એશિયા કપ સુપર-4માં આજે ભારતની બીજી મેચ શ્રીલંકા સામે, ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો મેચ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમ માટે એશિયા કપમાં ટકી રહેવા માટે દરેક મેચ કરો યા મરો બની ગઈ છે. એક હાર ભારતને ફાઈનલની રેસમાંથી બહાર કરી શકે છે. સાત વખતની વિજેતા ટીમ ઈન્ડિયા આજે ‘સુપર ફોર’ મેચમાં શ્રીલંકા સામે ટકરાશે ત્યારે તેમને શ્રેષ્ઠ બોલરોની જરૂર પડશે. હવે ભારત પાસે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે પ્રયોગ કરવાની બહુ જગ્યા નથી.

ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારત પાસે બોલિંગમાં વધુ પડતો વિકલ્પ નથી. ભારતના બોલરોમાં સાતત્યનો અભાવ છે. યુઝવેન્દ્ર ચહલ આ સમયે રોહિત શર્માની ચિંતાનું કારણ બનશે. ભારતને રવિવારે પાકિસ્તાન સામે પાંચ બોલરો સાથે રમવું ગમ્યું ન હતું. ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાની નિષ્ફળતાથી છઠ્ઠા બોલરની જરૂરિયાત અનુભવાઈ હતી. જો છઠ્ઠો બોલર હોત તો મેચનું પરિણામ કંઇક જુદુ જ હોત.

પાકિસ્તાન સામેની પહેલી મેચમાં હાર્દિક પંડ્યાનો જાદુ ચાલ્યો હતો, પણ બીજી મેચમાં તેની બોલીંગ સામાન્ય રહી હતી. ચહલ શ્રેષ્ઠ ફોર્મમાં ન હોવાથી, પાંચ બોલર ‘થિયરી’માં હાર્દિકની ચાર ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો તેની બોલીંગનો જાદુ ચાલે તો સારું છે અને જો તે નહીં ચાલે તો ટીમનું નુકસાન નિશ્ચિત છે. આવી સ્થિતિમાં શ્રીલંકા સામે સંતુલન પૂરું પાડવા માટે જાડેજાના સ્થાને બોલાવવામાં આવેલા અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. પાકિસ્તાન સામેની મેચ પહેલા અસ્વસ્થ રહેલા અવેશ ખાન ત્રીજા વિશેષ ઝડપી બોલર તરીકે ટીમમાં વાપસી કરી શકે છે.

પાકિસ્તાન સામે સકારાત્મક બાબત એ હતી કે ટીમના ટોચના ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. રોહિત, કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ આક્રમકતા બતાવી ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી. એશિયા કપમાં સતત બીજી અડધી સદી ફટકાર્યા બાદ કોહલીએ ટીકાકારોને ચૂપ કરી દીધા છે. શ્રીલંકા સામેની મેચમાં કોહલી અને બંને ઓપનરો પાસેથી પ્રથમ બોલથી જ ઝડપી બેટિંગ કરવાની અપેક્ષા રાખવામાં આવશે.

શ્રીલંકાની ટીમ મજબૂત છે. તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જીતી શકે છે. આ જ કારણે ભારતે શ્રીલંકા સાથે સાવધાન રહેવું પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.