આસામનું પૂર: કામચલાઉ હોડીઓમાં કેન્સરના દર્દીઓની દિન-રાત સેવા કરે છે પદ્મશ્રી ડોક્ટર

વીક એન્ડ

સાંપ્રત -વૈભવ જોષી

ડોક્ટરનો વ્યવસાય એટલે ‘સેવા’નો વ્યવસાય ગણાય છે. જોકે આજકાલ આ વ્યવસાયમાં સેવા ઓછી અને મેવા ખાવાની વૃત્તિ વધારે હોવાના આક્ષેપ થાય છે, પણ આપણે બધાને એક લાકડીએ હાંકી ન શકીએ. આજે પણ એવા સેવાભાવી ડોક્ટરો છે જે કોઈ પણ સંજોગોમાં પોતાના દર્દીઓની સેવાનો ત્યાગ નથી કરતા. આસામના પૂર વચ્ચે પણ કેન્સરના દર્દીઓની સારવાર કરીને એક ડોક્ટરે સેવાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અત્યારે આસામના ૩૨ જિલ્લાના લગભગ ૫૪ લાખ લોકો ભયંકર પૂરથી પ્રભાવિત છે. પાણી ઊતરવાનાં શરૂ થયા હોવા છતાં હજી ૨૨ લાખ લોકો મુશ્કેલીમાં છે. આ પૂરની સ્થિતિમાં સો લોકોનું મૃત્યુ થયું છે. દેશની સેના અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને અન્ય વિભાગો બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલી છે.
પણ આ પરિસ્થિતિમાં સૌથી વધુ મુશ્કેલી જો કોઈને પડતી હોય તો ગંભીર બીમારીથી પીડાતા લોકોને. આસામના સિલચરની કચર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પણ પાણીમાં ડૂબી ગયાં છે. તેને કારણે એવી નોબત આવી કે કેન્સરના દર્દીઓને કામચલાઉ હોડીઓમાં સ્થળાંતરિત કરવા પડ્યા.
હોસ્પિટલના ડાયરેક્ટર અને સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો. રવિ ક્ધનન જણાવે છે કે ‘અમે ટ્રકનાં ચાર ટાયર એક સાથે બાંધીને, તેના પર પ્લાયવૂડ મૂકીને તરાપા બનાવ્યા. આ તરાપા પર દર્દીઓને સલામત રીતે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે.’
હોસ્પિટલ તો ડૂબી ગઈ, પણ નજીકમાં એક જગ્યા ઉલબ્ધ હતી, જેમાં કામચલાઉ ઓપીડી ચાલુ કરવામાં આવ્યું છે, જ્યાં કેમોથેરપી, લોહીના નમૂના લેવા વગેરે કાર્યો ચાલુ કર્યાં છે. જે દર્દીઓને વધુ સારવારની જરૂર હોય તેમને કામચલાઉ બોટમાં અવરજવર કરાવાય છે. આ પરિસ્થિતિમાં ખોરાક, પાણી, સોય વગેરેની ખૂબ અછત છે. ડો. ક્ધનન કહે છે કે ‘અમે પ્રયત્ન કરીને લોકોના ઘરે જવાનું શરૂ કર્યું છે, કારણ કે ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓ આ રીતે અહીં આવી શકે તેમ નથી. જેમની સ્થિતિ ગંભીર નથી, તેમના પર પણ ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે કેન્સરના દર્દીઓની સારવાર લાંબો સમય અવગણી શકાય નહીં.’
પાણી ઊતરી ગયા પછી દર્દીઓને પુનર્વસન માટે પણ આર્થિક મદદની જરૂર પડશે, કેમ કે ઘણા દર્દીઓનાં ઘર પૂરમાં ધ્વસ્ત થઈ ગયાં છે. તેમના કેટલાક સહકર્મીઓનાં ઘરોને પણ નુકસાન થયું છે. ડો. ક્ધનન કહે છે કે ‘અમને આ બધું ફરી ઊભું કરવા મદદની જરૂર છે.’ અન્ય એક ડોક્ટર પ્રમેશ સીએસ પણ સોશિયલ મીડિયામાં કઈ રીતે કેટલીક કેમોથેરપી જેવી સારવારો રોડ પર, ખુલ્લી જગ્યામાં, હોસ્પિટલની બહાર થઇ રહી છે તે જણાવે છે. ઓપીડી તો ઝાડ નીચે ચાલે છે! તેમણે પણ લોકો પાસે દાનની ટહેલ નાખી છે.
ડો. રવિ ક્ધનન ૨૦૦૭માં પોતાનું સ્થાયી જીવન છોડીને ચેન્નાઇથી આસામ દર્દીઓની સેવા માટે આવ્યા હતા. ત્યારથી તેમનો સેવાયજ્ઞ ચાલુ છે. તેમણે આ હોસ્પિટલનો વિકાસ કર્યો, તેમાં વધુ ખાટલાઓ ઉમેર્યા અને નર્સની ભારતીઓ કરી, ઘરમાં સારવાર શરૂ કરાવી. દર્દીઓ સાથે આવતા લોકોને જ અટેન્ડન્ટ તરીકે ભરતી કર્યા.
ગંભીર પરિસ્થિતિઓમાં પણ દેશના એક ખૂણે સેવાની ધૂણી ધખાવીને બેઠેલા આવા કર્મયોગીઓને આપણે પણ આહુતિરૂપે ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ને ન્યાયે મદદ અવશ્ય કરવી જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.