Homeવીકએન્ડMemoir: શું વાંચવું? કેટલું સાચું માનવું?!

Memoir: શું વાંચવું? કેટલું સાચું માનવું?!

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

લખતી વખતે ઘણી વખત કોઈ એક વિચાર કે વિષય ગળે વળગી જતા હોય છે. આ સંજોગોમાં જે-તે વિષયે એકથી વધુ વખત લખવાનું મન થયા કરતું હોય છે. આત્મકથા કે સ્મરણકથા એક એવો જ વિષય છે. પહેલા જરા થોડો ટેકનિકલ ભેદ સમજી લેવા જેવો છે. જીવનકથા (Biography) અથવા આત્મકથા (Autobiography) એ શરૂથી અંત સુધીનું જીવન વૃતાંત છે. આ જીવન વૃત્તાંત જે-તે વ્યક્તિવિશેષ દ્વારા જાતે લખવામાં આવે, તો એ આત્મકથાનક – Autobiography બને છે. જ્યારે કોઈ બીજી વ્યક્તિ (મોટે ભાગે પ્રોફેશનલ રાઈટર) કોઈ વ્યક્તિવિશેષનું જીવનવૃત્તાંત લખે ત્યારે એને જીવનકથા -Biography કહેવાય. જો કે આ બન્ને કરતા હાલમાં કોઈ વૃત્તાંત ચલણમાં હોય, તો એ છે સંસ્મરણો – memoir. સ્મરણો સમગ્ર જીવન વિષે, અથવા જીવનના કોઈ એક કાળખંડને અનુલક્ષીને પણ લખી શકાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ર્ચિમી દેશોમાં ળયળજ્ઞશિ લખવાનું ચલણ વધતું જાય છે. બ્રિટિશ અંગ્રેજીમાં એનો ઉચ્ચાર ‘મેમોઅર’ અને અમેરિકન અંગ્રેજીમાં ‘મેમોર’ જેવો થાય છે. ઘણા ‘મેમોઇર’ જેવો ઉચ્ચાર પણ કરી લે છે.
હવે સમસ્યા એ છે કે દરેક ક્ષેત્રની જેમ સંસ્મરણો લખવાના ક્ષેત્રમાં પણ ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. કોના સંસ્મરણો શાંત પાણીમાં પથરો ફેંકીને મોટાં વમળો પેદા કરે એવાં છે, એના આધારે જે-તે પુસ્તકનું વેચાણ થાય છે. ગત સપ્તાહે આપણે પ્રિન્સ હેરીની આત્મકથાએ જગાવેલાં વમળો વિષે વાતો કરેલી. પ્રિન્સ હેરીએ પોતાના સંભારણાઓમાં લખેલું સત્ય ખરેખર ‘સત્ય’ છે કે ‘અર્ધસત્ય’? કે પછી માત્ર રાજપરિવાર સામે બદલો લેવાની ભાવનાથી અમુક સત્યોને તોડી-મરોડીને રજૂ કરાયા છે, એ વિષે લાંબી ચર્ચાઓ ચાલતી રહેવાની છે. આત્મકથા કે સંસ્મરણો લખાય, ત્યારે એ લખનારનો હેતુ પણ બહુ મહત્ત્વ ધરાવતો હોય છે. આપણા વીર કવિ નર્મદે તો પોતાની આત્મકથા લખતી વખતે સૌથી પહેલા પાને પોતે શા માટે આત્મકથા લખી રહ્યો છે, એ વિશેનાં સચોટ કારણો આપ્યાં છે. આપણા બીજા સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ પણ પોતાનું જીવનવૃત્તાંત લખ્યું છે. મણિલાલનું અંગતજીવન અને આંતરિકજીવન અનેક પ્રકારની વિષમતાઓથી ભરેલું હતું. તેમનું કુટુંબજીવન તેમજ લગ્નજીવન અનેક અણબનાવોમાંથી પસાર થયું હતું. એમાં એવું ઘણું હતું, કે આજનો આધુનિક સમાજ પણ વાંચે તો નાકનું ટીચકું ચડાવે! તેમ છતાં આત્મકથા લખવા પાછળનો મણિલાલનો હેતુ કંઈ સનસની પેદા કરીને વેચાણ વધારવાનો નહોતો. આથી એમના મૃત્યુના દાયકાઓ બાદ એ આત્મકથાનક પ્રકાશિત થયું! બીજી તરફ વિદેશોમાં ઊંધી પ્રથા છે. અહીં લોકો પોતાના જીવનની નાની અમથી ચટપટી ઘટનાને પણ એવા મરી-મસાલા છાંટીને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી દે કે વાંચનારા લોકો સિસકારા બોલાવતા જાય અને વાંચતા જાય. ઘણાએ પ્રિન્સ હેરીના પુસ્તકને પણ આજ કેટેગરીમાં મૂક્યું છે. આ પ્રકારના મેમોર દ્વારા લેખકએ નામ અને દામ પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યા હોવાના અનેક દાખલાઓ છે. ભોળી પ્રજા આવાં પુસ્તકોથી ભલે આકર્ષિત થતી હોય, પણ અનુભવીઓને જે-તે મેમોર પબ્લિશિંગ પાછળના હેતુઓનો અંદાજ હોય જ છે. જો કે આજે જેની વાત કરવી છે, એ લેખક મહાશય તો ક્યારેક ઓપ્રાહ વિન્ફ્રે જેવી શખ્સિયતને પણ પ્રભાવિત કરી ગયેલા!
‘ઓપ્રાહ વિન્ફ્રે શો’ની ગણના વિશ્ર્વના ઓલ ટાઈમ હિટ અને સૌથી પોપ્યુલર ટીવી શોમાં થાય છે. એની હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે પોતે એક અશ્ર્વેત મહિલા છે, જે અંગત જીવનના ઝંઝાવાતો સામે ટકી રહીને પોતાના પરિશ્રમના જોરે એક અલગ ઊંચાઈ સુધી પહોંચી છે. ઓપ્રાહનો ચાહક વર્ગ એવો વિશાળ છે કે એ જો કોઈ એક પુસ્તકના વખાણ કરે તો એ પુસ્તકનું વેચાણ વધી જાય! અને ૨૦૦૩ માં આવું જ કંઈક થયું. ઓપ્રાહ પોતાના શોમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિભૂતિઓ અને સેલિબ્રિટીઝને બોલાવીને એમની સાથે પ્રશ્ર્નોત્તરી કરતી હોય છે. ૨૦૦૩ માં એણે એક લેખક જેમ્સ ફ્રેને પોતાના શોમાં બોલાવ્યો.
જેમ્સનો જન્મ ૧૨ સપ્ટેમ્બર, ૧૯૬૯ના દિવસે ઓહાયોના ક્લીવલેન્ડ ખાતે થયો, અને ૧૯૯૨માં એ ડેનિસન યુનિવર્સિટીમાંથી ઇતિહાસના મુખ્ય વિષય સાથે ગ્રેજ્યુએટ થયો. એ સિવાય એના પૂર્વ જીવન વિષે કોઈ ખાસ માહિતી મળતી નથી, સિવાય કે એની આત્મકથાનાં પ્રકરણો તમે વાંચો. આમ તો ભણતર પૂરું કર્યા બાદ જેમ્સ સ્ક્રીન પ્લે રાઈટર બન્યો અને ૧૯૯૮માં પબ્લિશ થયેલી “Kissing a Fool’ તેમ જ ‘The Fall of the West’ જેવી ફિલ્મોના સ્ક્રીન પ્લે લખ્યા. આ બધા સુધી તો ઠીકઠાક ગાડી ચાલતી હતી. પણ ૨૦૦૩માં જેમ્સ ફ્રેએ લખેલી પોતાની જ જીવનકથા પબ્લિશ થઇ, અને જેમ્સભાઈ રાતોરાત જાણે સેલિબ્રિટી બની ગયા! Amazon.com ના એડિટર જેવી હસ્તીએ જેમ્સની આત્મકથાને ’માય ફેવરિટ બુક ઓફ ધી યર’ કહીને નવાજી. એવું તે શું હતું એની આત્મકથામાં?
જેમ્સ ફ્રેની આત્મકથા એટલે “A Million Little Pieces”. પુસ્તકમાં જેમ્સે પોતાના જીવન વિષે ઝયહહ-અહહ પ્રકારની વાતો કરી હતી. ડ્રગ્સ, ગુનાખોરી, પોતાનો જેલવાસ… કશું પણ છુપાવ્યા વિના લેખકે આ પુસ્તક લખ્યું. જ્યારે કોઈક પોતાનાં સંસ્મરણો એવી રીતે લખે, કે એમાં જીવનની છુપાવવા જેવી બાબતો સહિતની વાતો વણી લેવાઈ હોય, ત્યારે એ પ્રકારના સંસ્મરણો કે આત્મકથાને માટે અંગ્રેજી મીડિયા “Tell-All’ જેવો શબ્દપ્રયોગ કરે છે. સઘળું કહી દેવું, સંપૂર્ણપણે ઠલવાઈ જવું! એમાંય જેમ્સ ફ્રે પોતે એક સ્ક્રીન પ્લે રાઈટર હતો. એટલે કઈ ઘટનાને કઈ રીતે આલેખવી, એની એને પાકી ખબર હતી. પરિણામે વાચકોને એનું આ પુસ્તક બહુ ગમ્યું. ઓપ્રાહે પોતાના શોમાં જેમ્સ ફ્રેને બોલાવીને એની સાથે એક એપિસોડ શૂટ કર્યો. આ એપિસોડમાં એણે લેખકના જીવન સંઘર્ષ અને એણે લખેલા પુસ્તકના મોંફાટ વખાણ કર્યા. એ પછી તો પુસ્તકના વેચાણમાં પણ ભારે વધારો નોંધાયો.
પણ આ આખા મામલામાં એક ટવિસ્ટ આવી ગયો! થયું એવું કે લોકોને ખબર પડી ગઈ કે બેસ્ટ સેલર સાબિત થયેલ “”A Million Little Pieces” પુસ્તકમાં લેખક જેમ્સ ફ્રે દ્વારા બધી વાત યથાતથ નથી કહેવાઈ, બલકે ઘણી જગ્યાએ મસમોટા ગપગોળા ગબડાવી દેવામાં આવ્યા છે! દાખલા તરીકે જેલવાસ વિશેની વાત. જેમ્સે લખ્યું છે કે ગુનાખોરી બદલ એને ૮૭ દિવસનો (આશરે ત્રણ મહિના લાંબો) જેલવાસ વેઠવો પડેલો. પણ હકીકત સાવ જુદી જ હતી. થયેલું એવું કે વિહિકલ ડ્રાઈવિંગને લગતા કોઈ સામાન્ય ગુનાસર જેમ્સભાઈને એકાદ નાનકડા ટાઉનની જેલમાં થોડા કલાકો પૂરતા અટકાયતમાં લેવામાં આવેલા. પણ પોતાના આત્મકથાનકમાં જેમ્સે તો એવું ચિત્રણ કરી માર્યું કે એણે એક પોલીસમેનને ઝૂડી નાખ્યો, એ બદલ એને ત્રણેક મહિના કારાવાસમાં વિતાવવા પડ્યા! લોકોને વળી વાંચતી વખતે આ જેલવાસ વાળા પ્રકરણમાં રસ પણ પડી ગયેલો. પાછળથી સાબિત થયું કે એ આખું લખાણ જ મનઘડંત હતું. પોતાના પુસ્તકમાં મરીમસાલો ઉમેરવા જેમ્સે આ આખી વાત અમથી ઘુસાડેલી! આવા તો બીજા પણ ગપગોળા “”A Million Little Pieces” માં હતા.
ખુદ ઓપ્રાહને જ્યારે આ બધી વાતોની ખબર પડી ત્યારે એને પારાવાર અફસોસ થયો. “અરેરે, મેં એક સાવ મનઘડંત પુસ્તકને ‘આત્મકથા’ ગણીને વખાણી માર્યું! ઇસ ૨૦૦૬માં ઓપ્રાહે જેમ્સ ફ્રેને ફરીથી પોતાના શોમાં બોલાવ્યો. આ વખતે એણે ફ્રેનો બરાબરનો ઉધડો લઇ માર્યો! ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આ ઘટના નોંધપાત્ર ગણાય છે. પછી જો કે માફામાફી થઇ ગઈ અને મામલો થાળે પડી ગયા, પરંતુ પ્રકાશકે જાહેરાત કરવી પડી કે જે વાચકોને આત્મકથાનક જુઠાણાથી તકલીફ થઇ હોય, એમને વળતર ચૂકવી આપીશું. આખરે કંપનીએ ૩૦,૦૦૦ ડોલર્સ જેટલી રકમ વળતર તરીકે ચૂકવવી પડી.
તમને લાગતું હશે કે જેમ્સ ફ્રેએ એકવાર લેખક તરીકેની પોતાની વિશ્ર્વસનીયતા ગુમાવી દીધી, એ પછી એની કરિયરનો અકાળે અંત આવી ગયો હશે. પણ એવું કશું ન થયું, ઊલટાનું જેમ્સ ફ્રેના એક પછી એક પુસ્તકો/પ્રોજેક્ટ્સ જાહેર થતા જ રહે છે. ૨૦૦૫માં જ જેમ્સ ફ્રેએ બીજું એક મેમોર ટાઈપ પુસ્તક લખી નાખ્યું, “”My Friend Leonard” જેમ્સના જૂના ટ્રેક રેકોર્ડને વિસારે પાડીને લોકોએ આ બીજું મેમોર પણ ખૂબ વાંચ્યું. જૂઠાણાના પાયે લખાયેલ “A Million Little Pieces”ની માફક જ “”My Friend Leonard” પણ બેસ્ટ સેલર સાબિત થયું, બોલો! મોરલ ઓફ ધી સ્ટોરી એટલી જ, કે તમે શું લખો છો, એના કરતાં જે-તે ઘટનાને કઈ રીતે રજૂ કરો છો એનું મહત્ત્વ ઘણી વાર વધી જતું હોય છે. શું વાંચવું અને કેટલો વિશ્ર્વાસ કરવો, એ આપણી વિવેકબુદ્ધિ પર નિર્ભર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular