મુંબઈ એરપોર્ટનો ટ્રાફિક ૧૩૨ ટકા વધ્યો, છ મહિનામાં ૧.૭ કરોડ પ્રવાસીની અવરજવર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ડોમેસ્ટિક ક્ષેત્રે ૧.૩૩ કરોડ પ્રવાસીનો સમાવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આ વર્ષના પહેલા છ મહિના દરમિયાન મુંબઈ એરપોર્ટ પરથી ૧.૭ કરોડ જેટલા પ્રવાસીએ અવરજવર કરી હતી, જે ગયા વર્ષની તુલનામાં ૧૩૨ ટકાનો વધારો થયો છે, જ્યારે ડોમેસ્ટિક એરપોર્ટમાં ૧.૩૩ કરોડ પ્રવાસીએ અવરજવર કરી હતી, એમ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ)ના અહેવાલમાં જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય પેસેન્જર ટ્રાફિકમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીથી જૂન મહિનાની વચ્ચે ૩૫ લાખ પ્રવાસીએ અવરજવર કરી હતી, જેમાં અગાઉના વર્ષની તુલનામાં ૯૭ ટકા વધારો થયો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈના એરપોર્ટના ડિપાર્ચર અથવા અરાઈવલ પરથી ફક્ત મે મહિનામાં ૪૦ લાખ પ્રવાસીએ અવરજવર કરી હતી. ૨૧મી મેના એકલા ૧.૨ લાખ જેટલા પ્રવાસીએ અવરજવર કરી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય એરલાઈન્સની ફ્લાઈટ્સમાં પ્રતિબંધોને કારણે એકંદરે પેસેન્જર ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો હતો. ૨૭મી માર્ચ, ૨૦૨૦ પછી સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાન્યુઆરની તુલનામાં જૂન મહિનામાં ઈન્ટરનેશનલ એર ટ્રાફિકમાં ૧૨૪ ટકાનો વધારો થયો છે, જેમાં ૮.૩ લાખ જેટલા પ્રવાસીએ અવરજવર કરી હતી. ૨૦૨૨ એકંદરે કોરોનાના સંબંધિત નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં પછી ધીમે ધીમે એર ટ્રાફિક અને પેસેન્જરની અવરજવરમાં વધારો થયો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન ચાર્ટર ફ્લાઈટ્સના ઓપરેશનમાં વધારો થયો છે, જેમાં ૧૭,૫૦૦ જેટલા પ્રવાસીએ મુસાફરી કરી હતી. ડોમેસ્ટિક એરપોર્ટમાં ૧૫,૬૦૦ તથા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ૧,૯૬૦ જેટલા લોકોનો સમાવેશ થયો હતો. ૨૦૨૧ની તુલનામાં આ વર્ષે ૪૪ ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના છ મહિનામાં ૬,૮૭૮ ફ્લાઈટ્સની મૂવમેન્ટ નોંધાઈ હતી, જેમાં જીએ ટર્મિનલ ખાતે અરાઈવલમાં ૩,૪૩૨ તથા ડિપાર્ચરમાં ૩,૪૪૬ ફ્લાઈટ્સનો સમાવેશ થયો હતો, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

ટેક્નિકલ ખામીના વધતા કિસ્સા ચિંતાજનક
કોરોનાનાં નિયંત્રણ પછી ફ્લાઈટ્સ અને પેસેન્જરના ટ્રાફિકમાં વધારો થયો છે, પરંતુ ફ્લાઈટ્સની ઉડાન સંબંધિત ખામીના વધતા કિસ્સાની બાબત ચિંતાજનક છે. આ વર્ષે એકલા મુંબઈમાં પાંચથી વધુ કિસ્સા નોંધાયા છે, જેમાં આ અઠવાડિયામાં બે કિસ્સા મુંબઈમાં નોંધાયા હતા. આ જ અઠવાડિયામાં ગો-ફર્સ્ટની મુંબઈ-લેહની ફ્લાઈટમાં ખામી સર્જાયા પછી દિલ્હીમાં ડાઈવર્ટ કરી હતી, જ્યારે મે મહિનામાં મુંબઈ-બેંગલોરની ફ્લાઈટમાં ખામી સર્જાયા બાદ ફ્લાઈટને મુંબઈ રિટર્ન લાવ્યા હતા. ફ્લાઈટમાં વધતા ખામીના કિસ્સા સંબંધમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા સંબંધિત કંપનીઓને નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે, એમ એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.