસ્તા પર પટકાયા. વાગ્યું પણ સરખું એવું એટલે હવે ઘરે જાણ કર્યા વિના છૂટકો નહોતો. ઘરે ખબર પડી એટલે દરેક જણ મનસ્વી પર વરસી પડ્યાં. ખોટું કેમ બોલી? ક્યાં ગઈ હતી? શા માટે આવું કર્યું? જવાબમાં મનસ્વીએ સાચું કહ્યું કે, તેણી જવા માગતી નહોતી પણ પોતે ના પાડી શકી નહીં.!
“અરે, ના ગમે તો ચોખ્ખી ના જ પાડી દેવાની.. મમ્મી-પપ્પા એકીસૂરે બોલ્યા.. પરંતુ આ બોલવામાં કે સલાહ આપવામાં સહેલું લાગતું વાક્ય છે, વ્યવહારું રીતે જોવા જઈએ તો ‘હા’ પાડવા જેટલી ‘ના’ પાડવી સહજ અને સ્વીકાર્ય હોતી નથી. એમાં પણ ખાસ કરીને ટીનેજર્સ માટે એ બહુ કઠિન છે કારણ કે, તેઓ પર અમુક તમુક વસ્તુઓ કે બાબતો પરત્વે નકાર કરવાના કારણે જાતજાતના ‘લેબલ્સ’ લગાવી દેતા તેની આસપાસના વર્તુળમાં મિત્રો કે સહાધ્યાયીઓ અચકાતા નથી હોતા. અને એ જ શરમને કારણે તરુણો ક્યારેક બહુ મોટી મુસીબતોમાં ફસાઈ જતાં હોય છે. જો તમે એક ટીનેજર છો અને એવી બાબતો કે જે તમારા માટે નુકસાનકારક છે એ કરવા માટે ના પાડવા માગતા હોવ તો તમારે નીચે આપેલા મુદ્દાઓને ધ્યાને લેવા જરૂરી છે.
આપણે સહુ જાણીએ છીએ કે, પ્રેશરમાં લેવાતા નિર્ણયો શ્રેષ્ઠતમ નથી હોતા. આપણે ગમે તેટલાં હોશિયાર કેમ ના હોઈએ પરંતુ જ્યારે લોકો આપણા જવાબની સામે રાહ જોઈને ઊભા હોય, તમે માત્ર તમારી “હા અથવા “ના દ્વારા અંકાઈ જવાના હોવ એ સમયે પુખ્તવયના અનુભવી વ્યક્તિ પણ ભૂલ કરી બેસતાં હોય છે તો ટીનેજર્સની વાત જ શી કરવી? તરુણાવસ્થા દરમિયાન જીવનમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જ્યારે તમે સાચી પસંદગી કરવા માંગતા હોય તેમ છતાં ગ્રૃપમાં, મિત્રો સામે awkward  પરિસ્થિતીમાં ના મુકાવું પડે એ માટે ચોખ્ખી ના પાડી શકતા હોતા નથી અને તેના કારણે અંતે કોઈ વ્યસનના આદતી બની જવું, જોખમ ઉઠાવવું, જૂઠું બોલવું, વગેરે જેવી બદીઓ જીવનમાં પ્રવેશી જાય છે અને તમે એની અંદર ઘસડાતા ચાલો છો.
મનસ્વી- ત્રણ બહેનોમાં વચેટ, ખૂબ હોંશિયાર, સ્માર્ટ, ચબરાક તરુણી છે. તેને ખ્યાલ જ છે કે પોતાના મિત્રો ઘરે જૂઠું બોલી રાત્રે પાર્ટીઝ કરે છે. તેઓ માટે સેફ્ટી કે સાવચેતીની કોઈ પરવા કર્યા વગર રખડપટ્ટી કરવી એ રોમાંચ છે. તેઓને પ્રતિદિન જોખમ ઉઠાવવાની આદત પડતી જાય છે, ભણવામાં પણ તેઓ પાછળ રહેતા જાય છે પરંતુ ભણીગણી જીવનમાં કંઈક બનવાની ખેવના લઈને બેસેલી મનસ્વીમાં એ હિંમત નથી કે પોતાના મિત્રોને “ના કહી દે. સાચું કહેશે તો મિત્રતા તૂટશે અને ખોટી “હા કહેશે તો પોતાના સપના. મનસ્વીએ પોતાના પેરેન્ટસને આ અંગે વાત કરવાની કોશિશ પણ કરેલી પરંતુ એ બધા સાથે નહી બોલવાનું એમ કહી દેવાથી વાત પૂરી થઈ જતી નથી. તેઓને ના પાડવામાં મદદ પણ કરવી પડતી હોય છે એ ખ્યાલ તેઓને નહોતો.
આથી જ, જો તમારી જિંદગીમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો શું કરવું એ જાણી લેવું ખૂબ અગત્યનું બની રહે છે.
મિત્રો દ્વારા કરવામાં આવતા જોખમી અને નુકસાનકારક કાર્યમાં જો તમે સાથ દેવા માંગતા ના હોય અને મિત્રો સામે ખરાબ પણ લાગવા ના માંગતા હોય તો એ સમયે કોઈ અન્ય પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ જેમકે મારે આજે આ activity કરવી જ પડે એમ છે એટલે નહી આવી શકાય. અથવા તો મને એ ગમતું નથી એટલે હું નહી આવું પણ તમે જઈ આવો આ પ્રકારના વાક્યો તમને સલામત રાખશે અને તમારી મિત્રતાને પણ.
એટલું જ નહી, ક્યારેક માતા પિતાને મિત્રો સામે આગળ ધરી દેવાથી પણ ખરાબ સંગતે ચડતાં બચી શકાય છે જેમકે, મોડે સુધી બહાર રહેવાનું મમ્મી ના પાડશે. અથવા તો, સ્કુલમાં બંન્ક મારીશ અને પપ્પાને ખ્યાલ આવશે તો મારા ડાન્સ ક્લાસ બંધ થઈ જશે. આ મતલબના બહાનાઓ થકી તમે “ના પાડી શકો છો પરંતુ આ અંગે તમારા પેરેન્ટસ સાથે પહેલા વાત કરી લેવી જરૂરી બને છે.
‘ના’ પણ હળવા, મજાકીયા સૂરે પાડતા જો આવડે તો ખૂબ સરળ રહે છે. મજાક મજાકમાં જ જેમકે, ના હો, મારે આવા તોફાન કરીને બહુ પોપ્યુલર નથી બનવું કહી તમારી નામરજી દર્શાવી શકો છો. સાથોસાથ તમારું વ્યક્તિત્વ પણ એવું બનાવવાની કોશિશ કરી શકાય કે જેના કારણે તમારી પાસે કોઈ પરાણે હા પડાવી શકે નહી.
જો તમને એવું લાગે કે તમારા મિત્રો, સહાધ્યાયીઓ કે બીજું કોઈપણ એવી વસ્તુ કરવા માટે તમને દબાણ કરે છે કે જે તમારા માટે નુકસાનકર્તા છે તો તમે એ મક્કમતાપૂર્વક તેઓને જણાવો. તમારા અંગત કારણોથી વાકેફ કરો કે શા માટે તમે એ બધી બદીઓથી દૂર રહેવા માંગો છો તેમ છતાં પણ જો તમને એવું લાગે કે તમારા પર દબાણ થઈ રહ્યું છે તો પેરેન્ટસ, ટીચર્સ કે અન્ય મિત્રોની મદદ લેતાં અચકાવ નહી. કારણ કે, જાતને બચાવવાની જવાબદારી તમારી છે, અન્ય કોઈની નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.