એશિયા ક્રિકેટ કપ

દેશ વિદેશ

ભારત-પાક વચ્ચે આજે ક્રિકેટ જંગ

દુબઈ: અહીં રમાઈ રહેલા એશિયા ક્રિકેટ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વૉલ્ટેજ મુકાબલો જોવા મળશે.
લગભગ દસ મહિના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાઈ રહી છે. અગાઉ વર્ષ ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડ કપમાં બંને ટીમ સામસામે ટકરાઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ મૅચ રમાય છે ત્યારે બંને દેશના લોકોનો રોમાંચ ચરમસીમાએ પહોંચી જતો હોય છે.
એશિયા કપ શરૂ થતાની સાથે જ સટ્ટાબજારમાં પણ હલચલ અને ગરમાટો વધી ગયો છે. મોટા ભાગના બુકીએ મૅચ અને ટુર્નામેન્ટ જીતવા માટે ભારતને ફેવરીટ ગણી રહ્યા છે.
લોકો ટિકિટ મેળવવા માટે પડાપડી કરી રહ્યા હોવા વચ્ચે ટિકિટોનાં કાળાબજાર થઈ રહ્યાં છે.
ટિકિટનો સત્તાવાર ભાવ ૨૫૦ દિરહામ એટલે કે અંદાજે ૫,૫૦૦ રૂપિયા છે, પરંતુ કાળાબજારમાં એ જ ટિકિટ ૨૫૦૦ દિરહામ એટલે કે અંદાજે પંચાવન હજારમાં વેચાઈ રહી છે.
દેશ-વિદેશના અનેક બુકીઓ દુબઈ પહોંચી ગયા હોવાને કારણે સટ્ટાબજાર ગરમ છે. એક અનુમાન મુજબ અત્યાર સુધીમાં રૂ. ૧૦૦૦ કરોડનો સટ્ટો લાગી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ આંકડો અનેકગણો વધારે હોઈ શકે છે.
હાર જીત ઉપરાંત બૅટ્સમેન, બૉલિંગ, સદી, અડધી સદી, ટીમનો સ્કૉર અને ટોસ પર પણ સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં અત્યારે ભારતનો ભાવ ૪૭ પૈસા અને પાકિસ્તાનનો ભાવ બે રૂપિયા ચાલી રહ્યો છે.
અંદાજે ચાર વર્ષ બાદ એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હોઈ પોલીસ સટ્ટાબજાર પર ચાંપતી નજર રાખી રહી છે.
એક તરફ ભારતની ટીમમાં રોહિત શર્મા, કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત જેવા ધરખમ બૅટ્સમેનોની ફોજ છે તો હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્ર્વિન જેવા ઑલરાઉન્ડરો અને ભુવનેશ્ર્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ જેવા બૉલરો છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમન, ઈફ્તિખાર અહમદ, આસિફ અલી અને ખુશદિલ શાહ જેવા બૅટ્સમેનો ઉપરાંત શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ જેવા ઑલરાઉન્ડરો અને નસીમ શાહ, હરીશ રઉફ તેમ જ શાહનવાઝ દહાની જેવા બૉલરો છે.
કૅપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લા લગભગ એક દાયકાથી ભારતીય ટીમના બે મુખ્ય સ્તંભ છે.
એશિયાની અન્ય ધરખમ ટીમ સામે રોહિત શર્મા તેનું આક્રમક વલણ ચાલુ રાખવા ઉત્સુક હશે અને ફોર્મ પાછું મેળવવા વિરાટ કોહલી માટે આ યોગ્ય મંચ હશે.
એશિયા કપ પૂરો થયાના તુરંત બાદ ઑસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડ કપ રમવાનો છે.
દરમિયાન, એશિયા ક્રિકેટ કપ શનિવારથી શરૂ થઈ ગયો છે, પરંતુ સૌની નજર ૨૮ ઑગસ્ટ, રવિવારે રાતે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ પર છે.
ભારતની બીજી મૅચ ૩૧ ઑગસ્ટ, બુધવારે હૉંગકૉંગ સામે છે. આ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન બે વખત ટકરાવાની બધાને આશા છે અને મોટા ભાગના લોકો ૧૧ સપ્ટેમ્બર, રવિવારે રમાનારી ફાઈનલ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ રમાવાની ધારણા કરે છે.
પંદર દિવસમાં છ ટીમ વચ્ચે ૧૩ મૅચ રમાશે. છ ટીમને ત્રણ-ત્રણના બે ગ્રૂપમાં વહેંચાઈ છે. ગ્રૂપ-એકમાં ભારત, પાકિસ્તાન, હૉંગકૉંગ છે, જ્યારે ગ્રૂપ-બેમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બંગ્લાદેશ છે.
પાકિસ્તાનના દંતકથાસમાન ખેલાડી વસિમ અકરમે આગાહી કરી છે કે છ ટીમ ધરાવતી આ ટુર્નામેન્ટ અગાઉ ક્યારેય જોવા ન મળ્યું હોય તેવું ખેલ પ્રદર્શન દર્શાવવાની ક્ષમતા ધરાવે છે.
હૉંગકૉંગની ટીમને બાદ કરતા અન્ય પાંચ ટીમ અને અગાઉ સાત વખત ચૅમ્પિયન રહેલી ભારતની ટીમ પ્રતિસ્પર્ધી ટીમને પરાજય આપી શકે છે.
દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો હોવાનું કારણ ધરીને યજમાન ટીમ શ્રીલંકાએ ટુર્નામેન્ટનું આયોજન કરવાની અસમર્થતા દર્શાવતા છ વર્ષ બાદ ટી-૨૦ ફૉર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટને યુએઈ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોક્ે, ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપની સરખામણીએ યુએઈમાં પરિસ્થિતિ જુદી હશે, પરંતુ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી તમામ ટીમ આવનારાં અઠવાડિયાંઓમાં વર્લ્ડ કપની અંતિમ ઈલેવનની પસંદગી કરી લેશે. રવિવારે પાકિસ્તાન સામેની મૅચથી આરંભ કરનારી ભારતીય ટીમ તેનો આક્રમક અભિગમ જાળવી રાખશે. તમામ લોકોની નજર કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે. એલ. રાહુલ પર હશે. ઈજાગ્રસ્ત બુમરાહની ગેરહાજરી લોકોને સાલશે. છેલ્લા ૧૨ મહિનાથી સારું પ્રદર્શન કરી રહેલી અને દસ વર્ષ અગાઉ વન-ડે ટુર્નામેન્ટમાં વિજય મેળવનાર પાકિસ્તાનની ટીમ ફરી ટુર્નામેન્ટ જિતવાના ઈરાદાથી મેદાનમાં ઊતરશે.
એશિયા કપ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કૅપ્ટન), કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દીપક હૂડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્ર્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવી બિશ્ર્નોઈ, ભુવનેશ્ર્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડ બાય: શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર
પાકિસ્તાન ટીમ: બાબર આઝમ (કૅપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર ઝમન, હૈદરઅલી, હરીશ રાઉફ, ઈફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર, મોહમ્મદ હાસનૈન, હસન અલી. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.