એશિયા કપ ક્રિકેટ: શ્રીલંકા ચેમ્પિયન

દેશ વિદેશ

પાકિસ્તાન ફાઇનલમાં ૨૩ રનથી હારતા ભારતીયોમાં પણ ખુશીની લહેર

દુબઈ: અહીં રવિવારે રાતે રમાયેલી એશિયા કપ ક્રિકેટની ફાઇનલ જીતીને શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. તેણે ફાઇનલમાં પાકિસ્તાનને ૨૩ રનથી હરાવ્યું હતું. પાકિસ્તાનના પરાજયને લીધે કરોડો ભારતીયોમાં પણ ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી. શ્રીલંકા અગાઉ ક્રિકેટનો વિશ્ર્વકપ ૧૯૯૬ની ૧૭ માર્ચે જીત્યું, તે પછી એટલે કે અંદાજે ૨૬ વર્ષ પછી તેનો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કદાચ આ સૌથી મોટો વિજય હતો.
શ્રીલંકાએ ૨૦ ઑવરમાં છ વિકેટ ગુમાવીને ૧૭૦ રન કર્યા હતા અને તેના જવાબમાં પાકિસ્તાને ૨૦ ઑવરમાં ૧૪૭ રન કર્યા હતા અને તેના બધા બૅટ્સમેન આઉટ થઇ ગયા હતા.
પાકિસ્તાનની પ્રથમ બે વિકેટ ૨૨ રનના જુમલે પડી હતી. ત્રીજી વિકેટ ૯૩ રને પડી હતી. બાબર આઝમે છ બૉલમાં પાંચ રન કર્યા હતા અને લિયંગમગેની બૉલિંગમાં મધુશંકાએ તેનો કૅચ પકડ્યો હતો. ફઝર ઝમાન લિયંગમગેની બૉલિંગમાં જ એક પણ રન કર્યા વિના આઉટ થયો હતો. પાકિસ્તાનના પચાસ રન ૭.૩ ઑવરમાં બે વિકેટ ગુમાવીને થયા હતા. દસ ઑવરમાં ૬૮ રન થયા હતા. પાકિસ્તાનને એક સમયે ૬૮ બૉલમાં જીત માટે ૧૦૦ રન જોઇતા હતા અને તેની આઠ વિકેટ બાકી હતી, પરંતુ ઝડપથી બૅટિંગ કરવામાં તેણે પાછળની બધી વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાની ફિલ્ડિંગ ઘણી સારી હતી. ઇફ્તિખાર અહેમદે ૩૧ બૉલમાં ૩૨ રન કર્યા હતા. પાકિસ્તાનની પ્રથમ ત્રણે વિકેટ લિયંગમગેએ લીધી હતી.
મહંમદ નવાઝ નવ બૉલમાં છ રન કરીને આઉટ થયો હતો. કરુણારત્નેની બૉલિંગમાં લિયંગમગેએ તેનો કૅચ પકડ્યો હતો. ચોથી વિકેટ ૧૦૨ રનના જુમલે પડી હતી. મહંમદ રિઝવાન ૪૯ બૉલમાં ૫૫ રન કરીને આઉટ થયો હતો. પાંચમી વિકેટ પડી ત્યારે પાકિસ્તાનના ૧૧૦ રન થયા હતા.
પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ ૧૧૧ રનના જુમલે પડી હતી. આસિફ અલી એક પણ રન કર્યા વિના આઉટ થયો હતો. સાતમી વિકેટ ૧૧૨ રને, આઠમી વિકેટ ૧૨૦ રને અને નવમી વિકેટ ૧૨૫ રને પડી હતી.
અગાઉ, શ્રીલંકાની બૅટિંગની શરૂઆત ખરાબ રહી હતી. તેની ત્રણ વિકેટ ૩૬ રનમાં પડી ગઇ હતી. આમ છતાં, ભાનુકા રાજપક્ષ ૪૫ બૉલમાં ૭૧ રન કરીને અને ચામિકા કરુણારત્ને ૧૪ બૉલમાં ૧૪ રન કરીને અણનમ રહ્યા હતા.
ધનંજય ડી સિલ્વાએ ૨૧ બૉલમાં ૨૮ રન કર્યા હતા અને ઇફ્તિખાર અહેમદે તેનો કૅચ પોતાની બૉલિંગમાં જ પકડ્યો હતો.
વનિંદુ હસરંગા ડી સિલ્વાએ ૨૧ બૉલમાં ૩૬ રન કર્યા હતા. હરીશ રૌફની બૉલિંગમાં મહંમદ રિઝવાને તેનો કૅચ પકડ્યો હતો.
કુશલ મેન્ડિસ એક પણ રન કર્યા વિના નસીમ શાહની બૉલિંગમાં બૉલ્ડ થયો હતો. પથુમ નિશંકા ૧૧ બૉલમાં આઠ રન કરીને આઉટ થયો હતો. હરીશ રૌફની બૉલિંગમાં બાબર આઝમે તેનો કૅચ પકડ્યો હતો.
દાનુશકા ગુણતિલક હરીશ રૌફની બૉલિંગમાં બૉલ્ડ થયો હતો. તેને ચાર બૉલમાં એક રન કર્યો હતો.
શ્રીલંકાની પહેલી વિકેટ બે રને, બીજી વિકેટ ૨૩ રન, ત્રીજી વિકેટ ૩૬ રન, ચોથી વિકેટ ૫૩ રન, પાંચમી વિકેટ ૫૮ રન પડી હતી.
દાસુન શનાકા ત્રણ બૉલમાં બે રન કરીને શદાબ ખાનની બૉલિંગમાં તે બૉલ્ડ થયો હતો. શ્રીલંકાએ દસ ઑવરમાં ૬૭ રન કરીને પાંચ વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાનના ફિલ્ડર્સે અંતિમ ઑવરમાં ખરાબ ફિલ્ડિંગ કરી હતી અને કેટલાક કૅચ છોડ્યા હતા.
પાકિસ્તાનના બૉલરોમાં હરીશ રૌફે ચાર ઑવરમાં ૨૯ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. (એજન્સી)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.