આપણે બધા દિવસમાં એક જ વખત સૂરજને ઊગતો અને ડૂબતો જોયો છે, પણ જો તમને કોઈ કહે કે કોઈ વ્યક્તિ રોજે 16 સૂરજને ઉગતા અને ડૂબતા જુએ તો વિશ્વાસ થાય ખરો કે? જો તમે નથી સમજી શકતા કે આવું કઈ રીતે શક્ય છે તો આવો અમે તમને સમજાવીએ કે આવું કઈ રીતે થાય છે. જ્યારે તમે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હોવ ત્યારે આવું થવું શક્ય છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સવાર અંતરીક્ષ યાત્રીઓ માટે આ ખૂબ જ સામાન્ય વાત છે.
પરિક્રમા કરનાર આ સ્પેસ સ્ટેશન પૃથ્વીની ચારે બાજુ લગભગ 17,000 માઈલ પ્રતિ કલાકની સ્પીડથી ચક્કર લગાવે છે, એટલે અંતરિક્ષ યાત્રીઓને દરરોજ 16 સૂર્યોદય અને સુર્યાસ્ત જોવા મળે છે. હવે આ સ્પેસ સ્ટેશનમાં રહેનાર વ્યક્તિની સામે એક મોટી દુવિધા ઊભી થઈ છે અને તેનું કારણ છે શરૂ થનાર રમઝાનનો મહિનો…
વાત જાણે એમ છે કે સુર્યાસ્ત બાદ નમાઝ પઢવામાં આવે છે અને ત્યાર બાદ રોઝા ખોલવામાં આવે છે, પણ જ્યારે તમે રોજ 16 સૂર્યોદય અને સુર્યાસ્તના સાક્ષી બનતા હોવ તો તમે ક્યારે રોઝા રાખશો અને ક્યારે રોઝા ખોલશો… આ એક એવો સવાલ છે કે જેનો સામનો સુલ્તાન અલનેયાદી ત્રીજી માર્ચથી એટલે કે જ્યારથી સ્પેસ સ્ટેશન આવ્યા છે ત્યારથી કરી રહ્યા છે. સુલ્તાન અવકાશમાં સંશોધનનું કામ કરી રહેલાં ડઝનેક મુસલમાનભાઈઓમાંથી એક છે, જેઓ સ્પેસની યાત્રા પર છે.
જાન્યુઆરી મહિનામાં એક ઈન્ટરવ્યુમાં સુલ્તાને જણાવ્યું હતું કે છ મહિના એક મિશન માટે ખૂબ લાંબો સમયગાળો છે અને આ એક મોટી જવાબદારી પણ છે. આગળ સુલ્તાને એવું પણ જણાવ્યું હતું કે જો તમે સારું ફીલ કરી રહ્યા તો ઉપવાસ રાખવાની જરૂર નથી. મિશનને જોખમમાં નાખવાનો કે અન્ય ક્રૂ મેમ્બરને જોખમમાં મૂકવા એ જરા પણ યોગ્ય નથી.
સ્પેસમાં ખાવા-પીવાની બાબતે કોઈ પણ એક્સપરિમેન્ટ નહીં કરી શકાય. અહીં રહેનારને પૂરતા ભોજનની આવશ્યક્તા હોય છે. જોકે, ગ્રીનવિચ મીન ટાઈમ કે પછી કો-ઓર્ડિનેટ યુનિવર્સલ ટાઈમ અનુસાર રોઝા રાખી શકાય છે, જેનો ઉપયોગ અંતરિક્ષમાં ઓફિશિયલ ટાઈમના સ્વરૂપમાં કરવામાં આવે છે, એવું સુલ્તાને વધુમાં જણાવ્યું હતું.