Homeદેશ વિદેશયુરોપમાં હીટ વેવે લીધો હજારોનો ભોગ: WHOનો ચોંકાવનારો દાવો

યુરોપમાં હીટ વેવે લીધો હજારોનો ભોગ: WHOનો ચોંકાવનારો દાવો

વિશ્વભરમાં કાળઝાળ ગરમીએ આ વર્ષે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દાવો કર્યો છે કે યુરોપમાં આ વર્ષે અત્યાર સુધીમાં કાળઝાળ ગરમીને કારણે 15,000 લોકોના મૃત્યુ થયા છે.
આ વર્ષે જૂન અને જુલાઇની વચ્ચેના સમયગાળામાં પડેલી ભારે ગરમીને કારણે યુરોપીય દેશોના બૂરા હાલ થયા હતા. હીટવેવને કારણે ઊભો પાક સુકાઇ ગયો હતો અને જંગલોમાં પણ આગ લાગવાના અનેક બનાવ બન્યા હતા. દુકાળને કારણે ચીનમાં પણ વીજળી સંકટ ગહેરાયું હતું.
ક્લાયમેટ ચેંજને કારણે ધરતી પર તાપમાન વધવાથી દુનિયાભરમાં અનેક આપત્તિ આવી હતી. યુરોપ, ચીન અને જાપાનમાં ભીષણ ગર્મી પડી હતી. ત્યાર બાદ પાકિસ્તાનમાં વિનાશક પૂર આવ્યું હતું. જોકે, હાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગરમીને લઇને જે આંકડા જાહેર કર્યા છે તે ચોંકાવનારા છે. WHOના જણાવ્યા મુજબ 2022માં અત્યાર સુધીમાં ગરમીને કારણે યુરોપમાં કમસે કમ 15,000 લોકોના મૃત્યુ થયા છે. એમાં સ્પેન અને જર્મની સૌથી પ્રભાવિત દેશોમાં સામેલ છે. ગરમીને કારણે સ્પેનમાં લગભગ 4,000 લોકો, પોર્ટુગલમાં 1,000થી વધુ લોકો, યુકેમાં 3,200થી વધુ લોકો અને જર્મનીમાં 4,500 લોકોના મૃત્યુ થયા છે અને આ આંક હજી પણ વધે એવી શક્યતા છે.
જો હીટ વેવને નાથવાના પગલા લેવામાં નહીં આવે તો વધતા જતા હીટ વેવ અને ભારે ગરમીને કારણે રોગોનું પ્રમાણ વધી શકે છે, જે વધુને વધુ લોકોને મૃત્યુના મુખમાં ધકેલી દેશે, એવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Most Popular