નવી દિલ્હી: ટાટા ગ્રૂપની કંપની ઍર ઇન્ડિયાએ ૩૭૦ વિમાનો લેવાના વિકલ્પ સહિત ૮૪૦ વિમાનોની ખરીદીના ઓર્ડર અગ્રણી વિમાન ઉત્પાદક કંપનીઓ ઍરબસ અને બોઇંગને આપ્યા છે. ઍર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ વિમાનોની ખરીદીના આટલા મોટા ઓર્ડરને ભારતમાં મુલકી ઉડ્ડયન સેવાના ઇતિહાસમાં ‘સીમા ચિહ્નરૂપ પ્રસંગ’ હોવાનું જણાવ્યું હતું. ઍર ઇન્ડિયા અને બોઇંગ કંપની વચ્ચે વિમાનો ખરીદવાના કરાર પર સહી-સિક્કા કરવાની ઘટનાનું અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. ઍરબસ પાસેથી
૨૫૦ અને બોઇંગ પાસેથી ૨૨૦ મળીને ૪૭૦ વિમાનો ખરીદવાના ઓર્ડર અપાયા હોવાની જાહેરાતના એક દિવસ પછી ઍર ઇન્ડિયાના ચીફ કમર્શિયલ ઍન્ડ ટ્રાન્સફોર્મેશન ઑફિસર નિપુણ અગ્રવાલે કુલ ૮૪૦ વિમાનોના ઓર્ડરની માહિતી આપી હતી.
નિપુણ અગ્રવાલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ લિન્ક્ડઇન પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓર્ડરમાં આવતા દાયકા દરમિયાન ૪૭૦ ફર્મ ઍરક્રાફ્ટ્સ અને ૩૭૦ ઓપ્શન્સ ઍન્ડ પરચેઝ રાઇટ્સની પ્રાપ્તિનો સમાવેશ છે. મુલકી ઉડ્ડયન ક્ષેત્રના આધુનિક ઇતિહાસમાં કોઈ એક ઍરલાઇનના વિમાનોની ખરીદીનો આ સૌથી મોટો ઓર્ડર છે. અમે લાંબાગાળા સુધી એન્જિન્સના મેઇન્ટેનન્સના કૉન્ટ્રાક્ટ્સ સીએફએમ ઇન્ટરનેશનલ (સીએફએમ), રોલ્સ રૉય્સ અને જીઈ એરોસ્પેસ સાથે સાઇન કર્યા છે.
નિપુણ અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે આ ઓર્ડર ટાટા ગ્રૂપની દૂરંદેશી અને ઍરલાઇનના ‘વર્લ્ડ ક્લાસ’ના રૂપમાં પરિવર્તન અને ભારતના દરેક ખૂણાને ‘નોન સ્ટોપ’વિમાન સેવાથી જોડવાની આકાંક્ષા દર્શાવે છે. ઍર ઇન્ડિયાના પ્રાઇવેટાઇઝેશનથી અસાધારણ આર્થિક શક્યતાઓ ઊભી થઈ હોવાનું પણ આ ઓર્ડર દ્વારા ફલિત થાય છે.
ભારત સરકારની કંપની ઍર ઇન્ડિયાને વર્ષ ૨૦૨૨માં ટાટા ગ્રૂપે હસ્તગત કરી હતી. છેલ્લા ૧૭ વર્ષમાં પહેલી વખત ઍર ઇન્ડિયાએ વિમાનોની ખરીદી કરી છે. અગાઉ વર્ષ ૨૦૦૫માં સરકારી માલિકીની કંપની ઍર ઇન્ડિયાએ ૧૦.૮ અબજ અમેરિકન ડૉલરની કિંમતે ૧૧૧ વિમાનો ખરીદ્યા હતા. તેમાં ૬૮ વિમાનો બોઇંગ કંપની પાસેથી અને ૪૩ વિમાનો ઍરબસ કંપની પાસેથી ખરીદ્યા હતા. આ ઓર્ડરના ભાગરૂપે પહેલા એ૩૫૦ વિમાનની ડિલિવરી આ વર્ષના અંતમાં આપવામાં આવશે.
હાલ ભારતમાં ઍરબસના ૪૭૦ કમર્શિયલ ઍરક્રાફ્ટ્સ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે અને દેશની વિવિધ ઍરલાઇન્સના ૮૫૦ વિમાનોના ઓર્ડર પેન્ડિંગ છે. ભારતની ઍરલાઇન્સમાં બોઇંગના ૧૫૯ વિમાનો વપરાશમાં છે. એકંદરે ભારતની ડોમેસ્ટિક ઍરલાઇન્સે ૧૧૦૦થી વધારે વિમાનોના ઓર્ડર આપ્યા છે. વિમાનોના ઓર્ડરની આ સંખ્યા દેશની ઍરલાઇન ઇન્ડસ્ટ્રીના વ્યાપક વિસ્તારના એંધાણ આપે છે. (એજન્સી)