પદ્મવિભૂષણ શિન્ઝો આબેની હત્યા

દેશ વિદેશ

જાપાનના માજી વડા પ્રધાનને જાહેરસભામાં ગોળી મરાઈ: ભારતમાં આજે રાષ્ટ્રીય શોક

ટોકયો: શુક્રવારે સવારે જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે નારા શહેરમાં જાહેરસભાને સંબોધન કરતા હતા તે દરમિયાન ગોળીબારમાં ઇજા પામ્યા પછી હૃદયરોગના હુમલામાં અવસાન પામ્યા હતા. તેઓ ૬૭ વર્ષના હતા. શિન્ઝો આબેને વર્ષ ૨૦૨૧માં ભારત સરકારનો પદ્મવિભૂષણનો ઇલકાબ એનાયત કરવામાં આવ્યો હતો. આબેના અવસાન નિમિત્તે ભારતમાં ૯ જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મેઇન હોન્શુ આઇલૅન્ડ પર ઓસાકાથી પૂર્વમાં સ્થિત નારા શહેર એક વખતમાં જાપાનનું પાટનગર હતું.
પશ્ર્ચિમ જાપાનના નારા શહેરમાં આગામી ચૂંટણીના ઉમેદવારના પ્રચાર માટેની સભાને સંબોધતા હતા ત્યારે તેમને ગોળી મારવામાં આવતાં ગંભીર ઇજા પામ્યા હતા. શિન્ઝો આબે ભાષણ આપતા હતા ત્યારે લોકોએ બંદૂકના ધડાકા સાંભળ્યા હતા. લોકોએ તેમને છાતી પર હાથ દબાવીને પડી જતાં જોયા હતા. તેમનું શર્ટ લોહીથી ભીંજાઈ ગયું હતું, પરંતુ તેઓ વાતો કરી શકતા હતા. થોડી ક્ષણો પછી શિન્ઝો બેભાન થયા હતા. તેમને તાત્કાલિક હેલિકૉપ્ટરમાં ઍરલિફ્ટ કરીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એટલા વખતમાં તેમના શ્ર્વાસોચ્છ્વાસ અટકી ગયા હતા અને હૃદયની ગતિ થંભી ગઈ હતી. સ્થાનિક ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી મોકાતો મોરિમોતોએ જણાવ્યું હતું કે ગોળીબારની ગંભીર ઇજા બાદ કાર્ડિયો ઍન્ડ પલ્મોનરી અરેસ્ટને કારણે શિન્ઝો આબેના ફેફસાં અને હૃદય નિષ્ક્રિય થઈ ગયાં હતાં.
જાપાનના ચીફ કૅબિનેટ સેક્રેટરી હિરોકાઝુ મત્સુનોએ પ્રસારમાધ્યમોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે શિન્ઝો આબે પર ગોળીબાર કરનારા મનાતા બંદૂકધારીને પોલીસે ઘટનાસ્થળે જ ઝડપી લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે ગોળીબારનાં કારણો હજુ જાણવા મળ્યાં નથી, પરંતુ આ ક્રૂરતાભર્યા કૃત્ય માટે સંબંધિત તમામ આરોપીઓને માફ કરી શકાય એમ નથી. હાલના વડા પ્રધાન ફુમિયો કિશિદા પણ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. તેઓ આગામી ચૂંટણી માટે પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે દૂરના પ્રાંતમાં યામાગાતામાં ગયા હતા. ત્યાંથી તેઓ હેલિકૉપ્ટરમાં ટોકિયો પહોંચ્યા હતા.
જાપાનની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શિન્ઝો આબેનો જન્મ વર્ષ ૧૯૫૪ની ૨૧ સપ્ટેમ્બરે રાજકારણીઓના પરિવારમાં થયો હતો. તેમના પરિવારના સભ્યો વિવિધ સ્તરે લોકપ્રતિનિધિ અને રાજકીય પક્ષોના હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ પહેલી વખત વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૦૭ સુધી અને બીજી વખત વર્ષ ૨૦૧૨ની ૨૬ ડિસેમ્બરથી વર્ષ ૨૦૨૦ની ૧૬ સપ્ટેમ્બર સુધી જાપાનના વડા પ્રધાન અન ેલિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ હતા. જાપાનના ઇતિહાસમાં તેઓ સૌથી લાંબી મુદત માટે વડા પ્રધાનપદે રહ્યા હતા. વર્ષ ૨૦૦૫થી વર્ષ ૨૦૦૬ સુધી એક વર્ષ માટે જાપાનના ચીફ કૅબિનેટ સેક્રેટરી અને વર્ષ ૨૦૧૨માં ટૂંકા ગાળા માટે વિરોધ પક્ષના નેતા પણ હતા. વર્ષ ૨૦૨૦માં તબિયત સારી ન રહેતી હોવાને કારણે વડા પ્રધાનપદનો ત્યાગ કર્યો હતો. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.