કવર સ્ટોરી -દર્શના વિસરીયા

કોલસાની ખાણમાં કામ કરો તો હાથ તો કાળા થવાના જ એ ઉક્તિ આપણે બધાએ સાંભળી જ છે અને કોલસાની ખાણની વાત આવે એટલે આપણી સામે કાળા રંગે રંગાઈ ચૂકેલા મજૂરો આવે. આ મજૂરો પણ પુરુષો જ હોય, કારણ કે ખાણમાં કામ કરવાનું કેટલું જોખમી હોય એ તો આપણે સૌ જાણીએ જ છીએ. અત્યાર સુધી આ એક ક્ષેત્ર એવું હતું કે જેના પર પુરુષોનું જ આધિપત્ય હતું, પણ હવે આ વર્ષો જૂની પરંપરા અને માન્યતાઓને તોડીને વર્ચસ્વ સ્થાપવાની શરૂઆત કરી છે એક મહિલાએ નામે આકાંક્ષા કુમારી…
ઝારખંડમાં રહેતી આકાંક્ષા કુમારી દેશની એવી પહેલી મહિલા છે કે જેણે દુનિયાની સૌથી મોટી ખાણમાંથી એક એવી કોલ ઈન્ડિયાની સબસિડિયરી સેન્ટ્રલ કોલ ફિલ્ડ (સીસીએલ)માં અંડરગ્રાઉન્ડ કોલ માઈન એન્જિનિયરના પદનો કારભાર સંભાળ્યો છે. તે સીસીએલના નોર્થ કલ્યાણપુરા એરિયા સ્થિત ચૂરી અંડરગ્રાઉન્ડ માઈનમાં ફરજ બજાવી રહી છે, જ્યાં તે પિલર ડિઝાઈન, સ્ટેબિલિટી વગેરેની દેખરેખ અને પરીક્ષણ કરવાનું કામ કરે છે.
પોતાની આ અનોખી સિદ્ધિ વિશે વાત કરતાં આકાંક્ષા જણાવે છે કે ‘લોકો કોલસાની અંડરગ્રાઉન્ડ ખાણમાં કામ કરવાના જોખમ વિશે વાત કરતા હતા, ત્યારથી જ મને આ ખાણની દુનિયા અંદરથી જોવાની તીવ્ર ઈચ્છા હતી. મારું બાળપણ હઝારીબાગના કોલ્ડ ફિલ્ડ્સમાં પસાર થયું છે એટલે સ્વાભાવિક જ આ ખાણ માટેનું આકર્ષણ વધતું ગયું મારા જીવનમાં અને મનમાં હંમેશાં એક જ વિચાર રમતો રહેતો કે આખરે આ ખાણમાં થતું શું હશે?’
બસ મનમાં ઊઠી રહેલા આ સવાલનો જવાબ મેળવવા માટે આકાંક્ષાએ આ જ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું. ખૂબ જ ઓછા લોકો એવા હોય છે કે જેમને તેમના પેશનને જ પ્રોફેશન બનાવવાનો ચાન્સ મળતો હોય છે અને આકાંક્ષા પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તેને પોતાના પેશનને પ્રોફેશનમાં ક્ધવર્ટ કરવાનો ચાન્સ મળ્યો.
કોલસાની ખાણ પ્રત્યેનું બાળપણનું આકર્ષણ એ આજે તેના જીવનનું રોજનું કામકાજ બની ગયું છે. જ્યારે તેણે પરિવાર સમક્ષ પોતાના આ નિર્ણય વિશે જણાવ્યું તો આકાંક્ષાના પિતાએ કોલસાની ખાણમાં કામ કરતા તેમના મિત્રો પાસેથી સલાહ લેવાનું નક્કી કર્યું. તેમાંથી કેટલાક લોકોએ આ નિર્ણયને એક બેસ્ટ ઓપ્શન ગણાવ્યો તો કેટલાક લોકોએ આકાંક્ષા એક છોકરી છે એટલે તેણે પુરુષોના આધિપત્યવાળા આ જોખમી ક્ષેત્રમાં પ્રવેશવાને બદલે બીજા કોઈ વિકલ્પ પર વિચાર કરવો જોઈએ એવી સુફિયાણી સલાહ આપીને પોતાના ‘શુભચિંતક’ તરીકેની ફરજ બજાવી.
‘મિત્રો પાસેથી સલાહ લઈને પણ પિતા કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શક્યા નહીં એટલે તેમણે આખરી નિર્ણય તારે જ લેવો પડશે એવું મને જણાવી દીધું. તેમણે મને ખરેખર પ્રોત્સાહન આપ્યું અને જણાવ્યું કે તું એક બહાદુર છોકરી છે એટલે તારી કારકિર્દીનો નિર્ણય પણ જાતે જ લેવાનો છે. જો તારું આટલું જ મન છે તો એક વખત પ્રયાસ કરી જોવામાં કંઈ ખોટું નથી. ન ફાવે તો બીજું કંઈ ટ્રાય કરજે, વધુમાં વધુ શું થશે? નિષ્ફળતા મળશેને? કંઈ વાંધો નહીં, એ નિષ્ફળતા પણ જીવનમાં આગળના નિર્ણયો લેવામાં મદદ કરશે. બસ, પપ્પાએ આટલી હિંમત બંધાવી એટલે મેં પણ આ ક્ષેત્રમાં ઝંપલાવવાનું નક્કી કરી લીધું અને માઈનિંગનો કોર્સ શરૂ કરી દીધો,’ એવું વધુમાં જણાવે છે આકાંક્ષા.
આકાંક્ષાએ બિરચા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એટલે કે બીઆઈટી સિંદરી (ધનબાદ)માંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યાર બાદ ૨૦૧૮માં ઉદયપુર સ્થિત એક કંપનીમાં તેનું સિલેક્શન થઈ ગયું.
બે વર્ષ સુધી એ કંપનીમાં માઈન એન્જિનિયર તરીકે તેણે ડ્રિલિંગ સેક્શનની જવાબદારી સંભાળી અને ત્યાર બાદ સીસીએ માટે એપ્લાય કરવાનું નક્કી કર્યું. નસીબ અને આકાંક્ષાના પરિશ્રમના પરિણામે તેની પસંદગી થઈ ગઈ. અહીં તેની સાથે એક ખાસ વાત એવી થઈ કે તેને અંડરગ્રાઉન્ડ માઈનમાં તહેનાત કરવામાં આવી અને આ રીતે અંડરગ્રાઉન્ડ માઈનમાં કામ કરનાર આકાંક્ષા દેશની પહેલી મહિલા અંડરગ્રાઉન્ડ કોલ માઈન એન્જિનિયનર બની ગઈ છે. આ પહેલાં તેને ધ માઈન્સ રેસ્ક્યુ-૧૯૮૫ અનુસાર માઈન્સ રેસ્ક્યુ એન્ડ રિકવરી વર્કની ટ્રેઈનિંગ આપવામાં આવી હતી.
અંડરગ્રાઉન્ડ માઈનમાં કામ કરવાની પદ્ધતિ અને તેમાં રહેલાં જોખમો વિશે વાત કરતાં આકાંક્ષાએ જણાવ્યું હતું કે ‘પહેલાં અંડરગ્રાઉન્ડ માઈનમાં કોલસા કાપવાનું અને તે બહાર કાઢવાનું જ મુખ્ય કામ હતું, પરંતુ હવે ટેક્નોલોજી બદલાઈ છે અને મારું કામ અંડરગ્રાઉન્ડ માઈનમાં પિલર ડિઝાઈન, સ્ટ્રક્ચર, વૉલ સ્ટેબિલિટી વગેરે સાથે કનેક્ટેડ છે. અહીં કામ કરવાનાં પોતાનાં જ એકદમ અલગ જોખમ હોય છે, જેમ કે ગેસ ઉત્સર્જનને કારણે આગ લાગવી વગેરે. જોકે હવે આવા જોખમની માહિતી પહેલાંથી મેળવવાનું પ્રમાણમાં સહેલું થઈ ગયું છે એટલું જ નહીં, ટેક્નોલોજી આ જ રીતે જો આગળ વધતી જશે તો એક દિવસ એવો પણ આવશે કે માઈન્સમાં મેન્યુઅલી બધું જ કામ બંધ થઈ જશે અને માઈન્સમાં કામ કરનારા મજૂરોના જીવ પર તોળાઈ રહેલું જોખમ ઘટી જશે.’
૨૬ વર્ષીય આકાંક્ષાનું એવું માનવું છે કે એ વાત તો સાચી છે કે માઈનિંગમાં પોતાનું કરિયર બનાવવાનું સપનું ખૂબ જ ઓછી છોકરીઓ જુએ છે અને એનાથી પણ ઓછાં માતા-પિતા પોતાની દીકરીઓના આ સપનાને સાકાર કરવામાં મદદરૂપ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ મહિલા સશક્તીકરણ માટે પ્રયાસો થઈ રહ્યા છે અને આકાંક્ષાની સાથે સાથે તેના પરિવારને પણ દીકરીની આ ઉપલબ્ધિ પર ખૂબ જ ગર્વ છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટના કોલ એન્ડ માઈન્સ ઓફ ઈન્ડિયાના પ્રહ્લાદ જોષી સહિત ઝારખંડ સરકારનાં અનેક મોટાં માથાંઓ આકાંક્ષાની આ સિદ્ધિને બિરદાવી ચૂક્યાં છે.
અંતમાં આકાંક્ષા એટલું જ ઈચ્છે છે કે તેમની જેમ જ અન્ય છોકરીઓ પણ આગળ આવીને માઈનિંગમાં કરિયર બનાવે અને પુરુષોના આધિપત્યવાળા આ ક્ષેત્રમાં પોતાના નામનો સિક્કો જમાવે તો જ મહિલા સશક્તીકરણની દિશામાં સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સાચા અર્થમાં સાર્થક થશે…

Google search engine