દેશભરના લોકોનું આકર્ષણનું કેન્દ્ર અને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરની સહેલગાહે જવા માટે કોઇ કારણની જરૂર નથી. અહીંના બરફાચ્છાદિત પહાડો, કાનોમાં મધૂર સંગીત સુણાવતી નદીઓ, હરિયાળી બધું જ તમને આકર્ષે છે. હવે કાશ્મીર તમને અહીં આવવા માટે નવું આકર્ષણ આપી રહ્યું છે.
દાલ લેક અને જબરવાન ટેકરીઓ વચ્ચે આવેલા એશિયાના સૌથી મોટા ‘ઇન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડન’ માં રંગબેરંગી ફૂલો ખીલી ગયા છે અને આ ગાર્ડન આવતા સપ્તાહથી પ્રવાસીઓને આવકારવા માટે તૈયાર છે.
ટ્યૂલિપ ગાર્ડનના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે, ટ્યૂલિપ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકતા પહેલા અમે બાગાયત, એન્જિનિયરિંગ, ફૂગનાશક સારવાર, પોષક તત્વોનો છંટકાવ જેવી નાની-નાની તૈયારીઓ હાલમાં કરી રહ્યા છીએ.
દેશભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો આ ગાર્ડન 19 માર્ચે સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. તેને સિરાજ બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પીળા, લાલ, ઘેરા લાલ, જાંબલી, સફેદ અને અન્ય રંગોના ટ્યૂલિપ્સ રંગબેરંગી નજારો રજૂ કરે છે. જબરવન ટેકરીઓની તળેટીમાં આવેલો આ બગીચનો અદ્ભુત નજારો લોકો પસંદ કરે છે. વિવિધ રંગોના 1.5 મિલિયન ટ્યૂલિપ્સ ઉપરાંત, ગુલાબી તુરસાવા, ડેફોડિલ, મસ્કરા અને સાયક્લેમેન જેવા અનેક વસંતી ફૂલો પણ જોવા મળશે જે લોકોને આનંદિત કરશે.