(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: કોમેકસના કડાકા પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં જોરદાર ધોવાણ નોંધાયું હતું. સપ્તાહના અંતિમ દિવસે હાજર ચાંદીમાં એકકિલો પાછળ રૂ. ૨૦૩૭નો અને સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૯૪નો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો. એ નોંધવું રહ્યું કે પાછલા સત્રમાં ચાંદીમાં રૂ. ૨૧૩૧ની છલાંગ જોવા મળી હતી, જ્યારે સોનું રૂ. ૯૭૨ ઊછળ્યું હતું. સરવાળે સોનાએ રૂ. ૫૮,૦૦૦ની અને ચાંદીએ રૂ. ૭૦,૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી.
વિશ્ર્વબજાર પાછળ સ્થાનિક સોનાચાંદી બજારમાં જોરદાર આંચકો જોવા મળ્યો હતો. મુંબઇ અને દિલ્હી સહિતના દેસોવારોના ઝવેરી બજારમાં જોરદાર કડાકાના અહેવાલ રહ્યાં હતાં.
આંતરરાષ્ટ્રીય બજારમાં જોરદાર કડાકાના અનુસંધાનમાં જ સ્થાનિક સ્તરે ધોવાણ થયું હોવાનું બુલિયન ડીલરે જણાવ્યું હતું. વૈશ્ર્વિક બજારમાં ગોલ્ડ ઔંશદીઠ ૧૯૫૬ ડોલર સામે ૧૯૧૩ ડોલર બોલાયો હતો. જ્યારે સિલ્વર વાયદો ૨૪.૧૫ ડોલર સામે ૨૩.૩૮ ડોલર બાલાતો હતો.
કોમેક્સ ખાતે સર્વોચ્ચ સપાટીએ પહોંચેલા ગોલ્ડમાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું હોવાથી તેમાં ઔંશ દીઠ ૧૯૭૫ ડોલરના ભાવમાં ૧.૯૪ ટકાનો ભારે કડાકો નોંધાયો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વના ડોવીશ સંકેત બાદ ગોલ્ડ ફ્યુચર્સમાં નવ મહિનાની ઊંચી સપાટી જોવા મળી હતી. ફેડરલે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો સાધારણ વધારો કર્યો છે.
સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચના સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૫૮,૮૮૨ના પાછલા બંધ સામે રૂ. ૫૮,૦૧૩ની સપાટીએ ખૂલીને રૂ. ૧૦૯૪ના કડાકા સાથે રૂ. ૫૭,૭૮૮ બોલાયું હતું. જ્યારે ૯૯૫ ટચના સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૫૭,૬૪૬ના પાછલા બંધ સામે રૂ. ૫૮,૪૫૪ની સપાટીએ ખૂલીને રૂ. ૧૦૮૯ના ઘબડકા સાથે રૂ. ૫૭,૫૫૭ બોલાયું હતું.
એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદીનો ભાવ એક કિલોદીઠ રૂ. ૭૧,૫૭૬ના પાછલા બંધ ભાવ સામે રૂ. ૭૧,૨૫૦ની સપાટીએ ખૂલીને રૂ. ૨૦૩૭ના તોતિંગ કડાકા સાથે રૂ. ૬૯,૫૩૯ની સપાટીએ બંધ રહી હતી. દિલ્હીમાં સોનું રૂ. ૬૮૧ ગબડ્યું હતું અને ચાંદીમાં રૂ. ૨૦૪૫ની જોરદાર પીછેહઠ નોંધાઇ હતી.