શિન્ઝો આબેની હત્યા, ભારતના વિઝનરી હમદર્દની વિદાય

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને ગુરૂવારે રાજકીય પ્રચાર દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી એ ઘટનાએ આખા વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો છે. જાપાનની ગણના વિશ્ર્વના સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશોમાં તો થાય જ છે પણ શાંતિપ્રિય દેશોમાં પણ થાય છે. અમેરિકામાં તો હિંસાની નવાઈ જ નથી પણ ફ્રાન્સ સહિતના યુરોપના સમૃદ્ધ દેશોમાં પણ હિંસા ચાલ્યા જ કરે છે, પણ જાપાનમાં હિંસાની વાત કદી સાંભળી નથી.
જાપાનમાં છાસવારે ભૂકંપ આવ્યા કરે છે પણ આ રીતે રાજકારણી પર હુમલો થયો હોય ને હત્યા કરી દેવાઈ એવું કદી સાંભળ્યું નથી. આ ઈમેજ વચ્ચે જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાનને જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ તેથી ખળભળાટ મચી જવો સ્વાભાવિક છે. હુમલાખોરે શિન્ઝો આબેને પાછળથી બે ગોળી મારી હતી ને તેના કારણે તેમની હાલત ગંભીર હતી. જાપાનના મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે બચવાની આશા જ નહોતી.
મીડિયામાં કેટલાક અહેવાલોમાં તો સવારે જ શિન્ઝો આબે ગુજરી ગયા હોવાનો દાવો કરાયો હતો, પણ જાપાનના વડા પ્રધાન સ્પષ્ટતા કરી કે, શિન્ઝો આબેને બચાવવાના પ્રયત્નો ચાલુ છે. એ પછી તેમનાં મોતના સમાચાર પર બ્રેક વાગી, પણ તેમની તબિયત ગંભીર હોવાનું તો સ્પષ્ટ હતું. છેલ્લે છેલ્લે બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા તેમને બચાવી લેવાના પ્રયત્નો કરાયા પણ એ પણ ન ફળ્યા.
મીડિયાના રિપોર્ટ અનુસાર, ગોળીબારના હુમલા બાદ તરત જ તેમને કાર્ડિયાક અરેસ્ટ પણ આવી ગયો હતો, તેથી તેમની હાલત વધારે બગડી હતી. આબેની ઉંમર ૬૭ વર્ષની છે અને છેલ્લા ઘણા સમયથી તેમને ગંભીર બીમારીઓ પણ સતાવી રહી હતી. વાસ્તવમાં ખરાબ તબિયતના કારણે જ તેમણે વડા પ્રધાનપદ છોડી દીધું હતું. આ બધાં કારણોસર પણ તેમને બચાવી ન શકાયા.
આબે પરના હુમલાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આબેને ગોળી વાગી તેની ૧૫ મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી. જાપાન જેવા વિકસિત દેશમાં ભૂતપૂર્વ વડા પ્રધાનને હોસ્પિટલ લઈ જવામાં આટલી વાર કેમ લાગી એ સવાલ પૂછાઈ રહ્યો છે. ગોળી વાગ્યા પછી ૧૫ મિનિટ પછી ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી હતી તેથી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ ન કરી શકાયા ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું ઘણું લોહી વહી ગયું હતું.
આબે રસ્તા પર તડપતા રહ્યા ને લોકો જોતા રહ્યા, પણ કોઈએ તેમને હોસ્પિટલમાં નહોતા પહોંચાડ્યા. આ કારણે તેમની સુરક્ષામાં સામેલ લોકોમાંથી કોઈ ફૂટેલું તો નથી ને એવો સવાલ પણ ઉઠી રહ્યો છે. આ સવાલોના કારણે ભારત હોય કે જાપાન, કાગડા બધા કાળા છે એવી કોમેન્ટ્સ પણ થઈ રહી છે.
જો કે લોકોએ તેમને મદદ ના કરી તેના માટે એવું કારણ અપાઈ રહ્યું છે કે, શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું જ નહોતું. હુમલાખોરે ગોળી છોડી તેથી આબે પડી ગયા તેની લોકોને ખબર જ નહોતી પડી, આબેની તબિયત ખરાબ છે તેથી અચાનક તબિયત લથડી હશે એવું જ લોકોએ માની લીધેલું. બીજું એ કે, નારા પ્રાંતના અંતરિયાળ વિસ્તારમાં આબે પ્રચાર કરતા હતા, તેથી એમ્બ્યુલન્સ પહોંચવામાં મોડું થઈ ગયું. આ વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ પોલીસે આબે પર ગોળીઓ છોડનારા હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.
આ હુમલાખોરની વય ૪૦ વર્ષ છે ને તેનું નામ તેત્સુયા યમુગામી હોવાનું કહેવાય છે. યમુગામી પહેલાં જાપાન નેવીમાં હતો. આબેને ગોળી માર્યા પછી તેણે ભાગવાની કોશિશ સુધ્ધાં નહોતી કરી ને સરળતાથી પકડાઈ ગયો. તેણે આબેને ગોળી કેમ મારી તેની સ્પષ્ટતા પોલીસ પૂછપરછ કરે પછી થશે પણ અત્યારે તો આખું વિશ્વ શોકમગ્ન છે.
આબે પરના હુમલાએ આખા વિશ્ર્વમાં ખળભળાટ મચાવ્યો તેનું એક કારણ જાપાનની શાંતિપ્રિય દેશ તરીકેની ઈમેજ તો છે જ પણ શિન્ઝો આબેનો જાપાનના જ નહીં પણ વિશ્ર્વના રાજકારણમાં પણ દબદબો પણ હતો. આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી ટકનારા વડા પ્રધાન છે. આબે ૧૯૯૩માં પહેલી વાર ચૂંટણી જીત્યા પછી ધીરે ધીરે પ્રગતિ કરીને ૨૦૦૬માં જાપાનમાં એકચક્રી શાસન ભોગવતી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ બન્યા ને જાપાનના વડા પ્રધાન બન્યા.
એક જ વર્ષમાં તેમણે પોતાની કેબિનેટને લગતા વિવાદોના કારણે રાજીનામું આપી દીધું હતું. ૨૦૧૨માં આબે ફરીથી જાપાનના વડા પ્રધાન બન્યા અને ૨૦૨૦માં સામેથી ખરાબ તબિયતના કારણે ખસી ગયા ત્યાં સુધી વડા પ્રધાન રહ્યા હતા. શિન્ઝોને આંતરડાંની બીમારી અલ્સરટ્રેટિવ કોલાઈટિસ હતું તેથી વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું, બાકી અત્યારે પણ એ વડા પ્રધાનપદે હોત. જાપાનમાં કોઈ વડા પ્રધાન આટલું લાંબું ટક્યા નથી.
શિન્ઝો જાપાનમાં દબદબો ઊભો કરી શક્યા તેનું કારણ એ છે કે, તેમને રાજકારણના પાઠ ગળથૂથીમાંથી મળ્યા હતા. શિન્ઝો આબે રાજકીય પરિવારમાંથી આવે છે. આબેના દાદા નોબુસુકે કિશી ૧૯૫૭થી ૧૯૬૦ સુધી જાપાનના વડા પ્રધાન હતા અને આધુનિક જાપાનનો પાયો નાખવાનું શ્રેય તેમને અપાય છે.
આબેના પિતા શિંટારો આબે ૧૯૮૨થી ૧૯૮૬ સુધી જાપાનના વિદેશમંત્રી હતા. તેમના કાકા ઈસાકુ સાટો જાપાનના વડા પ્રધાન બન્યા હતા. આબેએ સતત ૨૮૦૩ દિવસ એટલે કે ૭ વર્ષ ૬ મહિના સુધી વડા પ્રધાનપદે રહીને નવો રેકોર્ડ બનાવ્યો એ પહેલાં સૌથી વધારે એટલે કે ૭ વર્ષ ને ૮ મહિના સુધી વડા પ્રધાનપદે રહેવાનો રેકોર્ડ ઇસાકુના નામે હતો.
રાજકીય પરિવારમાંથી હોવાથી આબેને વૈશ્ર્વિક પ્રવાહોની સારી માહિતી હતી, જોરદાર સંપર્કો હતા. તેનો ઉપયોગ તેમણે વડા પ્રધાન તરીકે કર્યો. આબેનું મુખ્ય યોગદાન સતત દાદાગીરી કરતા ચીન સામે ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકાની ધરી રચીને ફરી ક્વાડ સંગઠનને સક્રિય કરવાનું હતું. જાપાનમાં આર્થિક રીતે સમૃદ્ધિ છે તેથી સરકારે ત્યાં બહુ કરવાનું નથી પણ આ સમૃદ્ધિ જળવાય એ માટે વૈશ્ર્વિક સ્તરે જાપાનનો દબદબો જળવાવો જરૂરી છે. ચીનના વધતા વર્ચસ્વને રોકીને આ દબદબો જાળવવાનું કામ આબેએ બખૂબી નિભાવેલું.
ભારત માટે તો આબે સાચા મિત્ર હતા. ભારતને આબેના શાસન દરમિયાન તમામ પ્રકારની મદદ જાપાન તરફથી મળી. બુલેટ ટ્રેન માટે સાવ સસ્તા વ્યાજની લોન હોય કે ચીનની દાદાગીરી સામે લડવાની વાત હોય, આબે હંમેશાં ભારતના પડખે જ હતા. ભારત-જાપાન સંબંધોને તેમણે નવી મજબૂતી આપી.
આબેના મોત સાથે ભારતે એક હમદર્દ ગુમાવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.